વિધિમંડળના નેતાની નિમણૂકથી લઈને રાજ્યપાલ પાસે સરકાર બનાવવાનો દાવો કરવા સુધીનો ઘટનાક્રમ
મહાયુતિના ત્રણેય નેતાઓએ રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણનને પત્ર આપીને સરકાર બનાવવાનો દાવો કર્યો હતો.
અઢી વર્ષ પહેલાં દેવેન્દ્ર ફડણવીસજીએ મુખ્ય પ્રધાનપદ માટે મારા નામની ભલામણ કરી હતી. આજે હું તેમના નામની મુખ્ય પ્રધાનપદ માટે ભલામણ કરી રહ્યો છું એનો મને આનંદ છે - એકનાથ શિંદે
ભારતીય જનતા પાર્ટી (BJP)ના મહારાષ્ટ્ર યુનિટ માટે ગઈ કાલનો દિવસ બહુ જ મહત્ત્વનો હતો, કારણ કે પાર્ટીના ૧૩૨ વિધાનસભ્યો તેમના નેતાની નિમણૂક કરવાના હતા અને એ નેતા રાજ્યના નવા મુખ્ય પ્રધાન બનવાના હતા. આમ તો દેવેન્દ્ર ફડણવીસનું નામ ફાઇનલ જ હતું, પણ BJPની કાર્યપ્રણાલી મુજબ BJPના કેન્દ્રીય નેતૃત્વએ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને પંજાબના પ્રભારી વિજય રૂપાણી અને દેશનાં ફાઇનૅન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણને નિરીક્ષક તરીકે મુંબઈ મોકલ્યાં હતાં અને તેમણે વિધિમંડળના નેતાને સિલેક્ટ કરવાની આખી પ્રક્રિયા પાર પાડી હતી.
ADVERTISEMENT
ગઈ કાલે વિધાનભવનના સેન્ટ્રલ હૉલમાં બીજા વિધાનસભ્યો સાથે બેસેલા દેવેન્દ્ર ફડણવીસ.
ગઈ કાલ સવારથી લઈને રાજ્યપાલ પાસે સરકાર બનાવવાનો દાવો કરવા સુધીનો ઘટનાક્રમ પ્રસ્તુત છે...
ગઈ કાલે સવારે પોણાદસ વાગ્યાની આસપાસ BJPના ૧૩૨ વિધાનસભ્યોએ વિધાનભવનમાં આવવાની શરૂઆત કરી હતી.
દસ વાગ્યાની આસપાસ દેવેન્દ્ર ફડણવીસ વિધાનભવન આવી ગયા હતા. ત્યાર બાદ સાડાદસ વાગ્યે કેન્દ્રીય નિરીક્ષક વિજય રૂપાણી અને નિર્મલા સીતારમણે વિધાનભવનમાં એન્ટ્રી મારી હતી. પહેલેથી ઉપસ્થિત રાજ્ય BJPની કોર કમિટીના સભ્યો સાથેની મીટિંગ બન્ને નિરીક્ષકોની હાજરીમાં શરૂ થઈ હતી.
આ મીટિંગમાં જે પણ વ્યક્તિ વિધિમંડળના નેતા બનવા માગતી હોય તેનું નામ પ્રપોઝ કર્યા બાદ બહુમતીથી નિર્ણય લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું
દેવેન્દ્ર ફડણવીસની વિધિમંડળના નેતાપદે નિમણૂક થયા બાદ તેઓ બીજા વિધાનસભ્યો સાથે વિધાનભવનમાં આવેલા શિવાજી મહારાજના પૂતળાને નમન કરવા ગયા હતા. તસવીર : અતુલ કાંબળે.
ત્યાર બાદ વિધાનભવનના સેન્ટ્રલ હૉલમાં હાજર વિધાનસભ્યોની વચ્ચે બન્ને નિરીક્ષકો અને BJPના નેતાઓ પહોંચ્યા હતા. એ વખતે દેવેન્દ્ર ફડણવીસ સ્ટેજ પર બેસવાને બદલે બીજા બધા વિધાનસભ્યોની સાથે બેઠા હતા.
મહારાષ્ટ્ર BJPના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેની વિનંતી પર વિધિમંડળના નેતાની નિમણૂક કરવાની પ્રક્રિયાની શરૂઆત કરવા વિજય રૂપાણીએ ગ્રીન સિગ્નલ આપ્યું હતું. તેમણે પાર્ટીના સિનિયર સભ્યોને વિધિમંડળના નેતા બનવા માગતા લીડરનું નામ પ્રપોઝ કરવા કહ્યું હતું.
પાર્ટીના સિનિયિર નેતા ચંદ્રકાન્ત પાટીલે સ્ટેજ પર આવીને દેવેન્દ્ર સરિતા ગંગાધરરાવ ફડણવીસનું નામ પ્રપોઝ કર્યું હતું, જેનું સમર્થન પાર્ટીના જ બીજા સિનિયર નેતા સુધીર મુનગંટીવારે કર્યું હતું.
આ પ્રસ્તાવને સૌથી પહેલાં પંકજા મુંડે, ત્યાર બાદ પ્રવીણ દરેકર, રવીન્દ્ર ચવાણ, આશિષ શેલાર, યોગેશ સાગર સહિતના નેતાઓએ અનુમોદન કર્યું હતું.
ત્યાર બાદ નિરીક્ષક વિજય રૂપાણીએ ઉપસ્થિત વિધાનસભ્યોને પૂછ્યું હતું કે તમે બીજા કોઈનું નામ પ્રપોઝ કરવા માગો છો? બધાએ એકમતે નામાં જવાબ આપ્યા બાદ તેમણે દેવેન્દ્ર ફડણવીસને સર્વાનુમતે પાર્ટીના વિધિમંડળના નેતા જાહેર કર્યા હતા.
ત્યાર બાદ ત્યાં ઉપસ્થિત નિર્મલા સીતારમણે પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું જેમાં મહારાષ્ટ્રને નવી ઊંચાઈએ લઈ જવા માટે તેમની પાર્ટીએ અત્યાર સુધી શું કર્યું છે એની અને આવનારા દિવસોમાં શું કરવામાં આવશે એની વાત કરી હતી. ત્યાર બાદ દેવેન્દ્ર ફડણવીસે પણ વિધાનસભ્યોને સંબોધ્યા હતા.
વિધિમંડળના નેતાપદે ચૂંટાયા બાદ ફાઇનૅન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણે દેવેન્દ્ર ફડણવીસનું અભિવાદન કર્યું હતું.
ત્યાર બાદ દેવેન્દ્ર ફડણવીસ વર્ષા બંગલા પર જઈને કાર્યવાહક મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના અધ્યક્ષ અજિત પવારને મળ્યા હતા. રાજ્યપાલને મળવા પહેલાં ત્યાં ત્રણેય નેતાઓ વચ્ચે મીટિંગ થઈ હતી.
ત્યાંથી આ ત્રણેય નેતાઓ એકનાથ શિંદેની કારમાં બેસીને રાજ્યપાલ પાસે સત્તા સ્થાપવાનો દાવો કરવા ગયા હતા.
રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણનને મળીને રાજ્યમાં સત્તા સ્થાપવા માટે ત્રણેય નેતાઓએ દાવો કર્યો હતો. BJP ઉપરાંત શિવસેના અને રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ તરફથી પણ દેવેન્દ્ર ફડણવીસને રાજ્યના નવા મુખ્ય પ્રધાન બનાવવા માટે સમર્થનનો પત્ર આપવામાં આવ્યો હતો. આ પત્રને જોયા બાદ રાજ્યપાલે આજે સાંજે સાડાપાંચ વાગ્યે શપથવિધિનો સમય આપ્યો હતો.