કેક કાપીને સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું એટલું જ નહીં, ઘણા પ્રવાસીઓએ ટ્રેનની યાદ, બર્થ-ડેની ઉજવણી જળવાઈ રહે એ માટે ટ્રૅક પર ઊભા રહી એના એન્જિન સાથે સેલ્ફી પણ લીધો હતો.
ડેક્કન ક્વીનનાં ૯૫ વર્ષ પ્રવાસીઓ દ્વારા જોરદાર ઉજવણી
મુંબઈ અને પુણે વચ્ચે દોડતી ડેક્કન ક્વીનને ગઈ કાલે ૯૫ વર્ષ પૂરાં થયાં હતાં. પ્રવાસીઓમાં ભારે લોકપ્રિય એવી ડેક્કન ક્વીન (દખ્ખન કી રાની)ના રેગ્યુલર પ્રવાસીઓ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને પુણે એમ બન્ને જગ્યાએ એની ઉજવણી કરવામાં આવી હતી. ટ્રેનને હારતોરા અને ફૂલોથી સજાવવામાં આવી હતી. કેક કાપીને સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું એટલું જ નહીં, ઘણા પ્રવાસીઓએ ટ્રેનની યાદ, બર્થ-ડેની ઉજવણી જળવાઈ રહે એ માટે ટ્રૅક પર ઊભા રહી એના એન્જિન સાથે સેલ્ફી પણ લીધો હતો.
ડેક્કન ક્વીન ૧૯૩૦માં શરૂ કરવામાં આવી ત્યારે એ ભારતની પહેલી ડીલક્સ ટ્રેન હતી. ગ્રેટ ઇન્ડિયન પેનિનસુલા રેલવે (GIPR) દ્વારા શરૂ કરાયેલી ટ્રેનમાં સમયાંતરે અનેક બદલાવ આવતા ગયા. પહેલાં એમાં સાત જ ડબ્બા હતા જેને ચોક્કસ રંગ કરવામાં આવતો હતો. ૨૦૨૧માં પ્રવાસીઓને ડુંગર અને ખીણો સરળતાપૂર્વક જોવા મળે એ માટે એમાં વિસ્ટાડોમ કોચ જોડવામાં આવ્યો હતો. જૂન ૨૦૨૨માં એના પરંપરાગત કોચ બદલીને એમાં લેટેસ્ટ લિન્ક-હૉફમન-બૉશ (LHB) કોચ જોડવામાં આવ્યા. આ લેટેસ્ટ કોચ એના હળવા વજન, વધુ સ્પીડ પર દોડાવી શકાય એવી કૅપેસિટી અને વધુ સુરક્ષાના ઉપાયો સાથે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યા હતા. આ ટ્રેનના નામે બીજા પણ કેટલાક રેકૉર્ડ્સ છે જેમાં આ પહેલી ટ્રેન હતી જેમાં રોલર બેરિંગ કોચ વાપરવામાં આવ્યા અને ફર્સ્ટ ક્લાસ અને સેકન્ડ ક્લાસ ચૅર-કાર શરૂ કરવામાં આવી. ડેક્કન ક્વીન રોજ દોડનારી એકમાત્ર ટ્રેન છે જેમાં ડાઇનિંગ કારની સુવિધા છે અને ટેબલ સર્વિસ મળે છે. તસવીરો : અતુલ કાંબળે


