Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હોટેલમાંથી મગાવેલા ભોજનમાંથી નીકળ્યો મરેલો ઉંદર

હોટેલમાંથી મગાવેલા ભોજનમાંથી નીકળ્યો મરેલો ઉંદર

Published : 13 November, 2026 11:15 AM | IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

ઘાટકોપરની શૉ‌કિંગ ઘટના : ‌બિગ ફૅટ મંક નામની રેસ્ટોરાંમાંથી મગાવેલા ફૂડે ભાઈબીજની ઉજવણી માટે ભેગા થયેલા પ‌રિવારની મજા બગાડી : પોલીસમાં ફ‌રિયાદ અને FDAને પણ રજૂઆત કરવામાં આવી

ઘાટકોપરના જિગર પડછને પાર્સલમાં આવેલો મરેલો ઉંદર અને આ બાબતની FDAને કરેલી ફરિયાદની કૉપી.

ઘાટકોપરના જિગર પડછને પાર્સલમાં આવેલો મરેલો ઉંદર અને આ બાબતની FDAને કરેલી ફરિયાદની કૉપી.


ભાઈબીજના પ્રસંગે પરિવારના સભ્યો સાથે ભેગા મળીને ભોજન કરવાની ખુશી એક ગંભીર અને ચોંકાવનારી ઘટનાને કારણે ભયમાં ફેરવાઈ ગઈ હતી. ઘાટકોપર (ઈસ્ટ)માં આવેલી બિગ ફૅટ મંક રેસ્ટોરાંમાંથી સ્વિગી મારફત મગાવવામાં આવેલા ભોજનની ગ્રેવીમાંથી મરેલો ઉંદર મળી આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ભાઈબીજના દિવસે બનેલી આ ઘટનાને પગલે પરિવારના સભ્યોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. આ મામલે પંતનગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‍‌મિનિસ્ટ્રેશન (FDA)ને પણ લેખિત ફરિયાદ કરવામાં આવી છે.

આ બાબતની માહિતી આપતાં ફરિયાદી જિગર પડછે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બુધવાર ૧૧ નવેમ્બરે ભાઈબીજ નિમિત્તે મારા ઘરે પરિવારના સભ્યો એકત્ર થયા હતા. સાંજે આશરે ૬.૩૦થી ૬.૪૦ વાગ્યાની વચ્ચે તેમણે સ્વિગી મારફત ૪ અલગ-અલગ રેસ્ટોરાંમાંથી ભોજનનો ઑર્ડર આપ્યો હતો. એમાં ઘાટકોપર (ઈસ્ટ)ની બિગ ફૅટ મંક રેસ્ટોરાંમાંથી ત્રણ ગ્રીન થાઈ કરી રાઇસ, બે ઓરિયેન્ટલ પૉટ રાઇસ અને એક સૂપ મગાવવામાં આવ્યાં હતાં. અલગ-અલગ ઑર્ડરના પાર્સલ સાંજે ૭.૩૦થી ૮.૧૫ વાગ્યાની વચ્ચે મારા ઘરે આવ્યાં હતાં.’ 



પરિવારના તમામ સભ્યો એકત્ર થયા બાદ રાતના આશરે ૮.૪૫થી ૮.૫૦ વાગ્યાની વચ્ચે ભોજન શરૂ કરવામાં આવ્યું હતું એમ જણાવતાં જિગર પડછે કહ્યું હતું કે ‘પહેલાં એક પોર્શન ભોજન પૂર્ણ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ બીજા પોર્શન માટે ગ્રેવી અને શાકભાજી સર્વ કરતી વખતે બૉક્સમાંથી એક વસ્તુ બહાર આવી હતી. શરૂઆતમાં એને મરચું સમજીને ધ્યાન આપવામાં આવ્યું નહોતું, પરંતુ નજીકથી જોતાં એ મરેલો ઉંદર હોવાનું જણાયું હતું. આ દૃશ્ય જોઈને પરિવારના સભ્યોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘરે હાજર બાળકો સહિત પરિવારના બધા સભ્યોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. દૂષિત ખોરાક ખાઈ લીધો હોવાની આશંકાને કારણે કેટલાક સભ્યોને ઊલટી પણ થઈ હતી. ત્યાર બાદ તરત જ રેસ્ટોરાંનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ રેસ્ટોરાં તરફથી આ મુદ્દે સંતોષકારક જવાબ મળ્યો નહોતો.’


