Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ-દિલ્હી એક્સપ્રેસવે આવતા વર્ષના અંતમાં શરૂ થવાની શક્યતા

મુંબઈ-દિલ્હી એક્સપ્રેસવે આવતા વર્ષના અંતમાં શરૂ થવાની શક્યતા

03 October, 2023 11:20 AM IST | Mumbai
Prakash Bambhroliya | prakash.bambhroliya@mid-day.com

દિલ્હીથી વડોદરા સુધીના બીજા ફેઝનું ઉદ્ઘાટન વડા પ્રધાને કર્યું ઃ વડોદરાથી નવસારી સુધી તેમ જ મહારાષ્ટ્રમાં કેટલાક ભાગમાં કામ ઝડપથી ચાલી રહ્યું છે

દિલ્હીથી વડોદરા સુધીનો લોકાર્પણ કરવામાં આવેલો એક્સપ્રેસવે

દિલ્હીથી વડોદરા સુધીનો લોકાર્પણ કરવામાં આવેલો એક્સપ્રેસવે


એક લાખ કરોડ રૂપિયાના ખર્ચે દેશની રાજધાની દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઈને જોડતા ભારતના સૌથી લાંબા ૧૩૮૬ કિલોમીટરના એક્સપ્રેસવેના મધ્ય પ્રદેશથી વડોદરા સુધીના બીજા તબક્કાનું કામ પૂરું થઈ ગયું છે એટલે ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એનું લોકાર્પણ કર્યું હતું. આ રસ્તો શરૂ થઈ જવાથી દિલ્હીથી વડોદરા સુધીનું અંતર દોઢસો કિલોમીટર ઘટી જવાની સાથે પ્રવાસનો સમય ૧૮ કલાકથી ૧૦ કલાક થઈ ગયો છે. જોકે મુંબઈગરાઓએ વાહનમાર્ગે ઝડપથી મુંબઈથી દિલ્હી જવા માટે આવતા વર્ષના અંત સુધી રાહ જોવી પડશે. ગુજરાતમાં વડોદરાથી નવસારી અને મહારાષ્ટ્રમાં વિરાર આસપાસ અને જેએનપીટી નજીક એક્સપ્રેસવેનું કામ ઝડપથી ચાલી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.

ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, દિલ્હી, હરિયાણા વગેરે સાત રાજ્યમાંથી પસાર થતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનું દિલ્હીથી વડોદરા સુધીના બીજા તબક્કાનું કામ અંદાજે ૧૨,૦૦૦ કરોડ રૂપિયાના ખર્ચે પૂરું થઈ ગયું હોવાથી ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એનું લોકાર્પણ કર્યું હતું. દિલ્હીથી વડોદરા સુધીનું અંતર સૌથી ઝડપથી દોડતી ટ્રેન ૧૦ કલાક ૪૫ મિનિટમાં પૂરું કરે છે. એની સામે એક્સપ્રેસવે પર વાહનમાર્ગે આ અંતર દસથી સાડાદસ  કલાકમાં પૂરું થઈ જવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો હાઈ સ્પીડ ટ્રેન જેટલો સમય લે છે એટલા જ સમયમાં હવે વડોદરાથી વાહનમાર્ગે પહોંચી શકાશે.



અત્યાર સુધી દિલ્હીથી વડોદરા જવા માટે બે રસ્તા હતા. એક, જયપુર, ભીલવાડા અને ઉદયપુરનો રસ્તો. બીજો, લક્ષ્મણગઢ, લાસોટ અને કોટાથી ગુજરાતનો. આ રસ્તાઓમાં એકથી બીજા છેડા સુધીનું અંતર ૧૭થી ૨૦ કલાકમાં કાપી શકાય છે. આની સામે એક્સપ્રેસવે પર હરિયાણાના સોહના, દૌસા, લાલસોટ, સવાઈ માધોપુર, કોટા, રતલામ, દાહોદ, ગોધરાથી વડોદરા સુધી અન્ય બે રસ્તાની સરખામણીએ લગભગ પચાસ ટકા ઓછા સમયમાં પહોંચી શકાશે. વડોદરાથી મુંબઈ સુધીનો રસ્તો તૈયાર થઈ ગયા બાદ દિલ્હીથી મુંબઈનું અંતર માત્ર ૧૨ કલાકમાં કાપી શકાશે એવો દાવો કરવામાં આવી રહ્યો છે.


ભારતના હાઇવે પર અત્યારે મહત્તમ સ્પીડ પ્રતિ કલાક ૧૦૦ કિલોમીટર નિર્ધારિત કરવામાં આવી છે. જોકે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ૧૨૦ કિલોમીટરની સ્પીડ નક્કી કરવામાં આવી છે. આથી શક્ય છે કે અત્યારે દિલ્હીથી મુંબઈ વાહનમાર્ગે જ્યાં ૨૪ કલાકનો સમય લાગે છે એમાં પચાસ ટકાનો ઘટાડો થશે.

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયના સચિવ અનુરાગ જૈને આપેલી માહિતી મુજબ વડોદરાથી મુંબઈ સુધીના એક્સપ્રેસવેનું અત્યારે ચાલી રહેલું કામ આવતા વર્ષના અંત સુધીમાં પૂરું થઈ જવાની શક્યતા છે. ગુજરાતમાં નવસારી અને વલસાડ પાસે તો મહારાષ્ટ્રમાં વિરાર અને જેએનપીટી નજીક અત્યારે ઝડપથી નવો રસ્તો બનાવવાનું કામ ચાલી રહ્યું છે.


એક્સપ્રેસવેના દિલ્હી-વડોદરા સેક્શનના કામ માટે અંદાજે ૧૨,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ હાઇવેની લંબાઈ હરિયાણામાં ૭૯ કિલોમીટર, રાજસ્થાનમાં ૩૭૩ કિલોમીટર અને મધ્ય પ્રદેશમાં ૨૪૪ કિલોમીટર છે. પહેલા ફેઝમાં સોહનાથી દૌસા સુધીનો એક્સપ્રેસવે આ વર્ષની શરૂઆતમાં જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયના અધિકારીએ કહ્યું હતું કે ‘એક્સપ્રેસવેને એવી રીતે બનાવવામાં આવ્યો છે કે અહીં કાર ૧૨૦ કિલોમીટરની ઝડપે સરળતાથી પ્રવાસ કરી શકશે. આઠ લાઇનના હાઇવે પર વાહનવ્યવહાર સરળતાથી થઈ શકશે. આ નવા એક્સપ્રેસવેથી જયપુર, કોટા, ચિત્તોડગઢ, ઇન્દોર, ભોપાલ અને અમદાવાદની કનેક્ટિવિટી સારી થશે. મુંબઈ સુધીનો એક્સપ્રેસવે તૈયાર થઈ ગયા બાદ દિલ્હીથી મુંબઈનું અંતર ૨૦૦ કિલોમીટર ઓછું થઈ જશે. આ સિવાય આ નવા હાઇવેથી વાર્ષિક ૩૨૦ મિલ્યન લિટર ઈંધણની બચત થશે અને કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ૮૫૦ મિલ્યન કિલો ઘટશે, જે ૪૦ મિલ્યન વૃક્ષોનું પ્લાન્ટેશન કરવા બરાબર થાય છે.’

Whatsapp-channel Whatsapp-channel

03 October, 2023 11:20 AM IST | Mumbai | Prakash Bambhroliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK