નજીકની ચાલમાં રહેતા એક બાળક સહિત ત્રણ ઘાયલ
બ્લાસ્ટ થયા બાદ પ્લાન્ટમાં આગ ફાટી નીકળી હતી
બદલાપુરના માણેકવાડી મહારાષ્ટ્ર ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશનની રેર ફાર્મામાં ગઈ કાલે પરોઢિયે ૪.૩૦ વાગ્યે થયેલા બ્લાસ્ટમાં કેમિકલ રિઍક્ટરનો અંદાજે સો કિલોનો ટુકડો ઊડીને ૪૦૦ ફુટ દૂર આવેલી ચાલના એક ઘરમાં પડ્યો હતો જેને કારણે એ પરિવારના ત્રણ જણ ઘાયલ થયા હતા. ઘાયલોમાં એક પાંચ વર્ષના બાળકનો સમાવેશ થાય છે. એ ત્રણેયને પગમાં ગંભીર ઈજા થઈ છે. નવાઈની વાત એ છે કે આ બ્લાસ્ટ અને આગમાં ફૅક્ટરીનો કોઈ કામગાર ઈજાગ્રસ્ત થયો નથી. બ્લાસ્ટ થયા બાદ પ્લાન્ટમાં આગ ફાટી નીકળી હતી. પ્લાન્ટમાં તરત સળગી ઊઠે એવા મિથેનૉલનાં ડ્રમ હતાં એટલે થોડી વારમાં જ આગ વિકરાળ બની ગઈ હતી અને પ્લાન્ટ બળીને ખાખ થઈ ગયો હતો. બદલાપુર અને માણેકવાડી ફાયર-બ્રિગેડના ફાયર-એન્જિન દ્વારા બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી શકાયો હતો, પણ આગમાં પ્લાન્ટ બળી ગયો હતો.
ફાયર-ઑફિસરના જણાવ્યા અનુસાર બ્લાસ્ટ એટલો મોટો અને ગંભીર હતો કે એનો એટલો હેવી ટુકડો ફંગોળાઈને ૪૦૦ ફુટ દૂર પડ્યો જે બહુ જ સિરિયસ કહી શકાય, જોકે એમ છતાં એને કારણે વધુ લોકો ઘવાયા નથી એ સારી બાબત કહી શકાય.