જિગરનો પરિવાર ત્યાર પછી તહેવારની ઉજવણી ભૂલીને ફરિયાદ કરવા પંતનગર પોલીસ-સ્ટેશન પહોંચ્યો હતો. આ બાબતમાં જિગરે કહ્યું હતું કે ‘શરૂઆતમાં પોલીસે આ મામલો FDAના કાર્યક્ષેત્રમાં આવતો હોવાનું જણાવીને બીજા દિવસે બાંદરાની સંબંધિત ઑ‌ફિસમાં ફરિયાદ કરવાની સલાહ આપી હતી. જોકે ત્યાર બાદ પોલીસ તરફથી ફરી સંપર્ક કરવામાં આવતાં પરિવારે પોલીસ-ફરિયાદ નોંધાવી હતી. આ બધી પ્રક્રિયામાં અમને પોલીસ-સ્ટેશનમાં મધરાતના આશરે ૨.૩૦ વાગ્યા હતા.’ 
પંતનગર પોલીસ-સ્ટેશનનાં સિનિયર ઇન્સ્પેક્ટર લતા સુતારે પોલીસ-કાર્યવાહીની માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે અમે જિગરની ફરિયાદ પરથી સંબંધિત રેસ્ટોરાં અને સ્વિગીની સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.  

આ ઘટનાને પગલે જિગર પડછે મહારાષ્ટ્ર FDAના ફરિયાદ-અધિકારીને ૧૧ નવેમ્બરની રાતના ૧૧.૫૪ વાગ્યે ઈ-મેઇલ મોકલીને લેખિત રજૂઆત કરી છે જેમાં તેણે બિગ ફૅટ મંક રેસ્ટોરાં સામે ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના મુદ્દે તાત્કાલિક તપાસ કરવાની માગણી કરી છે. આ ઉપરાંત FDAના ઑનલાઇન પોર્ટલ પર પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે. 


રેસ્ટોરાં શું કહે છે?
આ બાબતમાં ‌જિગર પડછ સાથે બનેલી ઘટનાની સ્પષ્ટતા કરવા ‘મિડ-ડે’એ ગઈ કાલે ઘાટકોપર (ઈસ્ટ)ની બિગ ફૅટ મંક રેસ્ટોરાંનો સંપર્ક કર્યો હતો. ત્યાંના હાજર રહેલા પ્રતિનિધિએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને ગઈ કાલે જ આ બાબતની ફરિયાદ મળી હતી. સામાન્ય રીતે તો અમારા ત્યાં આ પ્રકારનો બનાવ બને નહીં. આમ છતાં અમે આજે આ મુદ્દે અમારા કુક અને એરિયા મૅનેજર સાથે વાતચીત કરીને સ્પષ્ટતા આપી શકીશું.’

કુછ લે દે કેથી મામલો પતાવવાનો પ્રયાસ થયાનો આક્ષેપ
જિગરે આ સંદર્ભમાં વધુ માહિતી આપતાં કહ્યું હતું કે ‘અમે રેસ્ટોરાંમાં ફોન કર્યો હતો પણ કોઈ જવાબદાર વ્યક્તિ ફોન પર આવી નહોતી. એને બદલે મારી સાથે રેસ્ટોરાંના પ્રતિનિધિએ વાતચીત કરી હતી. જોકે મારી ફરિયાદ પર સકારાત્મક યોગ્ય પ્રતિસાદ મળવાને બદલે અલગ-અલગ બહાનાં આપવામાં આવ્યાં હતાં એટલું જ નહીં, પોલીસ-ફરિયાદ ન કરવા અને મામલો ‘કુછ લે દે કે’થી પતાવી દેવા માટે પણ કહેવામાં આવ્યું હતું. જોકે અમે તેની વાત સ્વીકારી નહોતી અને કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો હતો.’

રેસ્ટોરાં હજી ઑનલાઇન ઑર્ડર સ્વીકારી રહી હોવાનો દાવો
જિગર તરફથી તેની સાથે બનેલી આ ઘટના પછી વધુ એક ગંભીર મુદ્દો ઉઠાવતાં જણાવ્યું હતું કે ‘આટલી ગંભીર ઘટના સામે આવ્યા પછી પણ રેસ્ટોરાં ઝોમાટો અને સ્વિગી જેવા ઑનલાઇન પ્લૅટફૉર્મ પર ઑર્ડર સ્વીકારી રહી છે. મેં ફરિયાદ નોંધાવ્યા બાદ પણ રેસ્ટોરાંના ફ્રૅન્ચાઇઝી માલિક કે જવાબદાર વ્યક્તિ તરફથી પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો નથી.’

Whatsapp-channel Whatsapp-channel

13 November, 2026 11:15 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK