બોરીવલીના ફરસાણના વેપારી દિનેશ ગિંદરા ટ્રેનની અડફેટે આવી ગયા : પરિવારજનો શોધી રહ્યા હતા ત્યારે તેમના ઍક્સિડન્ટના સમાચાર મળ્યા

અસ્કમાતમાં જીવ ગુમાવનાર દિનેશ ગિંદરા
બોરીવલી-વેસ્ટમાં સાંઈબાબાનગરમાં રહેતા ૫૪ વર્ષના વાગડ જૈન સમાજના દિનેશ ગિંદરા ઘરે જઈ રહ્યા હતા ત્યારે ટ્રેનની અડફેટે આવી જતાં જીવ ગુમાવી બેઠા હતા. તેઓ ઘરે મોડે સુધી આવ્યા ન હોવાથી પરિવારજનો ચિંતામાં આવી ગયા હતા. તેમનો ફોન પણ બંધ આવી રહ્યો હતો. એ વખતે રાતના સાડાદસ-અગિયાર વાગ્યાની વચ્ચે ફોન આવ્યો કે તેમને શતાબ્દી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ગઈ કાલે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
બોરીવલીમાં રહેતા દિનેશભાઈની બોરીવલી-ઈસ્ટમાં ફરસાણની શૉપ છે. શુક્રવારે દિનેશભાઈ દરરોજની જેમ પોતાના કામથી ઘરે આવી રહ્યા હતા ત્યારે રાતના સમયે આ અકસ્માત બન્યો હતો. અચાનક શું થયું એ અમને જ સમજાતું નથી એમ કહેતાં દિનેશભાઈના નાના ભાઈ શાંતિલાલે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ભાઈનું ઈસ્ટમાં કામકાજ છે અને માલ આપવા તેઓ જતા હોય છે. શુક્રવારે રાતે સાડાનવ વાગ્યાની આસપાસ અમારા એક સંબંધીને તેઓ સ્ટેશન પર મળ્યા હતા અને મજામાં છોને એવી વાતો પણ થઈ હતી. ત્યાર બાદ આ બનાવ બન્યો હતો. રાતના મોડે સુધી તેઓ ઘરે પાછા આવ્યા ન હોવાથી અમે શોધખોળ કરી રહ્યા હતા. તેમનો ફોન પણ ન આવતાં પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા. દરમિયાન રાતના સાડાદસ વાગ્યા પછી ફોન આવ્યો હતો અને હૉસ્પિટલમાં જઈને જોયું તો તેમનું મૃત્યુ થયું હતું. તેમની થોડા વખતથી તબિયત સારી નહોતી. તેમને ડાયાબિટીઝ અને બીપીની સમસ્યા હતી, પરંતુ એક મહિનાથી સારું થઈ ગયું હતું. જોકે બે દિવસ પહેલાં તેમણે મને કહ્યું હતું કે શરીરમાં મજા આવી રહી નથી. અચાનક આ રીતે ભાઈનું મૃત્યુ થતાં પરિવારજનો આઘાતમાં આવી ગયા છે.’
બોરીવલી જીઆરપીના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર અનિલ કદમે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘દિનેશ ગિંદરાને ટ્રૅક ક્રૉસ કરતી વખતે ટ્રેન-નંબર ૯૦૯૪૬ની ટક્કર લાગતાં ગંભીર અવસ્થામાં શતાબ્દી હૉસ્પિટલમાં લઈ ગયા, પરંતુ તેમનું મૃત્યુ થયું હતું.’