ત્રણેય આરોપીઓ દસ્તાવેજો મેળવવા ઑક્શન સાઇટ પર વાહનો માટે બિડિંગ કરતા અને એનો ઉપયોગ ચોરી કરેલી બાઇક વેચવા માટે કરતા
સીસીટીવી ફુટેજમાં આરોપીઓ બાઇક ચોરતાં ઝડપાઈ ગયા હતા.
ઑક્શન પ્લૅટફૉર્મ પરથી મેળવેલા દસ્તાવેજોનો ઉપયોગ કરીને ચોરેલી બાઇક માર્કેટમાં વેચી નાખતી ત્રણ વ્યક્તિની બોરીવલી પોલીસે ધરપકડ કરી હતી. ગયા અઠવાડિયે બોરીવલી પોલીસની એક ટીમને પૅટ્રોલિંગ દરમ્યાન ત્રણ શખસો શંકાસ્પદ વર્તન કરતા જોવા મળ્યા હતા. પોલીસ એમાંના બેની ધરપકડ કરવામાં સફળ રહી હતી, જ્યારે એક વ્યક્તિ ઘટનાસ્થળેથી ભાગી ગઈ હતી અને બાદમાં તેને પણ પકડવામાં આવી હતી.આરોપીઓની ઓળખ મિલિંદ સાવંત, અરવિંદ ગડકરી અને યશ કોઠારી તરીકે થઈ છે. મિલિંદ સાવંત સામે બાઇકચોરીના ૨૦થી વધુ કેસ નોંધાયેલા છે, જ્યારે યશ કોઠારી પર ૧૪ અને અરવિંદ ગડકરી પર ત્રણ કેસ છે.




