આઝાદી પછી પહેલી વાર જાતિ પૂછવામાં આવશે, સવાલોના લિસ્ટમાં કેટલાં બૅન્ક-અકાઉન્ટ છે એનો પણ ઉલ્લેખ
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
કેન્દ્ર સરકારે ૨૦૨૭ની વસ્તીગણતરી માટે ૪૦ પ્રશ્નોની યાદી જાહેર કરી છે. લોકોને પૂછવામાં આવશે કે તેઓ શેડ્યુલ્ડ કાસ્ટ (SC), શેડ્યુલ્ડ ટ્રાઇબ (ST) કે અન્ય જાતિના છે? આઝાદી પછી પહેલી વાર વસ્તીગણતરીમાં બધા સમુદાયોની જાતિની માહિતી નોંધવામાં આવશે.
અગાઉ ૨૦૧૧ના વસ્તીગણતરી ફૉર્મમાં ૨૯ પ્રશ્નો હતા. જાતિસંબંધિત માહિતી માટેનો એકમાત્ર વિકલ્પ SC/ST હતો. ૨૦૨૭ની વસ્તીગણતરીના ૧૦ નંબરના પ્રશ્નમાં SC/STની સાથે જાતિ શબ્દ ઉમેરવામાં આવ્યો છે. લોકોને એ પણ પૂછવામાં આવશે કે તેમને કોવિડ રસી ક્યાંથી મળી હતી? તેમના મોબાઇલ-નંબર, આધાર, મતદાર આઇડેન્ટિટી (ID) અને બૅન્ક-ખાતાં સંબંધિત સવાલો પણ પૂછવામાં આવશે.
ADVERTISEMENT
૧. ઓળખ અને પરિવાર : ૧૨ સવાલ
વસ્તીગણતરીમાં વ્યક્તિનું નામ, પરિવારના વડા સાથેનો સંબંધ, લિંગ, જન્મતારીખ અને ઉંમર પૂછવામાં આવશે. તેની વૈવાહિક સ્થિતિ, લગ્ન સમયે ઉંમર, જીવનસાથીનું નામ, રાષ્ટ્રીયતા, ધર્મ અને SC/ST/જાતિની સ્થિતિ વિશે પણ માહિતી એકઠી કરવામાં આવશે. માતા-પિતાની માહિતી પણ નોંધવામાં આવશે.
૨. શિક્ષણ અને ભાષા : પાંચ સવાલ
આ વિભાગમાં દિવ્યાંગતા, માતૃભાષા અને અન્ય ભાષાઓ, સાક્ષરતા અને ડિજિટલ સાક્ષરતાની જાણકારી લેવામાં આવશે. આ સાથે શિક્ષણની સ્થિતિ અને ઉચ્ચતમ શૈક્ષણિક લાયકાત, સ્ટ્રીમ અથવા વિષય વિશેની માહિતી આવરી લેવામાં આવશે.
૩. રોજગાર : ૮ સવાલ
વ્યક્તિને પૂછવામાં આવશે કે તેણે પાછલા વર્ષમાં કામ કર્યું છે કે નહીં. તેની આર્થિક પ્રવૃત્તિ, વ્યવસાય અને કાર્યક્ષેત્રની જાણકારી લેવામાં આવશે. કાર્યકરની શ્રેણી, બિનઆર્થિક પ્રવૃત્તિ, નોકરીની શોધ અથવા ઉપલબ્ધતા અને તેના કાર્યસ્થળ પર આવવા-જવાની મુસાફરી વિશે પણ માહિતી લેવામાં આવશે.
૪. જન્મ અને સ્થળાંતર : ૮ સવાલ
આ વિભાગમાં જન્મસ્થળ, અગાઉનું રહેઠાણ, સ્થળાંતરનું કારણ અને રોકાણનો સમયગાળો વિશે માહિતી પૂછવામાં આવશે. કાયમી રહેઠાણનું સરનામું પણ નોંધવામાં આવશે. મહિલાઓને જીવિત બાળકોની સંખ્યા, આજ સુધી જન્મેલાં બાળકો અને પાછલા એક વર્ષમાં જન્મેલાં બાળકો વિશે પણ પૂછવામાં આવશે.
૫. બૅન્ક-વિગતો અને આધાર નંબર : ૭ સવાલ
આમાં તમને કોવિડ-19 રસી ક્યાંથી મળી, તમારાં બૅન્ક-ખાતાંની વિગતો અને તમારા મોબાઇલ-નંબર વિશે માહિતી પૂછવામાં આવશે. તમને તમારો આધાર નંબર, મતદાર ID, પાસપોર્ટ નંબર અને ડ્રાઇવિંગ લાઇસન્સ છે કે નહીં એ પણ પૂછવામાં આવશે.
