કિચનમાં લાગેલી આગ વખતે બેડરૂમમાં લગાડેલાં સ્પ્રિન્કલર્સનો કોઈ ફાયદો ન થયો
આગની તસવીર
ઘાટકોપર-ઈસ્ટના પંતનગરની ગૌરીશંકર વાડીમાં આવેલા ગીતાંજલિ બિલ્ડિંગમાં ગઈ કાલે બપોરે ૧.૦૪ વાગ્યે અગિયારમા માળે આવેલા ધીરેન પુરોહિતના ફ્લૅટમાં આગ ફાટી નીકળી હતી. એક કલાકની જહેમત બાદ આગ ઓલવી શકાઈ હતી. આગમાં કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈ જખમી થયું નથી, પણ ઘરનું રાચરચીલું બળીને ખાખ થઈ ગયું છે.
માનખુર્દ ફાયર-બ્રિગેડના ઑફિસર પ્રસાદ પ્રભુએ આ વિશે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એ સમયે ઘરમાં માત્ર ધીરેન પુરોહિતની યંગ દીકરી જ હતી જે કમ્પ્યુટર પર કામ કરી રહી હતી. આગ કિચનમાં શૉર્ટ-સર્કિટને કારણે લાગી હતી. આખું ફ્રિજ બળીને ખાખ થઈ ગયું હતું. પાણી લીક થવાને કારણે કે અન્ય કોઈ કારણસર એમાં શૉર્ટ-સર્કિટ થયું હોવાની શંકા છે. આગ લાગતાંની સાથે જ તેમની દીકરી ઘરની બહાર દોડી ગઈ હતી. મેઇન આગ કિચનમાં લાગી હતી.
ADVERTISEMENT
ફ્લૅટમાં ફાયર ફાઇટિંગની સિસ્ટમ લગાડવામાં આવી હતી. બેડરૂમમાં, હૉલમાં અને પૅસેજમાં સ્પ્રિન્કલર્સ લગાડવામાં આવ્યાં હતાં; જ્યારે કિચનમાં સ્પ્રિન્કલર્સ નથી લગાડાતાં. એથી બેડરૂમમાં લાગેલાં સ્પ્રિન્કલર્સનો ખાસ કોઈ ઉપયોગ થયો નહોતો. આગમાં કિચન અને હૉલને નુકસાન થયું છે. હૉલમાંનું ઇલેક્ટ્રિક વાયરિંગ, ફૉલ્સ સીલિંગ અને અન્ય ફર્નિચર આગમાં બળી ગયાં છે.’

