Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > દુકાનદારી બંધ થવાના ડરથી થઈ રહ્યો છે સિમેન્ટના રોડનો વિરોધ

દુકાનદારી બંધ થવાના ડરથી થઈ રહ્યો છે સિમેન્ટના રોડનો વિરોધ

19 January, 2023 10:47 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈના રસ્તાઓના કૉન્ક્રીટીકરણ બાબતે આદિત્ય ઠાકરેએ ઉઠાવેલા સવાલનો જવાબ આપતાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આવું કહ્યું

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


મુંબઈના ૩૯૭ કિલોમીટરના રસ્તા કૉન્ક્રીટના બનાવવાનું ટેન્ડર મુંબઈ બીએમસીએ જારી કર્યું છે એમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હોવાનો આરોપ યુવાસેનાના અધ્યક્ષ આદિત્ય ઠાકરેએ કર્યો હતો. આ વિશે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે કહ્યું હતું કે મુંબઈના રસ્તાઓનું આખેઆખું લેયર ગાયબ થઈ જવા માટે ઉદ્ધવ ઠાકરેની સેના જવાબદાર છે અને સિમેન્ટના રસ્તા બની જવાથી તેમની દુકાનદારી બંધ થઈ જવાના ડરથી તેઓ વિરોધ કરી રહ્યા છે.

બીકેસી ગ્રાઉન્ડમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભા માટેની તૈયારીની ચકાસણી કર્યા બાદ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પત્રકારો સાથે કરેલી વાતચીતમાં કહ્યું હતું કે ‘આ સભા માટે લોકોનો પ્રચંડ ઉત્સાહ છે. અમારી અપેક્ષા કરતાં પણ વધુ લોકો અહીં આવવાની શક્યતા છે. સામાન્ય નાગરિકોને કોઈ તકલીફ ન થાય એ માટેની તકેદારી રાખવામાં આવી રહી છે અને એ સંદર્ભે પોલીસ સાથે ચર્ચા પણ કરી છે. યુવાસેનાના નેતા આદિત્ય ઠાકરે સિમેન્ટના રસ્તાનો વિરોધ કરી રહ્યા છે. જેમની આંખ સામે ગોટાળા થયા હતા તે આવી વાત કરી રહ્યા છે એનું દુ:ખ છે. કૉન્ક્રીટના રસ્તા બનાવ્યા બાદ ૪૦ વર્ષ કંઈ નહીં થાય. આથી તેમની દુકાનદારી બંધ થઈ જશે. તેમની દુકાનદારી બંધ કરવા માટે જ અમે કૉન્ક્રીટના રસ્તા બનાવી રહ્યા છીએ. આથી જ તેઓ બૂમાબૂમ કરી રહ્યા છે. હું મુખ્ય પ્રધાન હતો ત્યારે મુંબઈ મહાનગરપાલિકાના રસ્તાની તપાસ કરવામાં આવી હતી. એ સમયે ૨૦૦ રસ્તાની નીચેનાં લેયર જ ગાયબ હોવાનું જણાઈ આવ્યું હતું. જેમણે રસ્તાના કામમાં ગોટાળા કર્યા હતા તેઓ આજે અમારી સામે આંગળી ચીંધી રહ્યા છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદે આ ભ્રષ્ટાચારને ખતમ કરવાનું કામ કરી રહ્યા છે.’ઉદ્ધવને બાળાસાહેબના તૈલચિત્રના અનાવરણમાં આમંત્રણ ન અપાયું
બાળાસાહેબ ઠાકરેનો ૨૩ જાન્યુઆરીએ બર્થ-ડે છે ત્યારે રાજ્યના મુંબઈ ખાતેના વિધાનભવનના હૉલમાં પહેલી વખત બાળાસાહેબનું તૈલચિત્ર મૂકવામાં આવશે. વિધાનભવન દ્વારા આ માટેની આમંત્રણપત્રિકા જારી કરવામાં આવી છે, જેમાં ઉદ્ધવ ઠાકરેનું નામ ન હોવાનું જાણવા મળ્યું હતું. આ માટે રાજ્ય સરકાર બદલાની ભાવનાથી કામ કરી રહી હોવાનો આરોપ સંજય રાઉતે કર્યો છે. ઉલ્લેખનીય છે કે મહાવિકાસ આઘાડીની સરકારમાં મહત્ત્વના કાર્યક્રમોમાં તત્કાલીન વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસને બોલાવવામાં નહોતા આવ્યા કે કાર્યક્રમની પત્રિકાઓમાં તેમનું નામ નહોતું. સંજય રાઉત આ વિશે કંઈ બોલતા નથી. લોકશાહીના પ્રોટોકૉલ પ્રમાણે સરકારી કાર્યક્રમમાં વિરોધ પક્ષના નેતાને આમંત્રણ આપવાની પરંપરા છે. આ વાત અત્યારે વિરોધીઓ ભૂલી ગયા છે અને બાળાસાહેબના પુત્રને જ તૈલચિત્રના અનાવરણમાં આમંત્રણ ન હોવાનું કહી રહ્યા છે. આ વિશે સવાલ કરાતાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે આ કાર્યક્રમનું આયોજન વિધાનભવન દ્વારા કરવામાં આવ્યું છે એટલે કોને આમંત્રણ અપાયું છે અને કોને નહીં એની મને ખબર નથી.


પરલીમાં એનસીપીના કાર્યકરોએ રાજ ઠાકરેનું સ્વાગત કર્યું
એમએનએસના અધ્યક્ષ રાજ ઠાકરે સામે પરલીની કોર્ટે બિનજામીનપાત્ર વૉરન્ટ જારી કરતાં તેઓ ગઈ કાલે હેલિકૉપ્ટરથી પરલી પહોંચ્યા હતા. અહીં એનસીપીના વિધાનસભ્ય ધનંજય મુંડેના કાર્યકરોએ રાજ ઠાકરે પર જેસીબી દ્વારા ફૂલોનો વરસાદ કરવાની સાથે પચાસ ફુટનો હાર પહેરાવીને તેમનું સ્વાગત કરવાથી બધા ચોંકી ઊઠ્યા હતા. રાજ ઠાકરે કોર્ટમાં હાજર થવાથી તેમની સામેનું વૉરન્ટ રદ કરવામાં આવ્યું હતું અને તેમને ૫૦૦ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. તેમના વકીલે કોર્ટને કહ્યું હતું કે બે વર્ષ કોરોના મહામારી હતી એટલે રાજ ઠાકરે સુનાવણીમાં હાજર નહોતા રહી શક્યા. આ સાંભળીને કોર્ટે આગામી સુનાવણી ૨૩ જાન્યુઆરીએ હાથ ધરવાનું કહ્યું હતું.

નવાબ મલિકનાં પુત્ર-વહુ સામે હવે ફરિયાદ નોંધાઈ
મની લૉન્ડરિંગ કેસમાં જેલમાં બંધ એનસીપીના નેતા નવાબ મલિકની મુશ્કેલીઓ ઓછી નથી થઈ રહી. મુંબઈ પોલીસે હવે તેમના પુત્ર ફરાઝ મલિક અને તેની ફ્રાન્સની પત્ની હેમલિન સામે વીઝા મેળવવા માટે બોગસ ડૉક્યુમેન્ટ્સ રજૂ કરવાના મામલામાં ફરિયાદ નોંધી હોવાનું જાણવા મળ્યું હતું. ફરાઝની બીજી પત્ની ફ્રાન્સની રહેવાસી હેમલિન છે. તેના વીઝા મેળવવા માટે ફરાઝ અને હેમલિને ઇમિગ્રેશન વિભાગમાં બોગસ ડૉક્યુમેન્ટ્સ રજૂ કર્યા હોવાનો એફઆઇઆર કુર્લા પોલીસે નોંધ્યો છે. બીજી માર્ચ ૨૦૨૨થી ૨૩ જૂન ૨૦૨૨ દરમ્યાન આરોપી ફરાઝ મલિક અને હેમલિન મલિકે બોગસ દસ્તાવેજ તૈયાર કરીને વીઝા મેળવવાનો પ્રયાસ કર્યો હોવાની જાણ થતાં ઇમિગ્રેશન વિભાગે તેમની સામે એફઆઇઆર નોંધીને તપાસ કરવાનો નિર્દેશ કુર્લા પોલીસને કર્યો હતો. જોકે કુર્લા પોલીસે આ સંબંધે કોઈ કાર્યવાહી નહોતી કરી. ફરાઝ મલિકે બીજી પત્ની હેમલિન સાથે લગ્ન કર્યાં હોવાનું બોગસ સર્ટિફિકેટ ઇમિગ્રેશન વિભાગમાં સબમિટ કર્યું હતું, જે નકલી હોવાનું જણાઈ આવ્યું હતું.


