બૉમ્બે હાઈ કોર્ટે ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશન પાસેથી જવાબ માગ્યો
પ્રતીકાત્મક તસવીર
બૉમ્બે હાઈ કોર્ટે ડિરેક્ટરેટ જનરલ ઑફ સિવિલ એવિયેશન (DGCA) પાસે ઍરપોર્ટ પર વ્હીલચૅર જેવી સામાન્ય સુવિધા ઉપલબ્ધ ન હોવાની બાબતે જવાબ માગ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગજનો માટે ઍરપોર્ટ પર યોગ્ય સુવિધા હોવી જ જોઈએ, કારણ કે એ માનવીની જિંદગી સાથે જોડાયેલા પ્રશ્નો છે. જસ્ટિસ જી. એસ. કુલકર્ણી અને અદ્વૈત સેઠનાની ખંડપીઠે ઍરપોર્ટ પર યોગ્ય સુવિધાઓ ન હોવાની બે જુદી-જુદી અરજીઓ પર સુનાવણી કરતાં જણાવ્યું હતું કે ‘પ્રાથમિક સુવિધાઓની ઉપલબ્ધિ બાબતે ઍરપોર્ટ મૅનેજમેન્ટ અને દરેક ઍરલાઇન્સે સંવેદનશીલ બનવું જોઈએ. માનવજીવનની કાળજી રાખવી જોઈએ. એક પણ મુસાફરને હાલાકી ભોગવવી ન પડે અને દેશમાં તમામ ઍરલાઇન્સ હાઇએસ્ટ ઇન્ટરનૅશનલ સ્ટાન્ડર્ડનું પાલન કરે એ જરૂરી છે.’
મુંબઈના આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર વ્હીલચૅરની સુવિધા ન હોવાની બાબતે એક અરજદારે જણાવ્યું હતું કે તેમની દીકરીને ઍક્યુટ આર્થ્રાઇટિસ હોવાને કારણે ૮૧ વર્ષનાં એક મહિલાએ તેમની વ્હીલચૅર આ દીકરીને આપવી પડી હતી, કારણ કે ઍરપોર્ટ પર બીજી વ્હીલચૅર ઉપલબ્ધ નહોતી. આના જવાબમાં DGCAએ વ્હીલચૅરના ઓવરબુકિંગનું બહાનું આગળ ધર્યું હતું, પરંતુ અદાલતે એને માન્ય ન રાખતાં આવી નિષ્કાળજી માટે ઍરલાઇન્સને ભારે પેનલ્ટી ફટકારવાનું સૂચન કર્યું હતું.


