ઉદ્ધવ ઠાકરે જૂથે કરેલી અરજીની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે રાજ્યની વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરને કહ્યું
ઉદ્ધવ ઠાકરે અને એકનાશ શિંદે
મુંબઈ ઃ શિવસેનાના ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે વચ્ચે ચાલી રહેલા સત્તાસંઘર્ષ સંબંધી બે અરજીની ગઈ કાલે સુપ્રીમ કોર્ટના ત્રણ જસ્ટિસની ખંડપીઠ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ખંડપીઠે શિવસેના પક્ષ અને ચૂંટણીચિહન ધનુષબાણ સંબંધી સુનાવણી ત્રણ અઠવાડિયાં સુધી મોકૂફ રાખી હતી, જ્યારે શિવસેનાના ૧૬ વિધાનસભ્યોને અપાત્ર ઠેરવવા બાબતની સુનાવણી બે અઠવાડિયાં લંબાવવામાં આવી હતી.
ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી ગઈ કાલે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ધનંજય ચંદ્રચૂડ, જસ્ટિસ બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રા સહિતના ત્રણ જજની ખંડપીઠ સમક્ષ હાથ ધરવામાં આવી હતી.
ચીફ જસ્ટિસ ધનંજય ચંદ્રચૂડે મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર ઍડ. રાહુલ નાર્વેકરને વિધાનસભ્યોના અપાત્રતાના મુદ્દે આડે હાથ લીધા હતા. ચીફ જસ્ટિસે કહ્યું હતું કે ‘વિધાનસભ્યોની અપાત્રતા સંબંધે સર્વોચ્ચ અદાલતે ત્રણ મહિનાની ડેડલાઇન નથી આપી. સ્પીકરે બે અઠવાડિયાંમાં આ મામલે કામકાજ ક્યાં સુધી પહોંચ્યું છે એની માહિતી આપવી. આ પ્રકરણ અનિશ્ચિત સમય સુધી લટકાવી ન શકાય.’
આટલું કહીને ચીફ જસ્ટિસે વિધાનસભાના સ્પીકરને પોતાના કામકાજનું ટાઇમટેબલ જણાવવાનો નિર્દેશ પણ આપ્યો હતો.
વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે કહ્યું હતું કે ‘સુપ્રીમ કોર્ટના આદેશની કૉપી મને નથી મળી. હું આ બાબતે પૂરી માહિતી મેળવીશ અને બાદમાં ઉચિત નિર્ણય લઈશ. અપાત્રતા સંબંધી કાર્યવાહી વહેલી તકે પૂરી કરવામાં આવશે. એમાં કોઈ ઢીલ નહીં રખાય. જોકે આ મામલે કોઈ પક્ષને અન્યાય ન થાય એ માટે નિર્ણય લેવામાં ઘાઈ પણ નહીં કરું.’
ઍક્સિડન્ટમાં નગરસેવક સહિત ચારનાં મોત
મુંબઈ-આગરા હાઇવે પર ચાંદખેડ ખાતે ગઈ કાલે સવારના સાત વાગ્યે રસ્તામાં ઊભેલા કન્ટેનર સાથે એક કારનો ભયંકર અકસ્માત થયો હતો, જેમાં કારમાં બેસેલા ચાર લોકોનાં મૃત્યુ થયાં હતાં. પોલીસના જણાવ્યા મુજબ ધુળેમાં રહેતા બીજેપીના નગરસેવક કિરણ અહિરરાવ તેમના મિત્રો અનિલ પાટીલ, કૃષ્ણકાંત માળી અને પ્રવીણ પવાર સાથે નાશિકથી ધુળે તરફ કારમાં જઈ રહ્યા હતા ત્યારે કાર ધડાકાભેર રસ્તામાં ઊભેલા કન્ટેનરની પાછળની બાજુએ અથડાઈ હતી. આ અકસ્માતમાં કારમાં પ્રવાસ કરી રહેલા ચારેય લોકોનાં મૃત્યુ થયાં હતાં.
બીજેપીમાં ૫૦૦ શરદ પવાર
શરદ પવાર જૂથના વિધાનસભ્ય રોહિત પવારે બીજેપી પર નિશાન તાકતાં ગઈ કાલે કહ્યું હતું કે ‘શિવસેનામાં ભંગાણ બાદ શિવસેનાનાં બંને જૂથના નેતાઓ એકબીજા પર હુમલો કરી રહ્યા હતા ત્યારે બીજેપી આરામથી એસીમાં બેસીને તમાશો જોતી હતી. શરદ પવારને ૬૦ વર્ષનો રાજકીય અનુભવ છે. આથી રાજકીય દૃષ્ટિએ શરદ પવાર બીજેપીના બાપ છે. બીજેપીએ એનસીપી અને પવાર કુટુંબને તોડ્યું છે.’
રોહિત પવારની ટીકાના જવાબમાં વિધાન પરિષદના બીજેપીના સભ્ય વિધાનસભ્ય ગોપીચંદ પડળકરે કહ્યું હતું કે ‘રોહિત પવારને ખબર નથી કે શરદ પવાર જેવા બીજેપીમાં ૫૦૦ નેતા છે. શરદ પવાર કયા ખૂણામાં બેસીને રહી જશે એની ખબર પણ નહીં પડે. એનસીપી દ્વારા લોકોને ભાવનાત્મક રીતે ભ્રમિત કરવામાં આવી રહ્યા છે. ૨૦૨૪ની ચૂંટણીઓ બાદ એનસીપી પક્ષ અને એના નેતાઓ દેખાશે નહીં.’

