જણાવ્યું કે અમે કોર્ટના આદેશના પગલે સ્થળાંતર કર્યું છે અને મંદિર અને સ્વામીશ્રી સાથે આ વિવાદના ઉકેલ માટે ચર્ચા કરી રહ્યા છીએ
મહાદેવી માધુરી હાથણી
કોલ્હાપુર જિલ્લાના શિરોલ તાલુકામાં આવેલા નાંદણી જૈન મઠમાં ૧૯૯૨થી રહેતી ૩૬ વર્ષની હાથણી માધુરીને થોડા દિવસ પહેલાં અનંત અંબાણીના વન્યજીવ કેન્દ્ર વનતારામાં શિફ્ટ કરવામાં આવ્યા બાદ વિવાદ થયો છે. સ્થાનિક લોકો માધુરીને મહાદેવી કહે છે અને શ્રદ્ધાનું પ્રતીક માને છે. હાથણીને વનતારાથી પાછી જૈન મઠમાં લાવવામાં આવે એ માટે સ્થાનિક ગ્રામીણ લોકોએ રવિવારે લાંબી મૌન રૅલી કાઢીને વિરોધ કર્યો હતો અને ‘બૉયકૉટ જિયો’ કૅમ્પેન સાથે પ્રદર્શન શરૂ કર્યાં છે. જોકે પ્રાણીઓ માટે કામ કરતી સંસ્થા PETA ઇન્ડિયાએ કહ્યું હતું કે સ્વાસ્થ્યનાં કારણોને લીધે કોર્ટના આદેશ બાદ મહાદેવીને આઝાદી મળી છે. સૌથી પહેલાં PETA સંસ્થાએ જ માધુરી ઉર્ફે મહાદેવી હાથણીના સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ તરફ ધ્યાન દોર્યું હતું. માધુરીને રેસ્ટલેસનેસ, આર્થ્રાઇટિસ અને અચાનક આક્રમકતા આવતી હોવાની સમસ્યા હતી એટલે PETAએ જ બૉમ્બે હાઈ કોર્ટને હાથણીના સ્વાસ્થ્યની દેખભાળ માટે વનતારા મોકલવાની સિફારિશ કરી હતી. આ જ અપીલનો સુપ્રીમ કોર્ટ દ્વારા પણ સ્વીકાર કરવામાં આવ્યો હતો.
જોકે શ્રદ્ધાના પ્રતીક સમી હાથણી નાંદણી ગામથી જતાં શ્રદ્ધાળુઓની લાગણી દુભાઈ હતી અને તેમણે માધુરીને પાછી લાવવા માટે વિરોધ-પ્રદર્શનો શરૂ કર્યાં હતાં. આ બાબતે પહેલી વાર વનતારા તરફથી નિવેદન બહાર પાડવામાં આવ્યું છે.
ADVERTISEMENT
મહાદેવી માધુરીના સ્થાનાંતરણ સંદર્ભે વનતારાએ શું જવાબ આપ્યો?
વનતારાને પૂજનીય હાથી મહાદેવી માધુરીની આસપાસની લાગણીઓ અને આધ્યાત્મિક લગાવ પ્રત્યે ખૂબ આદર છે. તાજેતરમાં જૈન મઠ સ્વસ્તિશ્રી જિનસેન ભટ્ટાર્ક પટ્ટાચાર્ય મહાસ્વામી સંસ્થાન કોલ્હાપુરમાંથી એને જામનગર સ્થાનાંતરિત કરવામાં આવી છે. અમે સ્વીકારીએ છીએ કે ત્યાં એની હાજરી પ્રતીકાત્મક કરતાં વધુ હતી. એ ઘણા લોકો માટે પવિત્ર હતી.
અમે સ્પષ્ટ અને આદરપૂર્વક કહેવા માગીએ છીએ કે વનતારાએ ફક્ત માનનીય બૉમ્બે હાઈ કોર્ટના બંધનકર્તા આદેશોનું પાલન કરીને કાર્ય કર્યું હતું, જેને પાછળથી માનનીય સુપ્રીમ કોર્ટે સમર્થન આપ્યું હતું. અમે આ પગલાના આરંભકર્તા નહોતા, પરંતુ કોર્ટના નિર્ણયને અમલમાં મૂકવા અને એને સંભાળ પૂરી પાડવા માટે એનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
અમારો એકમાત્ર હેતુ માધુરીના સ્વાસ્થ્ય અને એની લાંબા ગાળાની દેખભાળના સંદર્ભમાં શ્રેષ્ઠ કાર્ય કરવાનો રહ્યો છે.
અમે જનતાના મજબૂત ભાવનાત્મક પ્રતિભાવને સંપૂર્ણપણે સમજીએ છીએ અને એની સાથે સહાનુભૂતિ ધરાવીએ છીએ. તેથી જ કરુણા અને એકતાની ભાવનામાં અમે જૈન મઠ અને આદરણીય સ્વામીજી સાથે સીધો સંવાદ શરૂ કર્યો છે. સાથે મળીને અમે કાનૂની અને પશુચિકિત્સા માર્ગદર્શન દ્વારા માધુરીના ભવિષ્ય માટે બધી શક્યતાઓ શોધી રહ્યા છીએ. એમાં એક શાંતિપૂર્ણ ઉકેલનો સમાવેશ થાય છે જે એના સુખાકારી અને સમુદાયની લાગણીઓ બન્નેને પ્રાથમિકતા આપે છે.


