પહેલું મેડ ઇન ઇન્ડિયા ફાલ્કન 2000 જેટ ૨૦૨૮ સુધીમાં ઉડાન ભરશે, વર્ષમાં ૨૪ બનશે
અનિલ અંબાણી
ભારતની ઍરોસ્પેસ મૅન્યુફૅક્ચરિંગ ઇકોસિસ્ટમને ટૂંક સમયમાં નવો વેગ મળે એ દિશામાં લશ્કરી વિમાન અને બિઝનેસ જેટ બનાવતી ફ્રેન્ચ કંપની દસૉલ્ટ એવિયેશન ભારતમાં એનાં સૌથી વધુ વેચાતાં બિઝનેસ એક્ઝિક્યુટિવ જેટ ફાલ્કન 2000નું ઉત્પાદન કરવા જઈ રહી છે. આ જેટનું ઉત્પાદન નાગપુરમાં અનિલ અંબાણીના નેતૃત્વ હેઠળના રિલાયન્સ ગ્રુપની કંપની રિલાયન્સ ઍરોસ્ટ્રક્ચર લિમિટેડ સાથે ભાગીદારીમાં કરવામાં આવશે. ૧૮ જૂને પૅરિસ ઍર શોમાં બન્ને કંપનીઓએ વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી હતી. ભારતમાં બનેલું ફાલ્કન 2000 જેટ ૨૦૨૮ સુધીમાં તૈયાર થઈ જશે. ભારત હવે અમેરિકા, ફ્રાન્સ, કૅનેડા અને બ્રાઝિલ સાથે દેશોના એવા વિશિષ્ટ જૂથમાં જોડાયું છે જે વૈશ્વિક બજારો માટે બિઝનેસ જેટનું ઉત્પાદન કરે છે.
સંયુક્ત નિવેદનમાં ફાલ્કન 2000ની ઉત્પાદનસુવિધાની ક્ષમતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, પરંતુ મીડિયાના અહેવાલો અનુસાર આ ક્ષમતા દર વર્ષે ૨૪ વિમાનો સુધીની હોઈ શકે છે. હાલમાં વિશ્વના ૯૦ દેશોમાં 2000 ફાલ્કન ફૅમિલી જેટ કાર્યરત છે.
ADVERTISEMENT
આ વ્યૂહાત્મક ભાગીદારી વિશે દસૉલ્ટ એવિયેશનના ચૅરમૅન અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર એરિક ટ્રેપિયરે જણાવ્યું હતું કે ‘આ કરાર ફ્રેન્ચ કંપનીની મેક ઇન ઇન્ડિયા પ્રતિબદ્ધતાઓને પ્રતિબિંબિત કરે છે. ભારતમાં ફાલ્કન 2000નું ઉત્પાદન કરવું એ અમારી સપ્લાય-ચેઇનને મજબૂત કરવા માટે એક મોટું પગલું છે. એ મેક ઇન ઇન્ડિયાને સપોર્ટ કરે છે અને ભારતને વૈશ્વિક ઍરોસ્પેસ હબ બનાવશે.’
અનિલ ધીરુભાઈ અંબાણી રિલાયન્સ ગ્રુપના સ્થાપક ચૅરમૅન અનિલ અંબાણીએ કહ્યું હતું કે આ ભાગીદારી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા ફૉર ધ વર્લ્ડ વિઝનનો મજબૂત પુરાવો છે.
ફાલ્કન 2000 જેટ શું છે?
આ દસૉલ્ટ એવિયેશન દ્વારા ઉત્પાદિત એક ઉચ્ચ કક્ષાનું બિઝનેસ જેટ છે. આ જેટ એની લક્ઝરી, ગતિ અને લાંબી રેન્જ માટે પ્રખ્યાત છે. એ લગભગ ૬૦૦૦ કિલોમીટર સુધી નૉન-સ્ટૉપ ઊડી શકે છે. એનો ઉપયોગ કેટલાક દેશોના મોટા ઉદ્યોગપતિઓ, સેલિબ્રિટીઓ અને સૈન્ય દ્વારા કરવામાં આવે છે. એની કિંમત લગભગ ૩૫ કરોડ રૂપિયા છે.

