સાઉથ આફ્રિકાનાં ૮, ઝિમ્બાબ્વેનાં ૩ અને નામિબિયાનું ૧: ૧૨ મેદાન નક્કી થયાં ૨૦૨૭ના વન-ડે વર્લ્ડ કપ માટે, ભારત સહિતની ૧૪ ટીમો વચ્ચે સૌથી વધુ ૫૭ મૅચ રમાશે આ જંગમાં
વન-ડે વર્લ્ડ કપના નવા લોગો સાથે ICCના ચૅરમૅન જય શાહ સહિતના અધિકારીઓ.
ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ગઈ કાલે મેન્સ વન-ડે વર્લ્ડ કપ 2027 માટે ૧૨ વેન્યુની જાહેરાત કરી છે; જેમાં સાઉથ આફ્રિકાનાં ૮ મેદાન, ઝિમ્બાબ્વેનાં ૩ મેદાન અને નામિબિયાનું એક મેદાન સામેલ છે. છેલ્લી બે આવૃત્તિથી ૧૦-૧૦ ટીમો વચ્ચે રમાતો આ વર્લ્ડ કપ આગામી આવૃત્તિમાં ૧૪ ટીમો વચ્ચે રમાશે. ફૉર્મેટમાં ફેરફાર થયો હોવાથી આ આવૃત્તિમાં સૌથી વધુ ૫૭ મૅચો રમાશે.
વન-ડે વર્લ્ડ કપ ૨૪ વર્ષ પછી આફ્રિકા પાછો ફરી રહ્યો છે. સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને કેન્યાએ ૨૦૦૩ની વન-ડે વર્લ્ડ કપ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું. નામિબિયા પહેલી વાર કોઈ સિનિયર ICC ટુર્નામેન્ટનું આયોજન કરશે. ૨૦૨૭નો વન-ડે વર્લ્ડ કપ ૪ ઑક્ટોબરથી ૨૧ નવેમ્બર દરમ્યાન યોજાવાનો છે.
સાઉથ આફ્રિકાનાં જોહાનિસબર્ગ, સેન્ચુરિયન, ડરબન, ગકેબરહા, કુગોમ્પો સિટી, કેપ ટાઉન, પાર્લ, બ્લોમફોન્ટેનમાં મોટાભાગની લીગ-સ્ટેજ મૅચો રમાશે. જોહનિસબર્ગના વૉન્ડરર્સ સ્ટેડિયમમાં અથવા કેપ ટાઉનના ન્યુલૅન્ડસ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ફાઇનલ મૅચ રમાશે. ઝિમ્બાબ્વેનાં હરારે, બુલાવાયો, વિક્ટોરિયા ફૉલ્સમાં અને નામિબિયાના વિન્કહૉકમાં પણ વર્લ્ડ કપ મૅચ રમાશે.
ICCના ચૅરમૅન જય શાહે લૉન્ચ કર્યો હતો વર્લ્ડ કપ લોગો
સાઉથ આફ્રિકામાં ICCના ચૅરમૅન જય શાહની હાજરીમાં લોગો અને ટુર્નામેન્ટના વેન્યુની જાહેરાત કરવામાં આવી હતી. કૅગિસો રબાડા સહિત યજમાન દેશના ઘણા વર્તમાન અને જૂના ક્રિકેટર્સ આ ઇવેન્ટમાં હાજર રહ્યા હતા.
ત્રણ યજમાન દેશમાં યોજાનારી આ ટુર્નામેન્ટના ઑફિશ્યલ વિડિયોમાં થ્રી નેશન્સ, વન હાર્ટબીટનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ વિચારનો અર્થ છે કે ‘હું છું, કારણ કે આપણે સાથે છીએ.’ બીજા શબ્દોમાં કહીએ તો એવી માન્યતા કે માનવી તરીકેની આપણી ઓળખ આપણી કરુણા, ભલાઈ અને એકબીજા સાથેના જોડાણ દ્વારા ઘડાય છે.
ADVERTISEMENT
પ્રાકૃતિક સુંદરતાની વચ્ચે સ્થિત છે વિક્ટોરિયા ફૉલ્સ સ્ટેડિયમ
વિશ્વની ૭ કુદરતી અજાયબીઓમાંનો એક વિક્ટોરિયા ફૉલ્સ ઝિમ્બાબ્વેમાં છે. વિક્ટોરિયા ફૉલ્સથી આશરે ૮ કિલોમીટર દૂર મોસી-ઓઆ-તુન્યા સ્ટેડિયમ એટલે કે વિક્ટોરિયા ફૉલ્સ ક્રિકેટ સ્ટેડિયમ બની રહ્યું છે.
એ રાષ્ટ્રીય ઉદ્યાનની અંદર બાંધવામાં આવનાર વિશ્વનું પ્રથમ ક્રિકેટમેદાન હશે. આ પ્રોજેક્ટ રમતગમત, વન્યજીવન સંરક્ષણ અને પર્યટનનું એક અદ્ભુત મિશ્રણ રજૂ કરે છે.
૧૦,૦૦૦ દર્શકોની ક્ષમતા ધરાવતું સ્ટેડિયમ આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. ૨૦૨૭ની શરૂઆતમાં આ સ્ટેડિયમ ઇન્ટરનૅશનલ મૅચો માટે સત્તાવાર રીતે ખૂલશે. વન-ડે વર્લ્ડ કપની ૨-૩ મૅચો અહીં રમાશે એવી શક્યતા છે.
