ખોટા હૉલમાર્ક સાથેના દાગીના પધરાવીને કરવામાં આવી રહી છે છેતરપિંડી, પાંચ દિવસમાં અંધેરી અને બોરીવલીના ઝવેરીઓ ફસાયા
દિગ્વિજય જ્વેલર્સમાં ખોટા દાગીના પધરાવી જનાર આરોપી CCTV કૅમેરામાં કેદ થયો છે.
મુંબઈમાં છેલ્લા પાંચ દિવસમાં ખોટા હૉલમાર્કિંગ સાથેના દાગીના જ્વેલર્સને પધરાવીને લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ચોંકાવનારી માહિતી પ્રકાશમાં આવી છે. શનિવારે બોરીવલીના સાંઈબાબાનગરમાં આવેલી જ્વેલરીની દુકાનમાં ૧૯ લાખ રૂપિયાની ખોટી ચેઇન આપીને છેતરપિંડી થઈ હોવાની ઘટના તાજી છે ત્યાં સોમવારે અંધેરીના લોખંડવાલામાં એક જ્વેલર પાસે દાગીના ગીરવી રાખવાના બહાને ૪ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. આ મામલે બોરીવલી અને ઓશિવરા પોલીસ-સ્ટેશનમાં બે અલગ-અલગ ફરિયાદ નોંધાઈ છે. આ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે.
લોખંડવાલાના દિગ્વિજય જ્વેલર્સના માલિક વિમલ જૈને ઘટનાક્રમ જણાવતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવારે સાંજે પાંચ વાગ્યે ટિપટૉપ કપડાં પહેરીને એક યુવક મારી દુકાને આવ્યો હતો. તેણે પોતે હાથમાં પહેરેલું કડું ગીરવી રાખીને પૈસા જોઈતા હોવાનું કહી કડું મારા હાથમાં આપ્યું હતું. પ્રાથમિક તપાસ કરતાં એ સોનાનું હોય એવું દેખાતું હતું, કારણ કે એના પર હૉલમાર્કિંગ કરવામાં આવ્યું હતું. એ કડું પાંચ ગ્રામનું હોવાનું જણાયું એટલે મેં તેને સાડાત્રણ લાખ રૂપિયા મળશે એમ કહેતાં તેણે સાડાચાર લાખ રૂપિયા માગ્યા હતા. અંતે મેં ચાર લાખ રૂપિયા મળશે એમ કહેતાં તે તૈયાર થયો હતો. એ સમયે બિલ માગતાં તેણે બિલ ઘરે હોવાનું કહીને પોતાનું નામ રાકેશ યાદવ કહી વાતોમાં મને ભોળવ્યો હતો. એ દરમ્યાન તે મારી પાસેથી સાડાત્રણ લાખ રૂપિયા લઈને જતો રહ્યો હતો. બીજા દિવસે સવારે મને શંકા જતાં મેં એ કડું લૅબોરેટરીમાં મોકલ્યું ત્યારે એ ચાંદીનું હોવાનું જણાયું હતું અને એના પર સોનાનું પાણી ચડાવવામાં આવ્યું હતું. એ પછી મારી સાથે છેતરપિંડી થઈ હોવાની ખાતરી થતાં મેં ઓશિવરા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.’
ADVERTISEMENT
ઓશિવરાના એક સિનિયર પોલીસ-અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ મામલે અમે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. આરોપીએ આ રીતે બીજા જ્વેલર્સ સાથે છેતરપિંડી કરી હશે એવી શક્યતા જોતાં અમે અલગ-અલગ ઍન્ગલ પર કામ કરી રહ્યા છીએ.’
શું હતી બોરીવલીની ઘટના ?
બોરીવલી-વેસ્ટના એસ. વી. રોડ પર આવેલી ન્યુ ચામુંડા જ્વેલર્સમાં શનિવારે બપોરે અઢી વાગ્યે એક યુવકે ખોટા હૉલમાર્કિંગવાળી ૫૧.૦૫૦ ગ્રામની સોનાની બનાવટી ચેઇન આપીને ૧૯,૪૩,૫૫૦ રૂપિયાની છેતરપિંડી કરી હતી. આરોપી ખોટા દાગીના આપીને ૪૪ ગ્રામના દાગીના લઈ ગયો હતો.

