રાતે તાળું ખોલીને કેન્દ્રના ઓટલા પર અનેક વાર અસામાજિક પ્રવૃત્તિઓ થતી હોવાની ફરિયાદ રહેવાસી કરી રહ્યા છે
હેલ્થ સેન્ટરની બહાર પાર્ટી કરતા બે લોકો.
થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)ની કળવા વૉર્ડ સમિતિ હેઠળ આવતા આનંદ વિહારના હેલ્થ સેન્ટરની બહાર મંગળવારે રાત્રે બે યુવાનો દારૂની પાર્ટી કરતા જોવા મળ્યા હતા. સ્થાનિક વિસ્તારના રહેવાસીઓ જાળવણીના અભાવે આ કેન્દ્રમાં આવી અસામાજિક પ્રવૃત્તિઓ અવારનવાર થતી હોવાની ફરિયાદો કરી રહ્યા છે. આ મામલે ગઈ કાલે આ દારૂ-પાર્ટીનો ફોટો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા બાદ તપાસ કરવામાં આવી હતી. પાર્ટી કરતા બન્ને આરોપીઓ સામે પોલીસ-ફરિયાદ પણ નોંધાવવામાં આવશે એવી જાણકારી TMCના અધિકારીઓએ આપી હતી.
TMCની કળવા વૉર્ડ સમિતિનાં વૉર્ડ ઑફિસર લલિતા જાધવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનાની જાણકારી અમારી સામે આવી હતી. હેલ્થ સેન્ટરની બહાર તાળું મારવામાં આવે છે. રાતના સમયે ત્યાં સિક્યૉરિટી ગાર્ડ રાખવો શક્ય નથી. હેલ્થ સેન્ટરના અધિકારીઓ સાંજે નીકળતી વખતે તાળું મારીને જતા હોય છે. આરોપીઓએ આ તાળું કઈ રીતે ખોલ્યું એની જાણકારી મેળવવામાં આવી રહી છે.’


