FIRને પગલે હવે EDએ રમેશ અભિષેક વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.
રમેશ અભિષેક
મની લૉન્ડરિંગ કરવાના તથા આવક કરતાં વધુ સંપત્તિ ધરાવવાના કેસના આરોપી અને નિવૃત્ત IAS અધિકારી રમેશ અભિષેકને ત્યાં મંગળવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ દરોડા પાડ્યા હતા. CBIએ મની લૉન્ડરિંગ સંબંધે ફેબ્રુઆરીમાં દરોડા પાડ્યા બાદ એ જ એજન્સી દ્વારા નોંધાવાયેલા FIRને પગલે હવે EDએ રમેશ અભિષેક વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.
રમેશ અભિષેક ૧૯૮૨ના બૅચના IAS અધિકારી છે અને તેઓ ડિપાર્ટમેન્ટ ફૉર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી ઍન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT)ના સેક્રેટરીપદેથી ૨૦૧૯માં નિવૃત્ત થયા હતા. તેઓ અગાઉ ફૉર્વર્ડ માર્કેટ્સ કમિશન (FMC)ના ચૅરમૅન પણ હતા.
ADVERTISEMENT
CBIએ નોંધાવેલા FIRમાં આરોપ છે કે અભિષેકે અગાઉ સરકારી અમલદાર તરીકે જે ખાનગી કંપનીઓને ગેરરીતિપૂર્વક ફાયદો કરાવવા માટે કામ કર્યું હતું એમની પાસેથી નિવૃત્તિ બાદ કન્સલ્ટેશન ફી તરીકે મોટી રકમ લીધી હતી. નોંધનીય છે કે CBI અને EDએ તેમની દીકરી વનિશા સામે પણ ગુનો નોંધ્યો છે.
આ પહેલાં લોકપાલે પણ રમેશ અભિષેકના ભ્રષ્ટાચારની નોંધ લીધી હતી અને એને જ પગલે CBIએ તેમની વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. લોકપાલે ટિપ્પણીમાં કહ્યું હતું કે અભિષેક અને વનિશાએ અનેક કંપનીઓ તથા સંસ્થાઓ પાસેથી કોઈ પણ કામ કર્યા વગર પ્રોફેશનલ ફી તરીકે તગડી રકમ લીધી હતી. ગયા વર્ષે મે મહિનામાં દિલ્હી હાઈ કોર્ટે અભિષેક વિરુદ્ધની લોકપાલની કાર્યવાહીમાં હસ્તક્ષેપ કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. એ તપાસ CBI બાદ ED ઈડી પાસે પહોંચી ગઈ છે.

