બ્રિજ ચાલુ થયાને અઠવાડિયું પણ પૂરું નથી થયું ત્યાં બ્રિજનો રસ્તો વરસાદમાં ધોવાઈ ગયો હતો, જેને કારણે લોકોએ થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ની ભારોભાર ટીકા કરી હતી.
પલાવા બ્રિજ
ડોમ્બિવલીમાં તાજેતરમાં જ ખુલ્લા મૂકવામાં આવેલા પલાવા બ્રિજ પર ઠેર-ઠેર ખાડા પડી ગયા છે. ૪ જુલાઈએ આ બ્રિજ વાહનો માટે ખુલ્લો મૂક્યો એ જ દિવસે બે બાઇક લપસી જતાં બ્રિજ થોડા કલાક માટે બંધ કરાયો હતો. હજી બ્રિજ ચાલુ થયાને અઠવાડિયું પણ પૂરું નથી થયું ત્યાં બ્રિજનો રસ્તો વરસાદમાં ધોવાઈ ગયો હતો, જેને કારણે લોકોએ થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ની ભારોભાર ટીકા કરી હતી. અમુક સોશ્યલ મીડિયા યુઝરે તો TMCના કામની ઠેકડી પણ ઉડાડી હતી.
ડોમ્બિવલી અને ક્લ્યાણને જોડતા કલ્યાણ-શીળ ફાટા રોડ પર વીસ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા પલાવા બ્રિજ પર ખાડા પડ્યા હોય એવો વિડિયો વાઇરલ થતાં અનેક લોકોએ સોશ્યલ મીડિયાના માધ્યમથી રોષ વ્યક્ત કર્યો હતો. એક યુઝરે લખ્યું હતું કે પથેટિક ફેલ્યર, તો એક યુઝરે કટાક્ષમાં લખ્યું હતું કે આ ટેક્નૉલૉજી ભારતની બહાર ન જવી જોઈએ. રસ્તા પર તિરાડો અને ખાડા જોતાં એક યુઝરે લખ્યું હતું કે TMCએ કાગળના રોડની શોધ કરી છે. TMCએ આ બધી પોસ્ટના જવાબમાં લખ્યું હતું કે તમારી ચિંતા વાજબી છે, આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

