મડાગાંઠ ઉકેલવા આવતી કાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળશે સ્થાનિક રહેવાસીઓ
એલ્ફિન્સ્ટન બ્રિજ
એલ્ફિન્સ્ટન બ્રિજ તોડીને નવો બનાવવા મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ શરૂ કરેલા કામનો શુક્રવારે સેંકડોની સંખ્યામાં ભેગા થયેલા સ્થાનિક રહેવાસીઓએ વિરોધ કર્યો હતો. રહેવાસીઓના ભારે વિરોધને પગલે સ્થાનિક વિધાનસભ્ય કાલિદાસ કોળંબકર ઘટનાસ્થાને આવ્યા હતા અને તેમણે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ફોન કર્યો હતો. દેવેન્દ્ર ફડણવીસે અધિકારીઓને આગામી સૂચના સુધી ડિમોલિશન ન કરીને બ્રિજ ઓપન રાખવાનો આદેશ આપ્યો હતો. એ પછી મોડી રાતે બ્રિજ તોડવાનું કામ હાલ પૂરતું માંડી વાળવામાં આવ્યું હતું. હવે આ સંદર્ભે સોમવારે સ્થાનિક રહેવાસીઓ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે બેઠક કરીને આ મડાગાંઠનો ઉકેલ લાવવાના છે, ત્યાર બાદ બ્રિજ વિશે નિર્ણય લેવામાં આવશે. જ્યાં સુધી આ બાબતે કોઈ નિર્ણય નહીં લેવામાં આવે ત્યાં સુધી બ્રિજ ખુલ્લો જ રહેશે. આમ હાલ તો જનતાએ દાખવેલી એકતાને કારણે પ્રશાસને પીછેહઠ કરવી પડી છે.
અમને પુનર્વસન માટે તેઓ ગ્રાન્ટ રોડમાં દિલ્હી દરબાર હોટેલ પાસે જગ્યા આપી રહ્યા હતા, જે સેફ નથી. અથવા અમને કુર્લામાં તેઓ જગ્યા આપી રહ્યા હતા, જે અહીંથી ઘણું દૂર પડે. અમે વર્ષોથી અહીં સ્થાયી થયા છીએ, અમારાં બાળકો અહીં ભણે છે. અમારા વ્યવસાય અને ધંધા પણ અહીં જ છે એથી અમારું પુનર્વસન આ જ એરિયામાં કરવામાં આવે.
- સ્થાનિક રહેવાસીઓ
ADVERTISEMENT
વિરોધ શા માટે?
જે મકાનોના રહેવાસી આ પ્રોજેક્ટને કારણે અસરગ્રસ્ત થવાના છે, જેમનાં ઘર-મકાન તૂટવાનાં છે તેમણે કહ્યું હતું કે અમને વિશ્વાસમાં લીધા વગર અને અમારા પુનર્વસન બાબતે કોઈ નક્કર ચોખવટ કર્યા વગર જ બ્રિજ તોડવાનું કામ ચાલુ કરવામાં આવ્યું છે. MMRDA દ્વારા અસરગ્રસ્ત મકાનોના રહેવાસીઓને આર્થિક વળતર ૨૦થી ૪૦ લાખ રૂપિયા ઑફર કરવામાં આવ્યું છે. જોકે રહેવાસીઓએ એનો અસ્વીકાર કર્યો છે. તેમનું કહેવું છે કે આ એરિયાનો ભાવ જોતાં આ વળતર બહુ ઓછું છે, અહીં કરોડો રૂપિયામાં જગ્યા જાય છે. અમારી માગ છે કે અમને અહીં જ અમારી જ જગ્યાએ જગ્યા આપવામાં આવે. એલ્ફિન્સ્ટન બ્રિજની આસપાસ આવેલાં ૧૯ મકાનોના ક્લસ્ટર ડેવલપમેન્ટનો પ્લાન પણ હતો, પણ એ પણ આગળ ન વધતાં મડાગાંઠ સર્જાઈ હતી.
દાદરના નવા તિલક બ્રિજના કામથી ટ્રૅફિક-જૅમ

દાદરમાં ખોદાદાદ સર્કલથી પ્લાઝા સિનેમા તરફ જવાનો જૂનો તિલક બ્રિજ તોડીને એની જગ્યાએ નવો કેબલ બ્રિજ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે એને લીધે અહીં ધસારાના સમયે ટ્રૅફિક-જૅમ થઈ રહ્યો છે. આને કારણે કારણે વાહનચાલકો હેરાનપરેશાન થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. તસવીર- આશિષ રાજે


