પોતાનું સ્કૂટર ચોરાતું જોઈને ડર્યા વગર આરોપીઓ પાછળ બૂમાબૂમ કરીને દોડ્યો, બન્નેને પકડાવી દીધા
તિલકનગર પોલીસે ઝડપી લીધેલા બે આરોપીઓ.
તિલકનગર સ્ટેશનની બહાર પાર્ક કરવામાં આવેલું સ્કૂટર ચોરી જવાનો પ્રયાસ કરતા ૨૪ વર્ષના ઝૈદ ખાન અને બાવીસ વર્ષના અલ્તાફ અલીને શનિવારે રાતે ૧૮ વર્ષના રુદ્ર અરવિંદ બેરાની મદદથી તિલકનગર પોલીસે ઝડપી લીધા હતા. તિલકનગરમાં રહેતો રુદ્ર શનિવારે સાંજે બે જણ તેનું સ્કૂટર સ્ટાર્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા એ જોઈને તેમની પાછળ દોડ્યો હતો. એ પછી પોલીસ અને અન્ય લોકોની મદદથી રુદ્રને બન્ને ચોરને પકડાવવામાં સફળતા મળી હતી. પ્રાથમિક માહિતીના આધારે ચોરીના કેસમાં ધરપકડ કરાયેલા બન્ને આરોપી સામે મુંબઈનાં વિવિધ પોલીસ-સ્ટેશનોમાં કેસ નોંધાયા હોવાની માહિતી મળી છે.
તિલકનગરના પોલીસ-ઇન્સ્પેક્ટર બાજીરાવ બડેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રુદ્ર બેરા તેનું સ્કૂટર તિલકનગર સ્ટેશન નજીક પાર્ક કરી પોતાના કામસર ગયો હતો. કામ પત્યા બાદ સાંજે સાડાછ વાગ્યે જ્યારે તે પોતાના સ્કૂટર નજીક આવતો હતો ત્યારે બે યુવકો તેનું સ્કૂટર ચાલુ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જોકે એ સમયે તે ડર્યા વગર બન્નેની પાછળ દોડ્યો હતો. રુદ્રને જોતાં જ બન્ને યુવકોએ ત્યાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પણ રુદ્રએ ચોર-ચોરની બૂમો પાડવાની શરૂઆત કરતાં અન્ય લોકો પણ ચોરની પાછળ દોડ્યા હતા. એ ઉપરાંત ત્યાંથી અમારા અધિકારીઓ જઈ રહ્યા હતા તેમની પણ નજર પડતાં તાત્કાલિક બન્નેને ઝડપી લીધા હતા. બન્ને આરોપી વડાલા રહે છે અને તેમની સામે ચોરીના વિવિધ ગુના નોંધાયા છે. આ કેસમાં ૧૮ વર્ષના યુવકની હિંમતથી રીઢા ગુનેગાર ઝડપાયા છે. અમને આરોપી પાસેથી નાનું ચાકુ પણ મળ્યું હતું.’
ADVERTISEMENT
રુદ્ર બેરાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જ્યારે હું આવ્યો ત્યારે આરોપીઓએ મારા સ્કૂટરનું હૅન્ડલ-લૉક તોડીને આગળ બૅટરીની જગ્યાનું પતરું તોડી નાખ્યું હતું અને સ્કૂટર સ્ટાર્ટ કરવાની કોશિશ કરી રહ્યા હતા, પણ એ જ સમયે હું ત્યાં પહોંચી ગયો હતો. બન્ને આરોપીઓને સજા મળે એ માટે મેં તેમની સામે પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આરોપી યુવકોએ મારા સ્કૂટરને ઘણું નુકસાન પહોંચાડ્યું છે.’

