ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર સી. પી. રાધાકૃષ્ણનને સપોર્ટ કરવા મને ફડણવીસનો ફોન આવ્યો હતો, પણ મેં ના પાડી દીધી : શરદ પવાર
શરદ પવાર
ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણી થવાની છે ત્યારે એ માટે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમના નૅશનલ ડેમોક્રૅટિક અલાયન્સના ઉમેદવાર અને મહારાષ્ટ્રના રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણનને સપોર્ટ કરવા ફોન કર્યો હતો, પણ તે અલગ વિચારના છે એમ કહીને એ માટે મેં સ્પષ્ટ ના પાડી દીધી હતી એમ મહારાષ્ટ્રના રાજકારણના અઠંગ ખેલાડી શરદ પવારે કહ્યું હતું.
શરદ પવારે કહ્યું હતું કે ‘અમે સાથી પક્ષોએ આ બાબતે ચર્ચા કરીને ઇન્ડિયા બ્લૉકના સુદર્શન રેડ્ડીનું ફૉર્મ ભર્યું છે. વળી તેમના જે ઉમેદવાર છે એ પહેલાં ઝારખંડના રાજ્યપાલ હતા. એ વખતે ઝારખંડના મુખ્ય પ્રધાન શિબુ સોરેન તેમને મળવા ગયા હતા. એ જ વખતે તપાસ-એજન્સીએ શિબુ સોરેનની ધરપકડ કરી હતી. સોરેને કહ્યું પણ ખરું કે મને રાજભવનમાંથી બહાર આવવા દો, પણ એજન્સીએ તેમની વાત કાને ન ધરી અને રાજભવનમાંથી જ તેમની ધરપકડ કરી. આવા છે તમારા આ ઉમેદવાર.’
ADVERTISEMENT
શરદ પવારે વધુમાં કહ્યું હતું કે ‘મેં દેવેન્દ્ર ફડણવીસને કહ્યું પણ ખરું કે તમારી સંખ્યા ભલે વધુ રહી, અમે અમારું જોઈ લઈશું. મુખ્ય પ્રધાને કરેલી વિનંતીની મેં સ્પષ્ટ ના પાડી દીધી હતી. એ લોકો એમનું જોશે અને અમે અમારું જોઈશું. આ વખતે પરિણામ અલગ આવશે.’


