ગિરગાંવ મંડળના કાર્યકર્તાઓએ એકઠો કર્યો પ્લાસ્ટિક વેસ્ટ તો એલ્ફિન્સ્ટનના મંડળે પેપરમાંથી બનાવી ૧૮ ફુટ ઊંચી ગણેશ-પ્રતિમા
ઘણાં મંડળોએ આ વર્ષે ઇકો-ફ્રેન્ડ્લી થીમ અપનાવી છે. પ્રસુન ચૌધરી
મુંબઈ : મહારાષ્ટ્રના વિવિધ કિલ્લાઓ પરથી પ્લાસ્ટિકનો બૉટલો ભેગી કરીને એની મદદથી મંડપને શણગારવાના અને ગણેશની પ્રતિમાના નિર્માણ માટે માત્ર કાગળનો જ ઉપયોગ કરવા જેવી વિવિધ ઇકો-ફ્રેન્ડ્લી થીમ ઘણાં મંડળોએ અપનાવી છે. છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકનાં ૩૫૦ વર્ષ પૂરાં થવા નિમિત્તે ગિરગાંવચા રાજા તરીકે જાણીતા નિકદવરી લેન સાર્વજનિક ગણેશોત્સવ મંડળે રાજ્યના વિવિધ કિલ્લાઓ પરથી પ્લાસ્ટિકની બૉટલો ભેગી કરવાનું કામ ઉપાડ્યું છે. વળી આ કચરાની મદદથી તે મંડપની સજાવટ કરશે.
મંડળના સેક્રેટરી ગણેશ લિંગાયતે કહ્યું હતું કે ‘છત્રપતિ શિવાજી મહારાજના સ્વરાજ્યનો ખરો વારસો વિવિધ કિલ્લાઓ છે. આ ઐતિહાસિક વારસાને જાળવવો એ રાજ્યના દરેક નાગરિકની ફરજ છે. અમારા મંડળના કાર્યકર્તાઓએ શિવાજી મહારાજે તેમના શાસનકાળ દરમ્યાન જીતેલા કિલ્લાઓની મુલાકાત લીધી હતી તેમ જ ત્યાંથી સફાઈ અભિયાન અંતર્ગત પ્લાસ્ટિક તેમ જ અન્ય કચરો ભેગો કર્યો હતો, જેનાથી મંડપને સુશોભિત કરાશે. આ વર્ષના ગણેશોત્સવની અમારી થીમ છે ચાલો કિલ્લાઓને સાચવીએ, આપણા ઇતિહાસના ગૌરવને વધારીએ. અમે કિલ્લાઓની જાળવણી અને સંરક્ષણ માટે વિવિધ સંસ્થાઓ અને કાર્યકર્તાઓ સાથે સહયોગ કરીને આ કિલ્લાની જાળવણી કરવા માગીએ છીએ.’
૧૮ ફુટના કાગળના ગણપતિ
ધી એલ્ફિન્સ્ટન ગણેશોત્સવ મંડળે પરંપરાગત પ્લાસ્ટર ઑફ પૅરિસ (પીઓપી)ને બદલે પર્યાવરણ માટે અનુકૂળ એવા પેપરમાંથી ૧૮ ફુટ ઊંચી ગણેશની પ્રતિમા બનાવી છે. મંડળના પ્રમુખ સંકેતે કહ્યું હતું કે ‘છેલ્લાં ૩૪ વર્ષથી અમે ગણેશોત્સવનું આયોજન કરીએ છીએ તેમ જ છેલ્લાં બે વર્ષથી ઇકો-ફ્રેન્ડ્લી પેપરની મદદથી ૧૮થી ૧૯ ફુટના ગણપતિ બનાવીએ છીએ. આ મૂર્તિ બનતાં ત્રણ મહિનાનો સમય લાગે છે તેમ જ ૨૦૦થી ૨૫૦ કિલો કાગળ વપરાય છે. પીઓપી માટે ઊંચાઈ મર્યાદા છે. તેથી ઘણાં સંશોધનો બાદ ઊંચાઈના મામલે સમાધાન કર્યા વગર ઇકો-ફ્રેન્ડ્લી પેપરની મદદથી પ્રતિમા બનાવવાનો ઉપાય શોધી કાઢ્યો છે. વળી આ પેપરને પાણીમાં ઓગળતાં માત્ર ચાર કલાક જ લાગે છે.