મંદિરના સંચાલકોના જણાવ્યા મુજબ ૨૪ કલાકમાં નાશિક જ નહીં, રાજ્યભરમાંથી એકસાથે ૧૦ લાખ ભક્તો સપ્તશ્રૃંગી ગઢ પર પહોંચી જવાને લીધે બૅરિકેડ્સ તૂટી ગયાં હતાં અને થોડા સમય સુધી ભારે અફરાતફરી મચવાની સાથે ભાગદોડ પણ થઈ હતી.
નાશિકના સપ્તશ્રૃંગી દેવીના મંદિરમાં ૧૦ લાખ ભક્તો પહોંચ્યા ચૈત્રોત્સવમાં, ભાગદોડ મચી
મહારાષ્ટ્રના નાશિક જિલ્લામાં આવેલા સપ્તશ્રૃંગી દેવીના મંદિરમાં ચૈત્રોત્સવની ઉજવણીમાં ગઈ કાલે મોટા પ્રમાણમાં ભક્તો ઊમટવાને લીધે મુશ્કેલી ઊભી થઈ હતી. મંદિરના સંચાલકોના જણાવ્યા મુજબ ૨૪ કલાકમાં નાશિક જ નહીં, રાજ્યભરમાંથી એકસાથે ૧૦ લાખ ભક્તો સપ્તશ્રૃંગી ગઢ પર પહોંચી જવાને લીધે બૅરિકેડ્સ તૂટી ગયાં હતાં અને થોડા સમય સુધી ભારે અફરાતફરી મચવાની સાથે ભાગદોડ પણ થઈ હતી. મંદિરમાં ભક્તોની પ્રચંડ ભીડનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો હતો. મંદિરમાં દેવીનાં દર્શન માટે ભક્તોએ ધક્કામુક્કી પણ કરી હોવાનું જાણવા મળ્યું હતું. દેવીનું મંદિર ગઢની ઉપર આવેલું છે. ગઢ પર ચડવા અને ઊતરવા માટે એક જ રસ્તો છે જેને બૅરિકેડ્સથી વિભાજિત કરવામાં આવ્યો છે. ભક્તોના ધસારાને કારણે અનેક જગ્યાએ બૅરિકેડ્સ તૂટી ગયાં હતાં. ગઢની તળેટીમાં પણ મોટી સંખ્યામાં ભક્તો જોવા મળ્યા હતા.

