Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈને લેવલ-૩માં રાખવા ઑક્સિજન બૅડની ઑક્યુપન્સીના આંકડા સાથે છેડછાડ ન થવી જોઈએ

મુંબઈને લેવલ-૩માં રાખવા ઑક્સિજન બૅડની ઑક્યુપન્સીના આંકડા સાથે છેડછાડ ન થવી જોઈએ

15 June, 2021 08:26 AM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

આવી વિનંતી વેપારીઓના અસોસિએશને રાજ્યના મુખ્ય પ્રધાનને પત્ર લખીને કરી. તેમનું કહેવું છે આખો મહિનો રાહ જોવાને બદલે હવે મુંબઈને ધીમે-ધીમે ખોલી નાખવું જોઈએ

ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરે


મહારાષ્ટ્ર સરકાર તરફથી ગયા ગુરુવારે મુંબઈના કોવિડના આંકડા અને ઑક્સિજન બેડની પરિસ્થિતિ લેવલ-૨ મુજબ હોવા છતાં મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇકબાલ સિંહ ચહલે મુંબઈને હજી એક મહિના સુધી લેવલ-થ્રીમાં રાખવાનો નિર્ણય લીધો હતો જેનાથી વેપારીવર્ગ ધૂંધવાયેલો છે. ગઈ કાલે મુંબઈ અને મહારાષ્ટ્રના ટ્રેડર્સ તેમ જ ઇન્ડસ્ટ્રીની ઍપેક્સ બૉડી ચેમ્બર ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રી ઍન્ડ ટ્રેડ (કૅમિટ) તરફથી મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે અને મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇકબાલ સિંહ ચહલને લખેલા પત્રમાં કહ્યું છે કે સરકાર અને મહાનગરપાલિકા એક વાતનું ખૂબ જ ધ્યાન રાખે કે કોઈ પણ રીતે પ્રશાસન બ્રાઉની પૉઇન્ટ મેળવવા માટે પૉઝિટિવ રેટ અને ઑક્સિજન બેડના આંકડામાં કોઈ રમત ન રમે.  

આ બાબતની માહિતી આપતાં કૅમિટના સેક્રેટરી મિતેષ મોદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સરકારના આદેશ પછી પણ સરકારે દરેક જિલ્લાને વિશેષ સત્તા આપી હોવાથી મહાનગરપાલિકાના કમિશનરે મુંબઈ અને ઉપનગરોને લેવલ-થ્રીમાં રાખવાનો જે આદેશ આપ્યો છે એ વાસ્તવિકતાથી વિપરીત છે. દુકાનોને લીધે કોવિડ આઉટ ઑફ કન્ટ્રોલ થતો જ નથી, પરંતુ અત્યારે દુકાનોને ટાર્ગેટ બનાવીને એના સમયમાં નિયંત્રણ રાખવામાં આવ્યું છે. એને બદલે મહાનગરપાલિકાએ રોડસાઇડમાં બેસતા ફેરિયાઓ જેમને લીધે ભીડ થવાની આશંકા છે તેમનું જે મહાનગરપાલિકાની સ્કૂલો બંધ છે અને જે ગ્રાઉન્ડો ખાલી પડેલાં છે એમાં સ્થળાંતર કરવાની જરૂર છે. આ ફેરિયાઓ કોવિડના નિયમો કડક રીતે પાળે એના પર દેખરેખ રાખવાની જરૂર છે. એમ કરવાને બદલે મહાનગરપાલિકા કોવિડનો પૉઝિટિવ રેટ સુધરી ગયા પછી પણ મુંબઈને રિલીફ આપવા તૈયાર નથી જે આશ્ચર્યજનક છે. સુધરાઈએ જે કારણો દર્શાવ્યાં છે એ મગજમાં ફિટ બેસતાં નથી. મહાનગરપાલિકાએ સંક્રમણ થવાનાં મૂળિયાં કાપવા નથી. એને બદલે પ્રજાને હેરાન કરવી છે, દુકાનદારોને અન્યાય કરવો છે. અમે પણ કોરાનાની ગંભીરતાને સમજીએ છીએ. મહાનગરપાલિકા અત્યારે બંધારણની વિરુદ્ધમાં જઈ રહ્યું છે. મહાનગરપાલિકા એને મળેલી સત્તાનો દુરુપયોગ કરી રહ્યું છે.’ 




મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર ઇકબાલ સિંહ ચહલ.

જ્યાં સુધી મુંબઈ અને મહારાષ્ટ્રની કોવિડની પરિસ્થિતિ ગંભીર હતી ત્યારે વેપારીઓ સરકાર અને મહાનગરપાલિકાની સાથે જ હતા એમ જણાવતાં કૅમિટના અધ્યક્ષ દીપેન અગ્રવાલે કહ્યું હતું કે ‘સત્તાવાર આંકડા દર્શાવે છે કે પૉઝિટિવ રેટ અને ઑક્સિજન બેડની પરિસ્થિતિ અત્યારે મુંબઈમાં સારામાં સારી છે. એવા સમયે હવે ૬૦૦-૭૦૦ કેસમાંથી આંકડો ૧૦૦ સુધી પહોંચે ત્યાં સુધી મહાનગરપાલિકા રાહ જોવા ઇચ્છે છે એ મહાનગરપાલિકાના આશય સામે શંકા જન્માવે છે. માપદંડ પાંચ લેવલનો સરકારે જ બનાવ્યો છે. આજે મુંબઈ એ માપદંડની અંદર ફિટ બેસી રહ્યું છે ત્યારે એને ધીરે-ધીરે ખોલી નાખવાની જરૂર છે. એને બદલે વૉચ ઍન્ડ વેઇટની વાત કરવી અયોગ્ય છે. કોને ખબર છે ક્યારે કઈ પરિસ્થિતિ સર્જાશે? જેમ-જેમ પરિસ્થિતિ સુધરી રહી છે તેમ-તેમ મુંબઈને દોડતું કરવાની જરૂર છે. સરકારને અમારી એક વિનંતી છે કે મહાનગરપાલિકાએ મનસ્વી કાયદાઓ અને નિયમો ઘડવા માટે પૉઝિટિવ રેટ અને ઑક્સિજન બેડના આંકડામાં કોઈ રમત ન રમવી જોઈએ. આ વિનંતી કરવા પાછળનું એકમાત્ર કારણ એ છે કે અનેક વાર લોકચર્ચામાં કે અન્ય રીતે એવી શંકાની જાણકારી મળી છે કે કોવિડના ટેસ્ટિંગના, ડેથના આંકડા અને અન્ય આંકડાઓમાં આજે પણ રમત રમાઈ રહી છે. આનું સત્ય પ્રશાસન સિવાય કોઈ જ જાણતું નથી. એ જાણવા માટે આમજનતા પાસે એવી કોઈ જ મશીનરી નથી કે તે આંકડાના સત્યને જાણી શકે. આમજનતા તો સરકારના ભરોસે જ જીવી રહી છે.’


સુધરાઈનું શું કહેવું છે?
બીએમસીના ઍડિશનલ કમિશનર (હેલ્થ) સુરેશ કાકાણીએ વેપારીઓના આરોપમાં જવાબ આપવાનું ટાળતાં ‘મિડ-ડે’ને ફક્ત એટલું જ કહ્યું હતું કે ‘જાણી જોઈને આંકડો ઊંચો રાખીશું તો લોકો એમ જ કહેશે કે સુધરાઈ નિષ્ફળ ગઈ છે. તો કઈ મહાનગરપાલિકા સામે ચાલીને આવું કરશે? લોકોએ આરોપ કરતાં પહેલાં થોડું વિચારવું જોઈએ.’

Whatsapp-channel Whatsapp-channel

15 June, 2021 08:26 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK