બિલ્ડિંગમાં અનેક લોકો પૂછપરછ કરવા પણ આવ્યા હતા કે કેમ નામ આવ્યાં નથી.
અશોક ગોરી
વસઈ-વિરાર, બોરીવલીની જેમ ડોમ્બિવલી અને કલ્યાણમાં પણ અનેક લોકોનાં નામ મતદારયાદીમાંથી ગાયબ થઈ ગયાં હોવાથી તેમણે ગઈ કાલે મતદાનકેન્દ્રથી હતાશા સાથે પાછું આવવું પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે ડોમ્બિવલીના આખા એક બિલ્ડિંગમાંથી ફક્ત પાંચ જણનાં જ નામ મતદારયાદીમાં આવ્યાં હતાં, જ્યારે અન્ય ૪૦ જણનાં નામ ગાયબ હોવાથી નિરાશા વ્યક્ત કરવામાં આવી હતી. ડોમ્બિવલી-વેસ્ટમાં ગુપ્તે રોડ પર આવેલા સૂરજમણિ કો-ઑપરેટિવ નામના બિલ્ડિંગમાં રહેતા શારીરિક રીતે અક્ષમ અશોક ગોરીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બિલ્ડિંગમાં રહેતા અમુક લોકો બહારગામ ફરવા જવાના હતા, પરંતુ ઇલેક્શનની તારીખ જાહેર થઈ એટલે કોઈ કાર્યક્રમ બનાવ્યો નહોતો. જોકે ગઈ કાલે મતદાનકેન્દ્ર પર ગયા તો કોઈનાં નામ જ યાદીમાં નહોતાં. ખૂબ મગજમારી કરી પણ કંઈ વળ્યું નહીં. હું ૨૧ વર્ષનો હતો ત્યારથી મારું નામ યાદીમાં આવે છે, વોટિંગ પણ કરું છું. એમ પણ નથી કે કોઈનું ઍડ્રેસ બદલાયું હોય કે કંઈ થયું હોય. અમારા બિલ્ડિંગમાં રહેતા ફક્ત બે પરિવારના પાંચ જણે મતદાન કર્યું હતું. બાકીનાં ૪૦થી વધુ નામ ગાયબ થઈ ગયાં છે એટલે અમે તો મતદાન કર્યા વગર જ રહી ગયા હતા. એના માટે જવાબદાર કોણ? હું તો શારીરિક રીતે અક્ષમ હોવા છતાં કેન્દ્રમાં નામ શોધવા હેરાન થતો હતો, પરંતુ કોઈ મદદ મળી નહીં. જે લોકોનાં નામ આવ્યાં નથી તે બધાએ હવે એક ગ્રુપ તૈયાર કર્યું છે અને કૅમ્પેન કરવાના છે એવું અમને અહીંના લોકોએ જણાવ્યું છે. અમારા બિલ્ડિંગમાં અનેક લોકો પૂછપરછ કરવા પણ આવ્યા હતા કે કેમ નામ આવ્યાં નથી.’



