Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ફોન પર જોર-જોરથી કેમ વાત કરે છે?

ફોન પર જોર-જોરથી કેમ વાત કરે છે?

Published : 21 June, 2026 07:30 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બોરીવલીમાં સિરિયલોના ઍક્ટરને આવું પૂછીને હુમલો કર્યો અને કીમતી ડેટાવાળું લૅપટૉપ અને રોકડ ભરેલી બૅગ લૂંટી લીધાં

ગંભીર ઈજાગ્રસ્ત થયેલો મીત વોરા.

ગંભીર ઈજાગ્રસ્ત થયેલો મીત વોરા.


બોરીવલી-વેસ્ટના સાંઈબાબાનગરમાં આદિત્ય કૉલેજ નજીક શુક્રવારે સવારે ‘ક્રાઇમ પૅટ્રોલ’ અને અન્ય સિરિયલોના ૨૭ વર્ષના ઍક્ટર મીત વોરા પર હુમલો કરીને તેની કીમતી સામાન ભરેલી બૅગની ચોરી કરવામાં આવી હતી. આ મામલે આશરે એક લાખ રૂપિયાની માલમતા લૂંટાઈ હોવાની ફરિયાદ ગોરાઈના નીલમ પ્રાઇડ બિલ્ડિંગ નજીક રહેતા મીતે બોરીવલી પોલીસ-સ્ટેશનમાં નોંધાવી છે. મીત તેના પિતા સાથે ફોન પર વાત કરતાં-કરતાં પોતાના ભાઈ ઇશાંતના ઘરે પગપાળા જઈ રહ્યો હતો. એ દરમ્યાન અચાનક એક યુવક પાછળથી આવ્યો હતો અને મોટેથી વાત કરવા બાબતે બોલાચાલી કરીને મીતની મારઝૂડ કરી હતી. આ ઘટનામાં મીતને ગંભીર ઈજા થઈ છે. આ કેસમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે.

મીત વોરાએ ‘મિડ-ડે’ને માહિતી આપતાં કહ્યું હતું કે ‘શુક્રવારે સવારે સાડાદસ વાગ્યે હું બોરીવલીના સાંઈબાબાનગરમાં રહેતા મારા મોટા ભાઈને મળવા જઈ રહ્યો હતો. ત્યારે મારા પપ્પા સાથે મારો ફોન ચાલુ હતો. એવામાં એકાએક પાછળથી એક યુવાન આવ્યો અને ‘ફોન પર જોર-જોરથી કેમ વાત કરે છે?’ એમ કહીને મને ધમકાવવાનું શરૂ કર્યું હતું. તેણે મને મારું નામ પૂછ્યું, પરંતુ મેં નામ કહેવાનો ઇનકાર કરતાં તેણે મને જોરદાર ધક્કો માર્યો હતો અને તેની પાસે રહેલી છરીથી મારા ડાબા હાથના કાંડા પર હુમલો કર્યો હતો. એને કારણે મને શારીરિક ઈજા થઈ હતી. આ સાથે જ ત્યાં હાજર અન્ય એક યુવકે પણ મારી મારપીટ શરૂ કરી દીધી હતી. આ ઝપાઝપી અને ભીડભાડ દરમ્યાન મારી પાસે રહેલી બૅગ નીચે પડી ગઈ હતી, જેનો લાભ ઉઠાવીને તેનો સાથીદાર બૅગ લઈને નાસી ગયો હતો. પાછળથી આ તેમનું પૂર્વઆયોજિત કાવતરું હોવાનું માલૂમ પડતાં મેં બોરીવલી પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મારી ચોરાયેલી બૅગમાં ૨૫,૦૦૦ રૂપિયા રોકડા અને ૫૦,૦૦૦ રૂપિયાનું લૅપટૉપ, ફોસિલ કંપનીની ઘડિયાળ, પાવરબૅન્ક અને KYC ડિવાઇસ હતાં. આ સામાન ઉપરાંત એમાં અત્યંત મહત્ત્વના સરકારી કાગળો જેમ કે નોંધણી વિભાગની અસલી પાવતીઓ અને સ્ટૅમ્પ ડિસ્ટ્રિક્ટ ઑફિસરની અરજીઓ તથા આદેશો હતાં. આ લૅપટૉપમાં મારો લાખો રૂપિયાનો ઑફિશ્યલ ડેટા હતો. આ મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો પાછા મેળવવા માટે મારે ભારે જહેમત ઉઠાવવી પડશે.’



બોરીવલી પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હુમલો કરનાર મુખ્ય આરોપી ૧૯ વર્ષના ઋતિક ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં અન્ય આરોપીની શોધ શરૂ કરવામાં આવી છે.’


Whatsapp-channel Whatsapp-channel

21 June, 2026 07:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK