મેટ્રો-9ની કન્સ્ટ્રક્શન-સાઇટ પર સુપરવાઇઝરના મૃત્યુ માટે કૉન્ટ્રૅક્ટરને ૫૦ લાખ અને કન્સલ્ટન્ટને પાંચ લાખ રૂપિયાનો દંડ
મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)
દહિસર-ઈસ્ટથી મીરા-ભાઈંદર વચ્ચે શરૂ થનારી મેટ્રો-9ના બાંધકામનું નિરીક્ષણ કરી રહેલા સુપરવાઇઝરે ૬૫ ફુટની ઊંચાઈએથી નીચે પટકાતાં જીવ ગુમાવ્યો હતો. મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ આ કામ માટે નિયુક્ત કરેલા કૉન્ટ્રૅક્ટર અને કન્સલ્ટન્ટને અનુક્રમે ૫૦ લાખ અને પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
સાંઈબાબા નગર મેટ્રો સ્ટેશનના બાંધકામનું સુપરવિઝન કરી રહેલા ફરહાન અહેમદનું બૅલૅન્સ જતાં તેઓ ૬૫ ફુટની ઊંચાઈએથી પડ્યા હતા. થોડી વારમાં જ ત્યાં ભીડ એકઠી થઈ ગઈ અને તેમને નજીકની હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. એ પછી ત્યાંથી તેમને ભાઈંદરની સરકારી હૉસ્પિટલમાં શિફ્ટ કર્યા હતા, પણ ત્યાં પહોંચ્યા પછી ડૉક્ટરોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.
અત્યારે મીરા રોડ પોલીસે અકસ્માત મૃત્યુનો કેસ નોંધ્યો છે. MMRDA દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. એમાં કૉન્ટ્રૅક્ટરો, ગજાનન કન્સ્ટ્રક્શન અને NA કન્સ્ટ્રક્શન દ્વારા સુરક્ષાત્મક પગલાં લેવામાં ખામી રહી ગઈ હોવાનું જણાયું હતું. મેટ્રો-9 લાઇનના કામ દરમ્યાન અકસ્માતની આ ત્રીજી ઘટના છે. અગાઉ મેટ્રો બ્રિજના કામ દરમ્યાન ઉપરથી લોખંડનો સળિયો પડતાં નીચે રિક્ષામાં જઈ રહેલા એક પ્રવાસીના માથામાંથી સળિયો આરપાર ઘૂસી ગયો હતો અને તે ગંભીર રીતે ઘાયલ થયો હતો.


