° °

આજનું ઇ-પેપર
Saturday, 13 August, 2022


રક્ષાબંધનમાં મુરતની મોકાણ

05 August, 2022 08:57 AM IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

રાખડી બાંધવાનું મુરત ૧૧ ઑગસ્ટે છે કે ૧૨મીએ એના વિષે મૂંઝવણ છે ત્યારે જ્યોતિષીનું કહેવું છે કે આ તો ભાઈ-બહેનના મન અને હૃદય, પ્રેમ અને લાગણીનો તહેવાર છે એટલે એમાં મુરત જોવાની જરૂર રહેતી નથી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

હિન્દુ ધર્મમાં રક્ષાબંધનનો તહેવાર પ્રાચીનકાળથી શ્રાવણ સુદ પૂનમના દિવસે ઊજવાય છે. જોકે આ રક્ષાબંધનમાં બહેનો માટે ભાઈને ગુરુવાર, ૧૧ ઑગસ્ટે શ્રાવણ સુદ ૧૪ના દિવસે રાખડી બાંધવી કે શુક્રવાર, ૧૨ ઑગસ્ટે શ્રાવણ સુદ પૂનમના દિવસે રાખડી બાંધવી અને કયા સમયે બાંધવી એ બાબતે અસમંજસની પરિસ્થિતિ નિર્માણ થઈ છે. આવા સમયે એક જ્યોતિષાચાર્યનું કહેવું છે કે ભાઈ-બહેનનો સમય પ્રેમ અને લાગણીના તાંતણે બંધાયેલો છે અને આ સંબંધમાં દિવસ અને મુરત કરતાં પણ તક વધારે મહત્ત્વની હોય છે. બીજા એક જ્યોતિષાચાર્ય કહેવું છે કે હંમેશાં પર્વમાં નક્ષત્ર વધારે મહત્વ્નનું હોય છે. જોકે આ બંને જ્યોતિષાચાર્યોની દૃષ્ટિએ આ વખતે બહેનો ભાઈને ગુરુવાર, ૧૧ ઑગસ્ટે શ્રાવણ સુદ ૧૪ના દિવસે રાખડી બાંધે એ જ શુભ અને ઉત્તમ રહેશે. ચૌદશના દિવસે રક્ષાબંધન આવતી હોવાથી જૈન બહેનો માટે આ દિવસે ઘણી મૂંઝવણો ઊભી થાય છે. જોકે જૈનાચાર્યો કહે છે કે પહેલાં તો જૈન ધર્મમાં રક્ષાબંધનનું પર્વ છે જ નહીં. આમ છતાં જે બહેનો એની ઉજવણી કરે છે તેમણે હિન્દુ પંચાંગને લક્ષમાં રાખીને તેમની અનુકૂળતા પ્રમાણે આ તહેવારની ઉજવણી કરવાની રહેશે.

હિન્દુ પંચાંગ પ્રમાણે રક્ષાબંધન માટેનો ઉત્તમ સમયે રાતના ૮.૫૩ વાગ્યે બતાવે છે એમ જણાવતાં બોરીવલીના જિતેન હરિહર દવે (મહેસાણાવાળા)એ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આમ તો ગુરુવાર, ૧૧ ઑગસ્ટે રક્ષાબંધનની આખો દિવસ ઉજવણી કરી શકાય. બહેન ભાઈને ગમે ત્યારે હાથમાં રાખડી બાંધી શકે છે. શ્રાવણ સુદ ૧૪ના દિવસે ભદ્રા દોષ બતાવવામાં આવ્યો છે, પરંતુ રક્ષાબંધન સાંસ્કૃતિક પર્વ છે. એની પાછળ ઘણીબધી પૌરાણિક વાર્તાઓ છે. આ વાર્તાઓ પ્રમાણે ભૂતકાળમાં બહેનોને જે તક મળી હોય એ સમયે ભાઈને રાખડી બાંધી હોવાનું દર્શાવાય છે. આ સાંસ્કૃતિક પર્વ છે. શ્રાવણ સુદ પૂનમે આપણે એની ઉજવણી કરીએ છીએ. જો બહેનો મુરત જોવા જાય તો તેમના માટે એ સમયે અનુકૂળતા હોવી પણ એટલી જ મહત્ત્વની વાત હોય છે. બહેન માટે મુરત પ્રમાણે ભાઈને રાખડી બાંધવી અને મુરતને સાચવવું ક્યારેક શક્ય બનતું નથી. ઘણા વખતથી ભદ્રા દોષની વાત આવે છે. એ પ્રમાણે બહેને રાતના ભાઈને રાખડી બાંધવા જવું પડે જે ક્યારેક અશક્ય બની જાય છે. આથી બહેનોએ રક્ષાબંધન માટે આખો દિવસ શુભ અને ઉત્તમ છે એમ સમજીને જ ભાઈને રાખડી બાંધવા જવાનું રહેશે. બહેન ભાઈને રાખડી બાંધવા જાય તો તે મુરત કેવી રીતે સાચવી શકે? આ તહેવાર તો ભાઈ-બહેનના મન અને હૃદય, પ્રેમ અને લાગણીનો તહેવાર છે. આમાં મુરત જોવાની કોઈ જરૂર રહેતી નથી. મુરત તર્ક અને શાસ્ત્ર બંનેની વાત છે. ધર્મ હોય તો શાસ્ત્રની વાત આવે, પણ પર્વની ઉજવણીમાં શાસ્ત્રને પકડી રાખવાની જરૂર રહેતી નથી. ભદ્રા દોષને કોઈ ધાર્મિક કાર્યો માટે મહત્ત્વ આપી શકાય. રાખડી બાંધવા માટે ૧૧ ઑગસ્ટનો આખો દિવસ શુભ છે. આમાં બહેનોએ કોઈ મુરત જોવાની મારા મત પ્રમાણે જરૂર રહેતી નથી.’

આ મુદ્દે સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલા એક મેસેજ પ્રમાણે આ વર્ષે રક્ષાબંધન ગુરુવાર, ૧૧ ઑગસ્ટે શ્રાવણ સુદ ૧૪ના દિવસે છે. ચૌદશ સવારે ૧૦.૪૦ વાગ્યા સુધી છે. ત્યાર પછી શ્રાવણ સુદ પૂનમ શરૂ થાય છે. પૂનમ શુક્રવારે સવારના ૭.૦૬ વાગ્યા સુધી જ છે. ત્યાર બાદ એકમનો ક્ષય છે. આ સંજોગામાં બહેનો માટે રાખડી બાંધવા ગુરુવાર, ૧૧ ઑગસ્ટ ઉત્તમ રહેશે. રાખડી બાંધવામાં અને જનોઈ નવી ધારણ કરવામાં વિષ્ટકરણનો દોષ લાગતો હોય છે. જોકે આ ગુરુવારે શ્રાવણ સુદ ૧૪ના દિવસે મકર રાશિમાં ચંદ્રમાં વિષ્ટકરણ છે. આથી વિષ્ટકરણ એટલે કે ભદ્ર પાતાળમાં છે જેને લીધે એ દોષકારક રહેતો નથી. આથી ૧૧ ઑગસ્ટના દિવસે સવારે ૧૦.૩૯ વાગ્યાથી પૂનમ હોવાથી રાખડી બાંધવી અને નવી જનોઈ એટલે કે યજ્ઞોપવીત ધારણ કરવી શુભ અને ઉત્તમ રહેશે.

રાખડી બાંધવાનાં શુભ મુરતો ચોઘડિયાં પ્રમાણે તથા શુભ સમય પ્રમાણે અભિજિત મુરત બપોરે ૧૨.૨૬થી ૧.૧૮, સવારે ચલ ૧૧.૧૫થી ૧૨.૫૨, બપોરે લાભ ૧૨.૫૨થી ૨.૨૯, અમૃત ૨.૨૯થી ૪.૦૬, સાંજે શુભ ૫.૪૩થી ૭.૨૦, પ્રદોષકાળ પ્રમાણે ૭.૨૧થી ૮.૪૯, રાત્રે અમૃત ૭.૨૦થી ૮.૪૩ અને ચલ ૮.૪૩થી ૧૦.૦૬ સુધી છે.

નક્ષત્ર સારું ગુરુવાર, ૧૧ ઑગસ્ટના દિવસે મળે છે એવી જાણકારી આપતાં ફાઇનૅન્શિયલ ઍસ્ટ્રોલૉજર અને પ્રાચ્ય વિદ્યા સંશોધક, દહિસરના જિતેન્દ્ર ‌િત્રવેદીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ વર્ષે રક્ષાબંધનના તહેવારની ગુરુવાર, ૧૧ ઑગસ્ટે ઉજવણી કરવી યોગ્ય છે. આ દિવસે બહેનો માટે સવારના ૧૦.૪૬થી બપોરના ૩.૧૬ વાગ્યા સુધીનો સમય ઉત્તમ છે. એકમનો ક્ષય છે તેમ જ નક્ષત્રના હિસાબે પૂનમ ગુરુવાર, શ્રાવણ સુદ ૧૪ની સવારે ૧૦.૪૦ વાગ્યાથી શરૂ થાય છે. આમ તો આ દિવસે સવારના કોઈએ વહેલું કરવું હોય તો ૬.૧૫થી ૬.૪૫ વાગ્યા વચ્ચેનો સમય શુભ છે. જોકે પૂનમ ૧૦.૪૦ વાગ્યાથી શરૂ થતી હોવાથી યોગ્ય સમય સવારના ૧૦.૪૦થી ૧૧.૧૬ વાગ્યા સુધીનો ઉત્તમ રહેશે.’

જૈન ધર્મમાં કે શાસ્ત્રમાં રક્ષાબંધનના પર્વને મહત્ત્વ આપવામાં આવ્યું ન હોવાથી આ પર્વની જૈન બહેનો હિન્દુ ધર્મના પંચાંગ પ્રમાણે જ ઉજવણી કરે છે એમ જણાવીને જૈન પંચાંગના પ્રણેતા અને અત્યારે બૅન્ગલોરમાં ચાતુર્માસ માટે બિરાજમાન જૈનાચાર્ય અરવિંદસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રક્ષાબંધન હિન્દુ ધર્મનું પર્વ છે. હિન્દુ ધર્મની માન્યતા મુજબ શ્રાવણ સુદ ૧૫ને નજર સમક્ષ રાખીને આ પર્વની ઉજવણીનો નિર્ણય કરાતો હોય છે. તેઓ જ નક્કી કરે છે કે આ વર્ષે રક્ષાબંધન શ્રાવણ સુદ ૧૪ના દિવસે કરવી કે શ્રાવણ સુદ ૧૫ના દિવસે કરવી. જૈન ધર્મ પ્રમાણે રક્ષાબંધનનું પર્વ ન હોવાથી જૈન બહેનોએ પણ કયા દિવસે રાખડી બાંધવી કે આ પર્વની ઉજવણી કરવી એ તેમણે હિન્દુ ધર્મ પ્રમાણે જ વિચારવું પડે. જૈન ધર્મનું પર્વ ન હોવાથી મુરત કે શુભ દિવસ જે હિન્દુઓ નક્કી કરે એને અનુસરવામાં આવતું હોય છે.’

નેમિસૂરિ સંપ્રદાયના નવગ્રહ આરાધના ધામ - ગોધરાપ્રેરક મુનિ ભુવનહર્ષવિજયજી મહારાજસાહેબે જૈન ધર્મને લક્ષમાં રાખીને રક્ષાબંધન વિશે વિસ્તૃત માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યંી હતું કે ‘જૈન ધર્મ આત્મલક્ષી - લોકોત્તર ધર્મ છે. રક્ષાબંધન લૌકિક સાંસ્કૃતિક પર્વ છે. જૈન ધર્મનું પંચાંગ મુખ્યત્વે આત્મલક્ષી આરાધનાઓને નજરમાં રાખીને તૈયાર કરવામાં આવે છે. દિવાળી લૌકિક પર્વ છે. એ જ દિવસે પ્રભુ મહાવીરનું નિર્વાણ કલ્યાણક હોય છે. દિવાળીના દિવસે જ્યારે પંચાંગમાં તિથિભેદ આવે ત્યારે ‘લોક કરે તે દિવાળી’ને અનુસરવામાં આવે છે. રક્ષાબંધન સાંસ્કૃતિક પર્વ હોવાથી લોકો જે દિવસે મનાવતા હોય એ દિવસ જ મનાવવી જોઈએ. જોકે જૈન પંચાંગ પ્રમાણે ચૌદશ આરાધનાની તિથિ છે. તપ ત્યાગનો દિવસ છે. તેથી જૈન શ્રાવિકાઓ (બહેનો) મૂંઝવણમાં મુકાઈ જાય છે. આ તહેવારના દિવસે શું કરવું? ક્યારે કરવું? તહેવારને કેવી રીતે ઊજવવો? આ સવાલો તેમના મનમાં ઘૂમરાય છે. જોકે ચુસ્ત જૈનધર્મી બહેનો કે ભાઈઓ તો આ પર્વને માનતાં જ નથી એટલે તેમનો સવાલ રહેતો નથી. રહી વાત આમ જૈન માનસની. વિદેશમાં કેટલીક જગાએ પર્વની આરાધના પણ અનુકૂળતા પ્રમાણે રવિવારે કે રજાના દિવસે કરાય છે. રક્ષાબંધન પણ ઘણી બહેનો પોતાની અનુકૂળતા પ્રમાણે પૂનમના આગળ-પાછળના દિવસોમાં કરતી હોય છે. તેથી આ કોઈ મોટો ટેન્શનનો કોઈ વિષય નથી. બહેનો તેમની અનુકૂળતા અને વિચારધારા પ્રમાણે આ તહેવારની ઉજવણી કરી શકે છે.’

05 August, 2022 08:57 AM IST | Mumbai | Rohit Parikh

અન્ય લેખો

મુંબઈ સમાચાર

આઉટિંગ ઍટ એની કૉસ્ટ

મોહરમ, રક્ષાબંધન, સ્વતંત્રતા દિવસ, જન્માષ્ટમીની રજાઓ અને એમાં શનિવાર અને રવિવારને કારણે લાંબું વેકેશન મળી ગયું હોવાથી લોકોના ફરવાના ક્રેઝમાં જબરો વધારો જોવા મળ્યો છે અને તેઓ ગમે એમ ફરવા જવા તૈયાર થયા છે ત્યારે મુંબઈના ટ્રાવેલિંગ એજન્ટોનું શું કહે છે?

12 August, 2022 11:04 IST | Mumbai | Rohit Parikh
મુંબઈ સમાચાર

વેપારીઓનો અમૃત મહોત્સવ છે આઝાદીને ચાર ચાંદ લગાવનારો

મુંબઈનાં બધાં જ વેપારી સંગઠનોએ એમાં જોડાઈને પોતપોતાની રીતે શું આયોજન કર્યું છે એની અને પોતાના દેશપ્રેમની જે વાતો ‘મિડ-ડે’ના સિનિયર રિપોર્ટર રોહિત પરીખ સાથે શૅર કરી છે

12 August, 2022 10:07 IST | Mumbai | Rohit Parikh
મુંબઈ સમાચાર

૨૫૦૦૦ વિઝિટર્સ, ૫૦૦૦ કરોડનું શૉપિંગ

આવો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો લૅબ ગ્રોન ડાયમન્ડ્સ ઍન્ડ જ્વેલરી ૨૦૨૨ને, જેમાં લૅબ ગ્રોન ડાયમન્ડ જ્વેલરીની રેકૉર્ડ ખરીદી થઈ

09 August, 2022 10:28 IST | Mumbai | Rohit Parikh

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK