લોકો ઇચ્છે છે કે લોકલ ટ્રેનમાં ઑટોમૅટિક દરવાજા લાગે, પણ રેલવે-નિષ્ણાતોનો મત શું છે?: બૉમ્બે હાઈ કોર્ટે પૂછ્યું
પ્રતીકાત્મક તસવીર
મુંબઈના લોકલ ટ્રેન નેટવર્કમાં રોજના સરેરાશ ૧૦ મુસાફરો જીવ ગુમાવે છે. તાજેતરમાં જ મુંબ્રા સ્ટેશન પર થયેલી દુર્ઘટનામાં પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે મુસાફરોની સલામતી માટે રેલવે-પ્રશાસન કેવાં પગલાં લઈ શકે છે એ બાબતે થયેલી જાહેર હિતની અરજીની સુનાવણી બૉમ્બે હાઈ કોર્ટ દ્વારા કરવામાં આવી હતી. સુનાવણી દરમ્યાન અદાલતે મુસાફરોની સલામતી માટે લોકલ ટ્રેનોમાં ઑટોમૅટિક દરવાજા લગાવવાનું સૂચન કર્યું હતું. એની સાથે જ એવું પણ કહ્યું હતું કે આ સૂચન સામાન્ય લોકોનું છે, પરંતુ આ મુદ્દા પર રેલવેના નિષ્ણાતોનો મત પણ લેવો જોઈએ.
બૉમ્બે હાઈ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્રકુમાર અરધે અને ન્યાયાધીશ સંદીપ મારનેની ખંડપીઠે રેલવે-પ્રશાસનને નિર્દેશ આપ્યો હતો કે આવા કરુણ બનાવો ભવિષ્યમાં ન બને એ માટે યોગ્ય પગલાં લેવાં જોઈએ. રેલવેએ રજૂ કરેલા ઍફિડેવિટમાં જણાવવામાં આવ્યું છે કે ૨૦૨૪માં રેલવેના સબર્બન નેટવર્કમાં વિવિધ અકસ્માતમાં કુલ ૩૫૮૮ મુસાફરોએ જીવ ગુમાવ્યો છે. એટલે સરેરાશ ૧૦ લોકો રોજ જીવ ગુમાવે છે જે અગાઉના વર્ષ કરતાં ૪૯ ટકા ઘટાડો દર્શાવે છે. એમ છતાં અદાલતે કહ્યું હતું કે ભલે સંખ્યામાં ઘટાડો થયો હોય, પરંતુ આવા બનાવો ચેતવણીરૂપ તો છે જ.
મુસાફરોની સલામતી માટે પગલાં લેવા સમિતિની રચના કરવામાં આવી છે જે ‘ઝીરો ડેથ મિશન’ પર કામ કરી રહી છે. એનાં વિવિધ સૂચનો પર સમયસર અમલ થાય એવું અદાલતે રેલવેને કહ્યું હતું. આ કેસમાં આગળની સુનાવણી ૧૪ જુલાઈએ થશે.