સેનાભવન સાથેનું એકનાથ શિંદેનું કટઆઉટ હટાવાયું
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મુંબઈની મુલાકાતે આવવાના છે ત્યારે તેઓ મુંબઈને લગતા અનેક પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટનની સાથે ભૂમિપૂજન કરવાના છે. આથી મુંબઈમાં અનેક વિસ્તારોમાં તેમનું સ્વાગત કરવા માટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનાં મોટાં-મોટાં કટઆઉટ્સ મૂકવામાં આવ્યાં છે. આવું જ એક પચાસ ફીટ ઊંચું કટઆઉટ દાદરમાં આવેલા શિવસેનાભવનની બહાર મૂકવામાં આવ્યું હતું. જોકે આનાથી એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથના કાર્યકરો વચ્ચે અથડામણ થશે તો કાયદો અને વ્યવસ્થા જોખમમાં મુકાવાની શક્યતાને ધ્યાનમાં રાખતાં મુંબઈ બીએમસીએ મુખ્ય પ્રધાનનું આ કટઆઉટ દૂર કર્યું હોવાનું જાણવા મળ્યું હતું.

પુણેની બે ખાલી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી ૨૭ ફેબ્રુઆરીએ
પુણેની પિંપરી-ચિંચવડ અને કસબાપેઠની ખાલી પડેલી વિધાનસભા બેઠકની પેટાચૂંટણી ગઈ કાલે જાહેર કરવામાં આવી હતી. ૨૭ ફેબ્રુઆરીએ અહીં મતદાન થશે અને બીજી માર્ચે મતગણતરી હાથ ધરવામાં આવશે. પિંપરી-ચિંચવડ અને કસબાપેઠના બીજેપીના વિધાનસભ્યો લક્ષ્મણ જગતાપ અને મુક્તા ટિળકનાં તાજેતરમાં બીમારીને લીધે મૃત્યુ થયાં હતાં એટલે આ બંને વિધાનસભા બેઠક અત્યારે ખાલી છે. રાજ્યની વિધાનસભાની ચૂંટણી ૨૦૨૪ના નવેમ્બરમાં છે એટલે રાજ્ય ચૂંટણી પંચે અહીં પેટાચૂંટણી યોજવાની જાહેરાત કરી છે. આથી અહીં બીજેપી, એકનાથ શિંદે જૂથ, એનસીપી, કૉન્ગ્રેસ અને શિવસેના વચ્ચે લડત જોવા મળશે. 

આજે નવી મેટ્રો શરૂ કરવા જૂની મેટ્રો પોણા બે કલાક રહેશે બંધ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજના ૬.૩૦થી ૭ વાગ્યા દરમ્યાન અંધેરી-પૂર્વમાં આવેલા ગુંદવલી મેટ્રો સ્ટેશન ખાતે એક્સ્ટેન્ડ કરવામાં આવેલી ૨એ લાઇનનું ઉદ્ઘાટન કરશે. આથી વર્સોવા-ઘાટકોપર મેટ્રો લાઇન સાંજના ૫.૪૫ વાગ્યાથી ૭.૩૦ વાગ્યા સુધી સુરક્ષાનાં બંધ રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મેટ્રો ૨એનું અંધેરી ખાતેનું ગુંદવલી મેટ્રો સ્ટેશન છેલ્લું સ્ટેશન છે, જેને વર્સોવા-ઘાટકોપર મેટ્રો લાઇન સાથે આરઓબી (રોડ ઓવર િબ્રજ)થી જોડવામાં આવ્યું છે. 

Whatsapp-channel Whatsapp-channel

19 January, 2023 10:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK