જિંદગીની સફર જ્યાંથી શરૂ કરી ત્યાં જ પૂરી ન કરતાં કંઈક પ્રેરણાદાયક પણ કરી બતાવવું જોઈએ એવું માનતો મુંબઈનો ગુજરાતી યુવાન તેના જેવા અનેક લોકો માટે છે પ્રેરણાસ્રોત

બોરીવલીમાં રહેતો ૩૦ વર્ષનો મયૂર હેલિયા
બીએમસીના સફાઈ કર્મચારીથી લઈને ઇંગ્લૅન્ડમાં પીએચડી કરવા સુધીની તેની સફર સંઘર્ષપૂર્ણ રહી છે
મુંબઈમાં બીએમસીની પર્મનન્ટ નોકરી મળે તો કોઈ છોડે? નહીંને. જોકે સમાજથી માંડીને યુવા પેઢીમાં સંદેશ જાય એ રીતે મુંબઈના ગુજરાતી યુવકે આમ કરી દેખાડ્યું છે. પિતાનું મૃત્યુ થતાં ૩૦ વર્ષના બોરીવલી-વેસ્ટમાં ચીકુવાડીમાં રહેતા મયૂર પાલજી હેલિયાએ બીએમસીમાં સફાઈ-કર્મચારી તરીકે મોટર લોડરનું કામ શરૂ કર્યું હતું, પરંતુ સફાઈ-કર્મચારી તરીકે કામ કરતાં-કરતાં જ જીવન પૂરું થઈ જશે એવું લાગતાં તેણે તરત પિતાના મૃત્યુને કારણે અધૂરું રહી ગયેલું શિક્ષણ ફરી શરૂ કર્યું હતું. જૉબ કરતાં-કરતાં તેણે કૉલેજમાં જઈને ગ્રૅજ્યુએશન પૂરું કર્યું અને સાથે બૉક્સિંગનો તેનો ક્રેઝ પૂરો કરીને સ્ટેટ અને નૅશનલ લેવલ સુધી પહોંચ્યો. શિક્ષણ શરૂ કર્યા બાદ અનેક પ્રકારની અડચણો અને મુશ્કેલીઓ આવી છતાં મયૂરે અડગ રહીને માસ્ટર્સ કરીને પીએચડી કરવા હવે ઇંગ્લૅન્ડ જઈ રહ્યો છે. એ માટે થોડા દિવસ પહેલાં તેણે બીએમસીની નોકરીમાંથી રાજીનામું આપી દીધું છે.
૧૮ વર્ષ થવામાં ૬ દિવસ બાકી હતા ત્યારે મારા પપ્પા ગુજરી ગયા હતા એમ કહેતાં મયૂર હેલિયાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘૧૮ વર્ષનો પણ થયો નહોતો ત્યારે પપ્પા ગુજરી ગયા હતા. એ પછી ૨૦૧૦ની ૧૧ ડિસેમ્બરે બીએમસીની મોટર લોડરની ડ્યુટી શરૂ કરી. પહેલા જ દિવસે નૉન-વેજ એરિયામાં ગયો અને કચરો લોડ કર્યો હતો. એ દિવસે તો મને ઊંઘ પણ નહોતી આવી. મારો ડ્રેસ પણ ખરાબ થઈ ગયો હતો. એટલે બીએમસીમાં સારી પોસ્ટ પર કામ કરવાનો નિર્ણય લીધો. એક્ઝામ વખતે પપ્પા મૃત્યુ પામ્યા હોવાથી બારમું સાયન્સમાં પાસ કરી શક્યો નહીં. એથી ફરી મેં આર્ટ્સમાં અભ્યાસ શરૂ કર્યો અને બીએમસીમાં સવારને બદલે રાતની શિફ્ટ લીધી હતી. રાતે ૧૦ વાગ્યે મોટર લોડરની ડ્યુટી કરીને દિવસમાં અભ્યાસ કરી વિલ્સન કૉલેજમાંથી પૉલિટિકલ સાયન્સમાં બૅચલરની ડિગ્રી લીધી હતી. દરમિયાન કૉલેજમાં બૉક્સિંગની પ્રૅક્ટિસ પણ કરતો હતો.’
જૉબનો સમય રાતે દસ વાગ્યાથી વહેલી સવાર સુધી હોવાથી અને કૉલેજનો સમય સવારે સાત વાગ્યે હોવાથી સવારે બાંદરાથી ટ્રેન પકડીને ઘરે જાઉં અને પછી ફરી સવારના છ વાગ્યે નીકળી જતો હતો એમ જણાવીને મયૂરે કહ્યું હતું કે ‘ઘણી વખત ઊંઘ થઈ ન હોવાથી કામ પર અથવા કૉલેજમાં જ સૂઈ જતો હતો. જૉબ પરના લોકોએ પણ મને ઘણો સાથ આપ્યો હતો. હું બૉક્સિંગમાં બે વખત સ્ટેટ સિલ્વર મેડલિસ્ટ છું. મેં મુંબઈ યુનિવર્સિટી તરફથી નૅશનલ્સમાં પ્રતિનિધિત્વ કર્યું હતું. એથી એની પ્રૅક્ટિસ કરવા જલદી જવું પડતું હતું. ક્યારેક કૉલેજમાં તો કામ પર ઊંઘ ખેંચતો હતો. આ બધામાં મારી ઊંઘ ખૂબ ઓછી થતી હતી એટલે એ મૅનેજ કરવું પણ જરૂરી હતું.’
ધીરે-ધીરે અભ્યાસમાં રુચિ ખૂબ જ વધી ગઈ એમ કહેતાં મયૂરે ઉમેર્યું હતું કે ‘આગળના અભ્યાસ માટે મિત્રએ માહિતી આપતાં પરિસરમાં રહેલા સાઇબર કૅફેમાં જઈને માહિતી લીધી હતી. તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશ્યલ સાયન્સ (ટીઆઇએસએસ)માં માસ્ટર્સ ઇન દલિત ઍન્ડ ટ્રાઇબલ સ્ટડીઝ ઍક્શન માટે ફૉર્મ ભરીને મેં એન્ટ્રન્સ એક્ઝામ પણ આપી હતી. મને લાગ્યું નહોતું કે મને ઍડ્મિશન મળશે, કારણ કે અહીં આખા ભારતમાંથી વિદ્યાર્થીઓ આવતા હોય છે. અહીં કૉલેજનો સમય સવારે નવથી સાંજે છ વાગ્યાનો હોવાથી સમય સાચવવો મુશ્કેલ થતો હતો. એથી કામ પર જઈને ત્યાં સવારે કૉલેજના મિત્ર અથવા હૉસ્ટેલના મિત્રના ઘરે આરામ કરી લેતો હતો. આ ડિગ્રીમાં પ્રોજેક્ટ માટે સમય ફાળવવો જરૂરી હતો એટલે સાંજે ઘરે જઈને એ પૂરું થાય નહીં. એટલે અનેક દિવસ ઘરે પણ જતો નહીં. ભાઈ-બહેન પણ ભણી રહ્યાં હોવાથી તેમને આર્થિક સહાય કરવા માટે હું ઘરે બેસીને રિસર્ચનું, એડિટિંગનું નાનું પાર્ટ-ટાઇમ કામ કરવા લાગ્યો હતો.’
સફાઈ કર્મચારીથી ઇંગ્લૅન્ડની લૅન્કેસ્ટરની યુનિવર્સિટીમાં પીએચ.ડી. કરવા જઈ રહ્યો છું એ સફર ખૂબ અઘરી રહી, પણ હિંમત નહોતો હાર્યો એમ જણાવીને મયૂરે કહ્યું હતું કે ‘મમ્મી શાંતા અને ભાઈ-બહેનથી લઈને અનેક લોકોએ મને સપોર્ટ આપ્યો. બે વર્ષ મારી બહેને ઘર સંભાળ્યું. વિદેશમાં આગળનો અભ્યાસ કરવાના મારા વિચારની મારા મિત્રને હોવાથી તેણે મને એક જાહેરાત મોકલી. એમાં ઇંગ્લૅન્ડની લૅન્કેસ્ટરની યુનિવર્સિટીની રિસર્ચનું ફોકસ સાઉથ એશિયા હતું. મેં ઇન્ટરવ્યુ અને મારી માનહિતી આપ્યાં. મને એમ કે હું કંઈ સિલેક્ટ થવાનો નથી, કારણ કે હજારો લોકો લાઇનમાં હતા. જોકે અચાનક મને ફોન આવ્યો કે તમે સિલેક્ટ થઈ ગયા છો. આ યુનિવર્સિટીમાં હું ફુલ્લી-ફન્ડેડ પીએચ.ડી. કરવા જઈ રહ્યો છું અને એનો મુખ્ય વિષય છે ‘સૅનિટેશન લેબર (હેઝાર્ડ્ઝ)’. હાલમાં મેં બીએમસીની નોકરીમાંથી રાજીનામું આપ્યું છે. લોકોએ મને ખૂબ સમજાવ્યો કે રજા લઈને જા તો તારી નોકરીને કંઈ નહીં થશે. જોકે મારે અમારા સમાજથી લઈને યુવાનોની વિચારશ્રેણી બદલવી છે. બીએમસીમાં સફાઈ કર્મચારીના જીવનની શરૂઆત જ્યાંથી થાય છે ત્યાં જ ખતમ થાય છે. તેઓ જીવનમાં કંઈ કરી શકતા નથી. જોકે થોડા સાહસથી લાઇફ એનાથી પણ ‘મચ બેટર’ બની શકે છે એ મારે લોકોને દેખાડવું છે એટલે રાજીનામું આપ્યું છે. નહીં તો મારી નોકરી ચાલુ રહી શકી હોત.’