Delhi-Goa Indigo Flight: દિલ્હીથી ગોવા જતી ઇન્ડિગોની ફ્લાઇટ 6E 6271ને બુધવારે રાત્રે મુંબઈ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવી પડી હતી; ઇમરજન્સી લેન્ડિંગ પહેલાં, પાયલોટે `PAN PAN PAN`ની જાહેરાત કરી હતી
પ્રતીકાત્મક તસવીર
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી (Delhi)થી ગોવા (Goa) જઈ રહેલી ઇન્ડિગો (Indigo)ની ફ્લાઇટ નંબર 6E 6271 ને બુધવારે રાત્રે મુંબઈ (Mumbai)ના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Chhatrapati Shivaji Maharaj International Airport) પર ટેકનિકલ ખામીને કારણે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.
એરલાઇનના પ્રવક્તાએ આપેલી માહિતી અનુસાર, બુધવારે ૧૬ જુલાઈએ સાંજે દિલ્હીથી ગોવા (Delhi-Goa Indigo Flight)ના મનોહર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Manohar International Airport) પર ઉડાન ભરતી વખતે ફ્લાઇટ નંબર 6E6271 માં ટેકનિકલ ખામી જોવા મળી હતી. ત્યારબાદ, વિમાનને ડાયવર્ટ કરીને મુંબઈ એરપોર્ટ (Mumbai Airport) પર લેન્ડ કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
એક અધિકારીએ નામ ન આપવાની શરતે અખબારને જણાવ્યું હતું કે, દિલ્હીથી ગોવા જતી ઇન્ડિગો ફ્લાઇટના પાઇલટે મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરતા પહેલા એક એન્જિનમાં સમસ્યાને કારણે `PAN PAN PAN` બૂમ પાડી હતી. આ એક ઈમરજન્સી મેસેજ છે જે જીવલેણ ઈમરજન્સીનો સંકેત આપે છે. એરબસ A320neo વિમાન, જે ૧૯૦થી વધુ લોકોને લઈને દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (Indira Gandhi International Airport)થી ગોવા એરપોર્ટ માટે ઉડાન ભરી રહ્યું હતું. પરંતુ વચ્ચે જ એન્જિનમાં સમસ્યાને કારણે મુંબઈમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. આ ઘટના ત્યારે બની જ્યારે ઇન્ડિગો ફ્લાઇટ ભુવનેશ્વર (Bhubaneswar)થી લગભગ ૧૦૦ નોટિકલ માઇલ ઉત્તરમાં ઉડાન ભરી રહી હતી. એન્જિન નંબર ૧માં ખામીને કારણે પાઇલટે "PAN PAN PAN" (જીવન માટે જોખમી કટોકટીનો સંકેત આપતો કટોકટી સંદેશ) જાહેર કર્યો. રાત્રે લગભગ ૯.૩૨ વાગ્યે, ફ્લાઇટ ક્રૂએ મુંબઈ તરફ ડાયવર્ઝન કરવાની વિનંતી કરી. SOP મુજબ, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડના વાહનોને સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યા હતા. જોકે, ફ્લાઇટ રાત્રે ૯.૫૩ વાગ્યે, અપેક્ષિત આગમન સમય કરતાં બે મિનિટ પહેલા સુરક્ષિત રીતે ઉતરી ગઈ. બધા મુસાફરો સુરક્ષિત હોવાનું જણાવાયું છે.
જોકે, ઇન્ડિગો એરલાઇન્સે એન્જિનમાં ખામી હોવાની પુષ્ટિ કરી નથી, પરંતુ ટેકનિકલ ખામી હોવાનું સ્વીકાર્યું છે. એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘૧૬ જુલાઈના રોજ, દિલ્હીથી ગોવા જતી ફ્લાઇટ ૬ઈ ૬૨૭૧ને ટેકનિકલ ખામીને કારણે સલામતીના પગલાં તરીકે મુંબઈ વાળવામાં આવી હતી. વિમાન સુરક્ષિત રીતે ઉતર્યું હતું અને બધા મુસાફરો સુરક્ષિત છે. ફ્લાઇટને ફરીથી ઉડાનમાં મુકતા પહેલા હવે તેનું વિગતવાર નિરીક્ષણ અને જરૂરી સમારકામ કરાવવું પડશે.’
તમને જણાવી દઈએ કએ, લેન્ડિંગ પહેલાં, વિમાનના પાઇલટે ‘PAN PAN PAN’ સંદેશ આપ્યો, જે ઉડ્ડયનમાં વપરાતો આંતરરાષ્ટ્રીય ઇમરજન્સી સંદેશ છે. તે ‘Mayday’ કરતા થોડી ઓછી ગંભીર પરિસ્થિતિ દર્શાવે છે. `PAN` શબ્દ ફ્રેન્ચ શબ્દ ‘panne’ પરથી આવ્યો છે, જેનો અર્થ ટેકનિકલ ખામી થાય છે. `PAN PAN` કોલનો ઉપયોગ ત્યારે થાય છે જ્યારે વિમાનને કોઈ જીવલેણ ખતરો ન હોય પરંતુ તાત્કાલિક ટેકનિકલ સહાય અથવા ધ્યાનની જરૂર હોય. આ કિસ્સામાં, એક એન્જિન નિષ્ફળ ગયું હતું પરંતુ એરબસ A320 Neo જેવા વિમાન એક એન્જિન પર પણ સુરક્ષિત રીતે લેન્ડિંગ કરી શકે છે. એરબસ A320 Neo જેવા વિમાનો બે એન્જિનથી સજ્જ છે. એક એન્જિન ખરાબ થવાના કિસ્સામાં, બીજું એન્જિન સુરક્ષિત લેન્ડિંગ માટે પૂરતું છે. આ જ કારણ છે કે પાઇલટે ગભરાટ અનુભવ્યા વિના વિમાનનું સફળતાપૂર્વક ઉતરાણ કર્યું.

