Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગણપતિબાપ્પાને પણ નડી ગઈ મંદી

ગણપતિબાપ્પાને પણ નડી ગઈ મંદી

23 June, 2021 08:43 AM IST | Mumbai
Urvi Shah Mestry

આ વર્ષે કોરોનાની સાથે લોકોની આર્થિક પરિસ્થિતિ પણ સારી ન હોવાને લીધે ઘણાં સાર્વજનિક મંડળો સાવ સાદાઈપૂર્વક ગણેશોત્સવની ઉજવણી કરવાનાં છે

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


ગયા વર્ષે ગણપતિબાપ્પાને સાદાઈથી આવકાર્યા બાદ આ વર્ષે પણ મોટી સંખ્યામાં ગણપતિ મંડળો ગણેશોત્સવ સાદાઈથી જ મનાવે એવું લાગી રહ્યું છે. કોરોનાની મહામારીની સાથે ફન્ડની પણ તકલીફ હોવાનું મંડળોનું કહેવું છે. રાજ્ય સરકારે હજી કોરોનાની ગાઇડલાઇન્સ જાહેર નથી એ તો કારણ છે જ, પણ એના કરતાંય વધારે ચિંતા મંડળોને ધૂમધામથી બાપ્પાનું સ્વાગત કરવા પૈસા ક્યાંથી લાવીશું એની થઈ રહી છે. કેટલાંય ગણપતિ મંડળો ફન્ડની કમીને કારણે સાવ સાદાઈપૂર્વક ગણેશોત્સવની ઉજવણી કરવાનું વિચારી રહ્યાં છે.

કાંદિવલીના મજીઠિયાનગરમાં અંદાજે ૪૭ વર્ષથી ૧૧ દિવસના ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરાય છે. કોરોનાને કારણે આ વર્ષે પણ સાવ સાદાઈપૂર્વક અમે ગણેશોત્સવની ઉજવણી કરીશુ એમ જણાવીને મજીઠિયાનગર યુવા મિત્ર મંડળના કમિટી મેમ્બર શેખર મોદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગણપતિ ઉત્સવની ઉજવણીના ભાગરૂપે અમે વિવિધ કાર્યક્રમો કરતા અને વિવિધ ઍડ્ર્ટાઇઝમેન્ટનાં બૅનરો પણ લગાવતાં જેમાંથી સારુંએવું ફન્ડ જમા થઈ જતું હતું. જોકે કોરોનાને કારણે મંદી છે એટલે આ સમયમાં કોણ જાહેરાતો આપશે? આથી જાહેરાતોનાં બૅનર્સ લગાવી શકાશે નહીં એટલે સોસાયટી દ્વારા તેમ જ કમિટી મેમ્બર્સ દ્વારા પૈસા નાખીને જે ફન્ડ જમા થશે એમાંથી અમે સાવ સાદાઈપૂર્વક ગણપતિ ઉત્સવની ઉજવણી કરીશું. કોરોનાકાળમાં હવે તો ગણપતિબાપ્પાને પણ મંદી નડી ગઈ છે એમ કહેવું ખોટું નથી.’



 કાંદિવલીના પટેલનગર ઉત્સવના મેઇન કમિટી મેમ્બર હિતેશ સોનીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોરોનાને કારણે લોકોની આર્થિક ભીંસ વધી ગઈ છે એટલે આ વર્ષે ગણપતિ ઉત્સવ અમે સાવ સાદાઈપૂર્વક ઊજવીશું. સોસાયટીમાં લોકો જે પૈસા આપશે એ લઈને બાકીના રૂપિયા અમે મેમ્બર્સ નાખીને ફન્ડ પૂરું પાડીશું. અમે છેલ્લાં ૩૪ વર્ષથી ગણેશોત્સવની ઉજવણી ધામધૂમથી કરીએ છીએ. એમાં અમે વિવિધ કાર્યક્રમો રાખતા અને ઑર્કેસ્ટ્રાવાળાઓને પણ બોલાવતા. ઓછામાં ઓછા અગિયાર દિવસમાં અઢીથી ત્રણ લાખનો ખર્ચ થતો હતો. કોરોનાને કારણે આર્થિક કટોકટી વધી ગઈ છે ત્યારે જે લોકો પાંચસો કે હજાર રૂપિયા આપતા એ લોકો હવે ૧૦૧ રૂપિયા આપે તો પણ ચાલશે એવું છે. આ વર્ષે આઠથી દસ હજાર રૂપિયામાં ગપણતિ ઉત્સવ થઈ જશે એવું અમે વિચાર્યું છે.’


કોરોના અને ફન્ડના ઇશ્યુને કારણે અમે પણ આ વર્ષે ગણેશોત્સવની ઉજવણી સાવ સાદાઈથી કરીશું અને વિસર્જન પણ એ જ જગ્યાએ કરી દઈશું એમ જણાવીને અંધેરીના શ્રી ગણાધિરાજ સાર્વજનિક ઉત્સવ મંડળના અધ્યક્ષ અશોક પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે ૧૪ વરસથી ગણપતિ ઉત્સવની ઉજવણી કરીએ છીએ. કોરોનાને કારણે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ ધામધૂમથી ઉજવણી નહીં થઈ શકે અને કરવી પણ યોગ્ય નથી. પહેલાં તો અમે કેટલીક જાહેરાતનાં બૅનર્સ લગાવતા તો થોડું-ઘણું ફન્ડ મળી જતું હતું. હવે કોરોનાને કારણે એ શક્ય નહીં બને અને ફન્ડનો પણ ઇશ્યુ થશે જ. અમે રહેવાસીઓ પાસે ફન્ડ ઉઘરાવીશું નહીં. જે લોકો સામેથી આપશે તેમની પાસેથી લઈશું. બાકી અમે સભ્યો પૈસા કાઢીને મૅનેજ કરીશું.’


Whatsapp-channel Whatsapp-channel

23 June, 2021 08:43 AM IST | Mumbai | Urvi Shah Mestry

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK