હૉસ્પિટલના ઉદ્ઘાટન માટે ભેગા થયેલા મંગલ પ્રભાત લોઢા અને અસલમ શેખના સમર્થકોએ નારાબાજીથી વાતાવરણ ગરમાવી દીધું
ગઈ કાલે મંગલ પ્રભાત લોઢા અને અસલમ શેખે સંયુક્ત રીતે રિબન કાપીને નવી હૉસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું. બન્ને નેતાના સમર્થકોએ સામસામે આવી જઈને જોરદાર સૂત્રોચ્ચાર કર્યો હતો.
ગઈ કાલે માલવણીમાં નવી KEM હૉસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે રાજકીય તનાવની સ્થિતિ સર્જાઈ હતી. નવી હૉસ્પિટલના ગેટ-નંબર ૭ પર યોજાયેલા કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના અને કૉન્ગ્રેસના કાર્યકરો સામસામે આવી ગયા હતા. આ પ્રસંગે BJPના નેતા અને મહારાષ્ટ્ર સરકારના કૅબિનેટ મિનિસ્ટર મંગલ પ્રભાત લોઢા તથા સ્થાનિક વિધાનસભ્ય અસલમ શેખ એકસાથે ઉપસ્થિત રહ્યા હોવાથી બન્નેના સમર્થકોનો સામનો થયો હતો. બન્ને નેતાઓએ એકસાથે રિબન કાપીને હૉસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું. બન્ને નેતાના સમર્થકો એક જ જગ્યાએ ભેગા થઈ જતાં ભારે સૂત્રોચ્ચાર અને નારેબાજીથી વાતાવરણ ગરમાઈ ગયું હતું. થોડી જ વારમાં પરિસ્થિતિ તંગ થઈ ગઈ હતી. જોકે BJP અને કૉન્ગ્રેસ બન્ને પક્ષના નેતા કાર્યક્રમમાં આવવાના હોવાથી તનાવની સ્થિતિની શક્યતા જોઈને માલવણી પોલીસે વધારાની સુરક્ષા ગોઠવી દીધી હતી. સમર્થકો વચ્ચે ઘર્ષણ છતાં ઉદ્ઘાટનનો પ્રસંગ કોઈ અનિચ્છનીય ઘટના વિના સંપન્ન થયો હતો.


