કામ સોંપનારા સિનિયર ઇન્સ્પેક્ટરની ટ્રાન્સફર કરાવી નાખી અને એની ઉજવણીમાં ફટાકડા પણ ફોડ્યા
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)
મહિલા-કૉન્સ્ટેબલ અને સિનિયર ઇન્સ્પેક્ટર વચ્ચેનો વિવાદ પોલીસખાતામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. અંધેરી પોલીસ-સ્ટેશનના સ્પેશ્યલ બ્રાન્ચ-૧થી જોડાયેલા સિનિયર ઇન્સ્પેક્ટર ઉમેશ મછિન્દર અને એક મહિલા પોલીસ-કૉન્સ્ટેબલ વચ્ચે આ વિવાદ જામ્યો છે જેમાં ઉમેશ મછિન્દરની ટ્રાન્સફર થતાં મહિલા-કૉન્સ્ટેબલે મંગળવારે ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. મહિલા પોલીસ-કૉન્સ્ટેબલ પોલીસ-સ્ટેશનના પરિસરમાં ફટાકડા ફોડતી હોય એવાં ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ પણ સામે આવ્યાં છે. ઉમેશ મછિન્દરનો દાવો છે કે મહિલા-કૉન્સ્ટેબલને ડ્યુટી સોંપવામાં આવી એ કારણે તેમના વિરુદ્ધ ખોટા આરોપ મૂકવામાં આવ્યા હતા. અન્ય પોલીસ અધિકારીઓએ પણ મહિલા પોલીસ-કૉન્સ્ટેબલ વિરુદ્ધ આરોપ કર્યો હતો કે તેણે પોલીસ-સ્ટેશનના બાકીના ૬ અધિકારીઓની પણ બદલી કરાવી નાખવાની ધમકી આપી હતી. પોલીસ-સ્ટેશનમાં કોઈ પણ તે મહિલા-કૉન્સ્ટેબલ સાથે કોઈ વિવાદમાં ઊતરવાની હિંમત ન કરતું હોવાનું અંધેરી પોલીસ-સ્ટેશનના અધિકારીઓનું કહેવું છે.
ખાતાકીય તપાસ વિના જ નિર્ણય લેવાયો, મારી બાજુ પણ ન સાંભળી
ADVERTISEMENT
ઉમેશ મછિન્દરે પોતાનો પક્ષ રજૂ કરતાં કહ્યું હતું કે ‘મને એક મહિલા-કૉન્સ્ટેબલ દ્વારા નિશાન બનાવવામાં આવ્યો છે. તેણે મને ધમકી આપી હતી કે હું તેને ડ્યુટી સોંપીશ તો તેણે મારી કાર્યવાહીનો સામનો કરવો પડશે. તેની ફરિયાદના આધારે મારી ટ્રાન્સફર કરવામાં આવી છે અને મારી બાજુ સાંભળવા માટે કોઈ ખાતાકીય તપાસ પણ કરવામાં આવી નથી.’ ઉલ્લેખનીય છે કે ઉમેશ મછિન્દર છેલ્લા ૧૮ મહિનાથી અંધેરી પોલીસ-સ્ટેશનમાં સિનિયર ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. તેમનો ફક્ત એક વર્ષનો કાર્યકાળ બાકી છે અને તે અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ (ACP) તરીકે બઢતીની પણ રાહ જોઈ રહ્યા છે.
કામ નથી કરવું, આત્મહત્યાની ધમકી આપે છે
અંધેરી પોલીસ-સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યા મુજબ તે મહિલા-કૉન્સ્ટેબલને જ્યારે પણ કોઈ ડ્યુટી સોંપવામાં આવે તો તે કામ કરવાનું ટાળે છે અને જ્યારે પણ આ વિશે તેને ટોકવામાં આવે તો તે આત્મહત્યા કરવાની ધમકીઓ આપે છે. પોતાનો પતિ ઇન્ડિયન પોલીસ સર્વિસ (IPS) ઑફિસર હોવાનો ડર દાખવીને તે કામ કરવાનું ટાળતી હોય છે.
