ભવ્ય શોભાયાત્રા, અદ્ભુત નાટિકાઓ, હૃદયસ્પર્શી કાર્યક્રમો અને કર્ણપ્રિય ભક્તિના આયોજન સાથે ૨૯ નવેમ્બર સુધી અનેકવિધ કાર્યક્રમો દ્વારા સર્જાશે ભવ્યતા અને દિવ્યતા
રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ
રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબના સાંનિધ્યે સમગ્ર જૈન સમાજમાં એક નવા ઇતિહાસનું સર્જન કરાવનારા ૪ મુમુક્ષુ આત્માઓનો જૈન દીક્ષા મહોત્સવનો મંગલમય શુભારંભ આગામી બુધવારે પચીસ નવેમ્બરથી કરવામાં આવશે. મુમુક્ષુ જાનવી શાહ, યશ્વી મહેતા, તન્મયા રાજપૂત, અરુણા હળવદિયાના દીક્ષા મહોત્સવના વિવિધ અવસરોનું આયોજન પચીસથી ૨૯ નવેમ્બર સુધી કરવામાં આવ્યું છે.
પાંચ દિવસના આ દીક્ષા મહોત્સવ અંતર્ગત પ્રથમ દિવસે દીક્ષાર્થીઓની ભવ્ય શોભાયાત્રા અને ‘સમજથી સંયમ’ કાર્યક્રમ અંતર્ગત ભવ્ય નાટ્ય પ્રસ્તુતિ તેમ જ રજોહરણ નૃત્ય યોજાશે. રાત્રિના સમયે ‘મારી લાડકી દીકરી વહાલનો દરિયો’નો કાર્યક્રમ યોજાશે. દ્વિતીય દિવસે સવારના સમયે ‘સત્ નિમિત્તથી સંયમ’ કાર્યક્રમ, સાંજના સમયે સંયમ શૂરા શોભાયાત્રા બાદ સંયમ ભક્તિ યોજાશે. તૃતીય દિવસે સવારના ‘સંસ્કારથી સંયમ’ કાર્યક્રમની સાથે ‘વૈભવથી વૈરાગ્ય’ ભવ્ય નાટય પ્રસ્તુતિ કરવામાં આવશે. ત્યાર બાદ છાબદર્શન અને દીક્ષાર્થીઓના હાથે વરસીદાનનો અવસર યોજાશે. સાંજના સમયે સુપ્રસિદ્ધ ગાયક કલાકારો દ્વારા ‘ઓન્લી યુ પ્રભુ’ ભક્તિસંધ્યા યોજાશે. ચતુર્થ દિવસે સવારના વિદાય સમારોહ કાર્યક્રમ બાદ રવિવારે ૨૯ નવેમ્બરે મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે દીક્ષાર્થીઓને દીક્ષાના દાન આપવામાં આવશે.
માત્ર અલ્પ સંખ્યામાં દીક્ષાના પાસ બાકી હોવાથી વહેલા તે પહેલાના ધોરણે પારસધામ-ઘાટકોપર, પાવનધામ-કાંદિવલી, શ્રી હિંગવાલા ઉપાશ્રય, શ્રી વિલે પાર્લે-વેસ્ટ ઉપાશ્રય, શ્રી મુલુંડ ઉપાશ્રય, અને ઑલ જૈન જાગૃતિ સેન્ટર, કાંદિવલી-વેસ્ટ, વિલે પાર્લે-વેસ્ટ તેમ જ ઘાટકોપર-ઈસ્ટ ખાતેથી મેળવી શકાશે.
