હવામાન પારખીને એકનાથ શિંદેએ આઝાદ મેદાનમાં યોજાનારો મેળાવડો ગોરેગામના નેસ્કો સેન્ટરમાં ખસેડી લીધો, જ્યારે ઉદ્ધવ ઠાકરે શિવાજી પાર્કમાં જ યોજશે દશેરા રૅલી
ગઈ કાલે ગોરેગામના નેસ્કો સેન્ટરના હૉલ-નંબર ૬માં ચાલતી એકનાથ શિંદેની સભાની તૈયારી.( તસવીર : નિમેશ દવે) અને ગઈ કાલે શિવાજી પાર્કમાં ચાલતી ઉદ્ધવ ઠાકરેની રૅલીની તૈયારી. (તસવીર : આશિષ રાજે)
દર વર્ષે દશેરાના દિવસે યોજાતો શિવસેનાનો વાર્ષિક મેળાવડો શિવસેનામાં પડેલા ફાંટા બાદ બન્ને જૂથ પોતપોતાની તાકાત કેવી રીતે બતાવે છે એની ચર્ચાનું કેન્દ્ર વધુ બન્યો છે. શિવસેના (UBT) એના ગઢ ગણાતા દાદરના શિવાજી પાર્કમાં જ આ વર્ષે દશેરામેળો યોજશે તો એકનાથ શિંદેની અધ્યક્ષતાવાળી શિવસેના ગોરેગામના નેસ્કો સેન્ટરમાં દશેરા મેળાવડાનું આયોજન કરશે. નેસ્કો સેન્ટર ઍર-કન્ડિશન્ડ (AC) ડોમ ધરાવે છે. શિવસેના (UBT) જ્યાં મેળાવડો યોજશે એ શિવાજી પાર્કના ખુલ્લા મેદાનમાં વરસાદનું પાણી આગલા દિવસ સુધી જમા હતું અને મોટા ભાગનું મેદાન કાદવ-કીચડથી ભરેલું હતું. નેસ્કો ડોમમાં આજે વરસાદ પડે તો પણ કાર્યક્રમમાં કોઈ ફેરફાર થશે નહીં, પણ શિવાજી પાર્કનો કાર્યક્રમ વરસાદને કારણે મુશ્કેલીમાં મુકાઈ શકે છે. જોકે શિવસેના (UBT)ના કાર્યકરો આ પડકારને ઝીલીને ગઈ કાલે મોડી રાત સુધી મેદાનને કાર્યક્રમ માટે લાયક બનાવવાના કામે જોતરાઈ ગયા હતા.
નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની અધ્યક્ષતાવાળી શિવસેનાએ અગાઉ આઝાદ મેદાનમાં આ કાર્યક્રમનું આયોજન કરવાનું નક્કી કર્યું હતું, પરંતુ હવામાન ખાતાની આગાહીને ધ્યાનમાં રાખીને તેમણે નેસ્કોમાં રૅલીનું આયોજન કરવાનો નિર્ણય લીધો હતો. નેસ્કોમાં ૫૦૦થી ૬૦૦ વાહનોનું પાર્કિંગ ઉપલબ્ધ છે, જ્યારે બસોનું પાર્કિંગ નજીકના લોધા પાર્કિંગમાં થઈ શકે છે. પોલીસને ૩૦,૦૦૦ લોકો આવે એવી ગણતરી છે, જ્યારે પાર્ટીના કાર્યકર્તાઓ ૧,૦૦,૦૦૦ની સંખ્યાની આશા કરી રહ્યા છે. અહીં ૨૦૦ જેટલા પોલીસો ફરજ પર મુકાયા છે.
ADVERTISEMENT
શિવસેના(UBT)ના કાર્યક્રમમાં શિવાજી પાર્કમાં ૨,૦૦,૦૦૦ સમર્થકો ઉપસ્થિત રહે એવી કાર્યકરોની ગણતરી છે. ભારે વરસાદ છતાં તેઓ રૅલીનું આયોજન કરશે જ એવી કાર્યકરોએ ખાતરી આાપી હતી. ૩૦૦ પોલીસ અને ૧૦૦ ટ્રાફિક-પોલીસ શિવાજી પાર્ક વિસ્તારમાં ખડેપગે હાજર રહેશે.


