સોનાની ૪ ખાણ મળી, જોનાગિરિ ગોલ્ડ રિઝર્વમાં ઉત્પાદન શરૂ
પ્રતીકાત્મક તસવીર
આંધ્ર પ્રદેશ આગામી વર્ષોમાં દેશના સૌથી મોટા સોનાના સપ્લાયર તરીકે ઊભરી આવવા માટે તૈયાર છે એમ રાજ્યના એક વરિષ્ઠ અધિકારીએ ગુરુવારે કુર્નૂલ જિલ્લાના જોનાગિરિ ગામમાં મળી આવેલા નોંધપાત્ર ગોલ્ડ રિઝર્વનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું.
આ સંદર્ભમાં એક પત્રકાર-પરિષદને સંબોધતાં પ્રિન્સિપલ સેક્રેટરી (માઇન્સ) મુકેશકુમાર મીણાએ કહ્યું હતું કે ‘રાજ્યમાં સોનાના માઇનિંગ માટે ૪ આશાસ્પદ ક્ષેત્રો ઓળખી કાઢવામાં આવ્યાં છે. એમાં જોનાગિરિ, રામગિરિ, જાવકુલા અને ચિગુરુકુંતા બિસ્નાતમનો સમાવેશ થાય છે. અમારો અંદાજ છે કે જોનાગિરિ ખાતે આશરે પચાસ ટન સોનું ઉપલબ્ધ છે. તેથી અમને વિશ્વાસ છે કે થોડાં વર્ષો પછી આંધ્ર પ્રદેશ દેશ માટે સોનાનો સૌથી મોટો સપ્લાયર બની શકશે.’
ADVERTISEMENT
જોનાગિરિમાં સોનાનું વેપારી ધોરણે ઉત્પાદન શરૂ થઈ ગયું છે, જ્યાં લગભગ એક દાયકા પહેલાં ખાણકામ માટે લગભગ ૧૫૦૦ એકર જમીન ફાળવવામાં આવી હતી. એમાંથી માત્ર ૫૦૦ એકર જમીન પર જ શોધખોળ હાથ ધરવામાં આવી છે, જ્યાં ૧૩ ટન સુધીના સોનાના ભંડારનો અંદાજ છે. બાકીના ૧૦૦૦ એકરમાં સોનાની શોધ હજી શરૂ થવાની બાકી છે. એક વાર એ પૂરી થયા પછી જોનાગિરિમાં કુલ અંદાજિત ભંડાર પચાસ ટન સુધી પહોંચી શકે છે.
ગોલ્ડ રિકવરી રેટમાં ઘટાડો
છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગોલ્ડ રિકવરી રેટમાં તીવ્ર ઘટાડો થયો છે. ખાણમાંથી કાઢવામાં આવેલી દરેક એક ટન માટીમાંથી માત્ર એક ગ્રામ સોનું કાઢવામાં આવ્યું છે. અગાઉ એક ટન માટીમાંથી લગભગ ૩ ગ્રામ સોનું મેળવવામાં આવતું હતું. પ્રતિ ટન ૦.૮ ગ્રામથી નીચેની રિકવરી સામાન્ય રીતે બિનલાભકારી માનવામાં આવે છે. મુખ્ય પ્રધાન એન. ચંદ્રાબાબુ નાયડુ આ મહિનાના અંતમાં જોનાગિરિ સોનાની ખાણકામ પ્રોજેક્ટનો સત્તાવાર રીતે પ્રારંભ કરશે.
