દર્શન સોલંકીના પિતાએ આઇઆઇટીની ઇન્ટર્નલ કમિટીનો રિપોર્ટ જુઠ્ઠો અને પક્ષપાતી ગણાવીને કરી માગ

દર્શન સોલંકી
આઇઆઇટી-બૉમ્બેના વિદ્યાર્થી દર્શન સોલંકીના શંકાસ્પદ અપમૃત્યુ બાદ આઇઆઇટીએ ઇન્ટર્નલ કમિટી બનાવીને એ ઘટનાની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. એ કમિટીએ એના રિપોર્ટમાં કહ્યું હતું કે દર્શન ભણવામાં નબળો હતો, તેને અંગ્રેજી સમજાતું નહોતું અને એથી તેણે હતાશામાં આવી જઈને સુસાઇડ કરી લીધું હતું અને આઇઆઇટીમાં કોઈ જ કાસ્ટ ડિસ્ક્રિમિનેશન (જાતિગત ભેદભાવ) કરરવામાં આવતો નથી. જોકે દર્શનના પરિવારે ઇન્ટર્નલ કમિટીના એ રિપોર્ટને સદંતર જુઠ્ઠો ગણાવ્યો છે. હવે દર્શનના પિતા રમેશ સોલંકીએ આ બાબતે આઇઆઇટીને પત્ર લખીને એ રિપોર્ટ જુઠ્ઠો હોવાનો આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં, એ રિપોર્ટને અમાનવીય ગણાવ્યો છે અને એ બાબતની તપાસ સંસ્થાની બહારની રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારની કમિટી દ્વારા કરાવવાની વિનંતી કરી છે.
રમેશ સોલંકીએ પત્રમાં લખ્યું છે કે ‘દર્શનના મૃત્યુ બાદ આઇઆઇટી દ્વારા મિસ્ટર નંદકિશોરના વડપણ હેઠળ કમિટી બનાવવામાં આવી હતી એટલે મને આશા બંધાઈ હતી કે સંસ્થાના ઍડ્મિનિસ્ટ્રેશન દ્વારા દર્શનને ન્યાય મળી શકશે. જોકે ઇન્ટર્નલ કમિટીના રિપોર્ટે અમને નિરાશ કર્યા છે. એટલું જ નહીં, દર્શનને ન્યાય મળશે એવી જે આશા રાખી હતી એ ચકનાચૂર થઈ ગઈ છે. હું આ રિપોર્ટને પૂર્ણપણે ફગાવી દઉં છું. આ રિપોર્ટ ખોટો છે. એટલું જ નહીં, અમાનવીય છે. અમને એવું લાગી રહ્યું છે કે આઇઆઇટી-બૉમ્બેએ ઇન્ટર્નલ કમિટીનો જુઠ્ઠો, પક્ષપાતી રિપોર્ટ આપીને અમને ન્યાય આપવાનું ટાળ્યું છે. એથી અમે બે હાથ જોડી વિનંતી કરીએ છીએ કે દર્શનના અપમૃત્યુની તપાસ બહારની કોઈ રાજ્ય સ્તરની કે કેન્દ્ર સ્તરની કમિટી દ્વારા કરાય.’