સવારના અચાનક ચાલી રહેલાં કામ ચકાસવા માટે પહોંચેલા મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કૉન્ટ્રૅક્ટરોને કહ્યું
જુહુ બીચ પર સફાઈ કરવાના મશીનને ચલાવી રહેલા મુખ્ય પ્રધાન.
મુંબઈ ઃ બીએમસી અને રાજ્ય સરકારના સહયોગથી મુંબઈમાં અત્યારે ડેવલપમેન્ટનાં અનેક કામ ચાલી રહ્યાં છે. આ કામની સાઇટ પર અચાનક મુખ્ય પ્રધાન એકનાથ શિંદે ગઈ કાલે પહોંચતાં સૌ ચોંકી ઊઠ્યા હતા. મુખ્ય પ્રધાને જુહુ, વિલે પાર્લે, કાંદિવલી, ઘાટકોપર અને ટિળકનગર સહિત અંધેરીમાં ચાલી રહેલા ગોખલે બ્રિજની મુલાકાત લીધી હતી. આ સમયે તેમણે કૉન્ટ્રૅક્ટરોને કહ્યું હતું કે નિર્ધારિત સમય પહેલાં કામ પૂરું કરશો તો ઇનામ આપીશું, પણ મોડું થશે તો કાર્યવાહી કરવામાં આવશે. આમ કહીને મુખ્ય પ્રધાને કૉન્ટ્રૅક્ટરોને કામ ઝડપથી પૂરાં કરવાનો ઇશારો કર્યો હતો. આ સમયે મુખ્ય પ્રધાને સફાઈ કર્મચારીઓની મુલાકાત કરી હતી અને સ્વચ્છતા અભિયાનમાં કરવામાં આવી રહેલા કામની માહિતી તેમની પાસેથી લીધી હતી.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સવારના સાત વાગ્યે જુહુ બીચ પહોંચ્યા હતા. અહીં તેમણે બીચ પર સફાઈ માટે ઉપયોગમાં લેવામાં આવી રહેલું ટ્રૅક્ટર ચલાવ્યું હતું. એ સમયે તેમની સાથે બીએમસીના કમિશનર ઇકબાલ સિંહ ચહલ પણ હતા. સ્વચ્છતા બાબતે મુખ્ય પ્રધાને સફાઈ કર્મચારીઓ સાથે વાત કરવા ઉપરાંત ડસ્ટને નિયંત્રણમાં લેવા માટે રસ્તામાં પાણી છંટકાવ કરવામાં આવી રહ્યો હતો ત્યાં પહોંચી હાથમાં પાઇપ પકડીને પાણી પણ છાંટ્યું હતું.
જુહુ બીચ, વિલે પાર્લેમાં નેહરુ રોડ, અંધેરી-પૂર્વમાં ગોખલે બ્રિજ, કાંદિવલી-પૂર્વમાં ઠાકુર કૉલેજ ગેટ પાસે, ઘાટકોપર-પૂર્વમાં રમાબાઈનગર, રાજાવાડી હૉસ્પિટલ અને ટિળકનગર ખાતેના સહ્યાદ્રિ ક્રીડા મેદાનની મુલાકાત મુખ્ય પ્રધાને લીધી હતી.
ADVERTISEMENT
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ટ્વીટ કરી હતી, જેમાં લખ્યું હતું કે ‘મુંબઈ બીએમસી દ્વારા ચાલી રહેલા સ્વચ્છતા અભિયાન અને ડેવલપમેન્ટના કામના સ્થળે આજે મુલાકાત લીધી હતી. અંધેરીનો ગોખલે બ્રિજ વાહનવ્યવહાર માટે ખૂબ જ મહત્ત્વનો છે એટલે બીએમસીના અધિકારી અને કૉન્ટ્રૅક્ટરને વહેલી તકે કામ પૂરું કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ બ્રિજનું કામ સતત લંબાઈ રહ્યું છે જેને લીધે લોકોને પરેશાની થઈ રહી છે એટલે એ વહેલી તકે ખૂલે એ માટેની સૂચના આપી હતી. જુહુ ચોપાટી પર બીચ ક્લીનિંગ મશીન ચલાવીને સફાઈ કર્મચારીઓનો જુસ્સો વધાર્યો હતો.’
સ્વચ્છતા ઝુંબેશ વિશે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે ‘મુંબઈને ચકાચક રાખી રહેલા સફાઈ કર્મચારીઓ સાચા હીરો છે. તેમને જે જવાબદારી સોંપવામાં આવે છે એ બરાબર સફાઈ કરીને નિભાવી રહ્યા છે. બીચ ક્લીન કરવા માટે આધુનિક મશીનો લાવવામાં આવ્યાં છે એનાથી ઓછા સમયમાં વધુ સફાઈ થઈ રહી છે. રસ્તામાં પાણી છાંટવાની સાથે સ્લમ પણ સ્વચ્છ રહે તો શહેરમાં બીમારી ઓછી ફેલાય એ માટેનું કામ યોગ્ય રીતે કરવામાં આવી રહ્યું છે. બીએમસી અને રાજ્ય સરકારની સ્વચ્છતા ઝુંબેશમાં અનેક સામાજિક સંસ્થાઓ પણ સહયોગ કરી શકે છે. ઇસ્કૉન જેવી કેટલીક સંસ્થા આમાં જોડાયેલી છે.’