શિક્ષકોની અછતના મુદ્દે દસમા ધોરણના વિદ્યાર્થીઓ અનિશ્ચિત મુદતનાં ધરણાં પર
સ્કૂલના વિદ્યાર્થીઓને વર્ગખંડો છોડીને રસ્તા પર ઊતરવાની ફરજ પડી
મહારાષ્ટ્રના ધારાશિવ જિલ્લાના સોનારી ગામની જિલ્લા પરિષદ માધ્યમિક સ્કૂલના વિદ્યાર્થીઓને વર્ગખંડો છોડીને રસ્તા પર ઊતરવાની ફરજ પડી છે. માધ્યમિક સ્કૂલ માટે કાયમી શિક્ષકોની તાત્કાલિક નિમણૂકની માગણી સાથે વિદ્યાર્થીઓએ શુક્રવારે જિલ્લા પરિષદના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO)ની ઑફિસ બહાર અનિશ્ચિત મુદતનાં ધરણા-પ્રદર્શન શરૂ કર્યાં છે. વર્ષોથી ખાલી પડેલી જગ્યાઓ ભરાવાની રાહ જોયા બાદ હવે બીજો કોઈ વિકલ્પ ન બચતાં આ આંદોલનમાં વાલીઓ, શિક્ષકો અને સ્થાનિક ગ્રામજનો પણ મોટી સંખ્યામાં જોડાયા છે.
આંદોલનકારીઓના જણાવ્યા અનુસાર સ્કૂલમાં શિક્ષકો અને અન્ય સ્ટાફની અનેક જગ્યાઓ છેલ્લાં આશરે ૪ વર્ષથી ખાલી પડી છે. પ્રશાસનને આ વિશે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.
ADVERTISEMENT
પ્રાથમિક સ્કૂલના શિક્ષકો પાસે સેકન્ડરી અને હાઈ સ્કૂલના ક્લાસ લેવડાવવાથી વિદ્યાર્થીઓએ સખત વિરોધ નોંધાવ્યો છે. તેમનું કહેવું છે કે બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને દરેક વિષયના નિષ્ણાત શિક્ષકોની જરૂર હોય છે. આથી આવી અસ્થાયી વ્યવસ્થા કરવાને બદલે યોગ્ય લાયકાત ધરાવતા માધ્યમિક શિક્ષકોની જ કાયમી ધોરણે નિમણૂક કરવામાં આવે.
આ વિરોધ-પ્રદર્શન પહેલાં ગુરુવારે જ સોનારી ગામના ગ્રામજનોએ શિક્ષકોની સતત અછત તરફ તંત્રનું ધ્યાન દોરવા માટે સ્કૂલને તાળાબંધી કરી હતી. સ્થાનિકોનું કહેવું છે કે સ્ટાફના અભાવે અભ્યાસ ખોરવાઈ રહ્યો છે જેના કારણે ધોરણ ૧૦ની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે અનિશ્ચિતતા ઊભી થઈ છે.
આ જ પ્રકારે બીડ અને અન્ય જગ્યાઓએ પણ સ્કૂલના વિદ્યાર્થીઓ શિક્ષકોની અછત અને સ્કૂલમાં સુવિધાની અછતની ફરિયાદ માટે પ્રદર્શનો કરી રહ્યાં છે.
