Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હાઈ-ફાઈ ક્લબ્સનાં રસોડાં પણ રેઢિયાળ

હાઈ-ફાઈ ક્લબ્સનાં રસોડાં પણ રેઢિયાળ

Published : 29 July, 2026 07:15 AM | Modified : 29 July, 2026 07:17 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચર્ચગેટની વિખ્યાત ક્રિકેટ ક્લબ આ‍ૅફ ઇન્ડિયા, બાંદરાની MIG ક્રિકેટ ક્લબ, મહાલક્ષ્મીની વિલિંગ્ડન સ્પોર્ટ્‍સ ક્લબ, આર.કે. જુહુ જિમખાના, અપર્ણા જુહુ જિમખાના અને ગોરેગાંવ સ્પોર્ટ્‍સ ક્લબ પર FDAનો સપાટો

તુકારામ મુંઢે

તુકારામ મુંઢે


ચર્ચગેટની વિખ્યાત  ક્રિકેટ ક્લબ આ‍ૅફ ઇન્ડિયા, બાંદરાની MIG ક્રિકેટ ક્લબ, મહાલક્ષ્મીની વિલિંગ્ડન સ્પોર્ટ્‍સ ક્લબ, આર.કે. જુહુ જિમખાના, અપર્ણા જુહુ જિમખાના અને ગોરેગાંવ સ્પોર્ટ્‍સ ક્લબ પર FDAનો સપાટો : ફોર્ટની પ્રખ્યાત પૂર્ણિમા રેસ્ટોરાંનું લાઇસન્સ પણ સસ્પેન્ડ



ક્રિકેટ ક્લબ ઑફ ઇન્ડિયામાં ફૂગ ચડેલું ગાજર.


આર.કે. જુહુ જિમખાનામાં ખરાબ ટમેટાં. 


ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍મિનિસ્ટ્રેશન (FDA)ના અધિકારીઓ દ્વારા ૨૪થી ૨૭ જુલાઈ દરમ્યાન મુંબઈની પ્રતિષ્ઠિત ક્લબ્સ, કૅન્ટીન અને રેસ્ટોરાંમાં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. આ દરમ્યાન ગંભીર ક્ષતિઓ અને નિયમોનું ઉલ્લંઘન જણાતાં તકેદારીના ભાગરૂપે પાંચ હાઈ-પ્રોફાઇલ ક્લબોનાં ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્‍સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI) લાઇસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડ કરાયેલી સંસ્થાઓમાં ક્રિકેટ ક્લબ ઑફ ઇન્ડિયા (ચર્ચગેટ), આર. કે. જુહુ જિમખાના, અપર્ણા જુહુ જિમખાના, MIG ક્રિકેટ ક્લબ (બાંદરા-ઈસ્ટ) અને ધ વિલિંગ્ડન સ્પોર્ટ્સ ક્લબ (મહાલક્ષ્મી)નો સમાવેશ થાય છે. આ ક્લબોના રસોડામાં ભારે અસ્વચ્છતા, વાસી અને બગડેલો ખોરાક, જીવાત તેમ જ કીડા-કોક્રૉચનો ઉપદ્રવ હોવાનું સામે આવ્યું હતું.  
આ સિવાય મલાડ-વેસ્ટમાં આવેલી જાણીતી ગોરેગામ સ્પોર્ટ્સ કલબ પાસે વૈધ FSSAI પરવાનો કે નોંધણી ન હોવાનું સામે આવતાં એને તાત્કાલિક ધોરણે બિઝનેસ બંધ કરવાની નોટિસ ફટકારવામાં આવી છે. આ ક્લબ કોઈ પણ માન્યતા વિના જ ખાદ્ય કારોબાર ચલાવી રહી હતી. બાંદરાની MIG ક્લબમાં તો વગર પરવાને થર્ડ પાર્ટી કેટરિંગ એજન્સી દ્વારા ગેરકાયદેસર વ્યવહાર થતો હોવાનું પણ બહાર આવ્યું છે.

FDAની કાર્યવાહી
લાઇસન્સ સસ્પેન્ડ થયાં હોય એવી ક્લબ    ૫ 
કાર્યવાહી ચાલુ હોય એવી રેસ્ટોરાં / ક્લબ    ૭ 
નિરીક્ષણ કરાયેલાં સ્થળ    ૮૧ 
રાજ્યમાં લાઇસન્સ સસ્પેન્ડ થયાં    ૧૧ 
FIR    ૧૮ 
ધરપકડ    ૨૨
જપ્ત કરાયેલા માલની કિંમત    ૧.૦૪ કરોડથી વધુ

ફોર્ટની જાણીતી હોટેલ પૂર્ણિમા

નિયમો બધા માટે સરખા જ છે : તુકારામ મુંઢે

FDA કમિશનર તુકારામ મુંઢેએ ક્લબ પરની કાર્યવાહી વિશે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘આ કાર્યવાહીથી એ સાબિત થાય છે કે ફૂડ-સેફટીના નિયમો બધા માટે સરખા જ રહેશે. ગમે એવું પ્રતિષ્ઠિત સ્થળ હોય તો પણ નિયમોનું પાલન કરવું જ પડશે. નહીં તો કડક કાર્યવાહી માટે તૈયાર રહેવું પડશે.’

ફોર્ટની પ્રખ્યાત પૂર્ણિમા રેસ્ટોરાંનું લાઇસન્સ સસ્પેન્ડ

સાંભાર માટે વપરાતી સરગવાની સિંગ અને કેળાનાં વડાં તૈયાર કરવા માટે રાખવામાં આવેલાં કેળાં પર ફૂગ જામી હતી

ખાદ્ય સુરક્ષાના ઉલ્લંઘનો પર કડક કાર્યવાહી ચાલુ રાખતાં મહારાષ્ટ્ર ફૂડ અૅન્ડ ડ્રગ ઍડ્‍મિનિસ્ટ્રેશન (FDA)એ ૬ દાયકા જૂની ફોર્ટની પ્રખ્યાત પૂર્ણિમા રેસ્ટોરાંનું ફૂડ સેફ્ટી અૅન્ડ સ્ટાન્ડર્ડ્‍સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI) લાઇસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધું છે. ફૂડ-ઇન્સ્પેક્ટરોને નિરીક્ષણ દરમ્યાન સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે ખોરાક તૈયાર કરવાની જગ્યાએ ફૂગનું દૂષણ ખાસ કરીને ઇડલી અને ઢોસાના બૅટર જેવા આથાવાળા ખોરાકને સંભાળતા રસોડામાં ચિંતાજનક છે. FDA અધિકારીઓને રસોડામાં માખીઓ, કૉક્રૉચ, જાળી વગરની ગંદી ગટર, અસ્વચ્છ દીવાલો અને છત, કાટ લાગેલી સપાટીઓ અને ઓવરઑલ અસ્વચ્છતા જોવા મળી આવી હતી.
FDAએ રેસ્ટોરાંનું FSSAI લાઇસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યું અને ખામીઓ સુધારવામાં ન આવે અને ફૂડ-સેફ્ટીના સ્ટાન્ડર્ડ્‍સનું પાલન ચકાસવામાં ન આવે ત્યાં સુધી તમામ ખાદ્ય વ્યાવસાયિક કામગીરી બંધ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

FDAની કાર્યવાહીને લીધે રાજ્યમાં દૂધના કલેક્શનમાં રોજ ૭.૫૦ લાખ લીટર ઘટાડો

અત્યાર સુધીમાં ૩૫ લાઇસન્સ સસ્પેન્ડ થયાં અને ૭ FIR નોંધાયા

રાજ્યના ડેરી વિકાસ વિભાગના ડેટા અનુસાર ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા ભેળસેળયુક્ત દૂધ પર રાજ્યવ્યાપી કાર્યવાહી બાદ મહારાષ્ટ્રમાં ઍવરેજ ડેઇલી મિલ્ક કલેક્શનમાં એક મહિનામાં ૭,૫૦,૦૦૦ લીટરથી વધુનો ઘટાડો થયો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ડેટા દર્શાવે છે કે રાજ્યમાં જોખમી રસાયણોથી તૈયાર કરાયેલા ભેળસેળયુક્ત દૂધનો મોટો જથ્થો વેચાઈ રહ્યો છે અને એનો વપરાશ થઈ રહ્યો છે. FDAએ છેલ્લા બે મહિનામાં મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં ભેળસેળયુક્ત દૂધ પર કાર્યવાહી શરૂ કરી છે. એજન્સીએ લગભગ ૩૬૦ એસ્ટૅબ્લિશમેન્ટનું નિરીક્ષણ કરીને ૬૫.૧૭ લાખ રૂપિયાનું ૧,૬૦,૩૨૯ લીટર ભેળસેળયુક્ત દૂધ જપ્ત કર્યું છે, ૩૫ લાઇસન્સ સસ્પેન્ડ કર્યાં છે અને ૭ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધ્યા છે.

દરોડાઓ દરમ્યાન અધિકારીઓએ શોધી કાઢ્યું કે કૃત્રિમ દૂધનું ઉત્પાદન કરતી સિન્ડિકેટ દૂષિત પાણી અને યુરિયા જેવા ખાતરો સાથે ભેળસેળ કરાયેલા સ્કિમ્ડ મિલ્ક પાઉડર, વનસ્પતિ તેલ, ડિટર્જન્ટ અને શૅમ્પૂ જેવા જોખમી ઘટકોનો ઉપયોગ કરી રહી હતી. માર્ચમાં રજૂ કરાયેલા મહારાષ્ટ્રના આર્થિક સર્વેક્ષણ ૨૦૨૫-’૨૬ અનુસાર રાજ્યનું વાર્ષિક દૂધ-ઉત્પાદન છેલ્લા દાયકામાં લગભગ ૬૮ ટકા વધ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

29 July, 2026 07:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK