બૉમ્બે હાઈ કોર્ટે લોકહિતને ધ્યાનમાં રાખીને આ નિર્ણયને પડકારતી અરજી ફગાવી દીધી
બૉમ્બે હાઈ કાર્ટ
ધારાવી રીડેવલપમેન્ટના પ્રોજેક્ટ અફેક્ટેડ પર્સન્સ (PAPs) માટે હવે મીઠાના અગરની જમીન પર મકાનો બનાવીને એમાં ઘર આપવાનો માર્ગ મોકળો થયો છે. બૉમ્બે હાઈ કાર્ટે આની વિરુદ્ધ કરવામાં આવેલી જનહિતની અરજી ગઈ કાલે ફગાવી દીધી હતી.
બૉમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ આલોક આધારે અને જસ્ટિસ સંદીપ મારણેની બેન્ચે કહ્યું હતું કે અમારા મત મુજબ જો ત્યાં PAPsનું પુનર્વસન કરવામાં આવશે તો જનહિતનો હેતુ સાર્થક જ થશે, એ સિવાય અરજી કરનારે બહુ હળવાશથી કોઈ ખાસ રિસર્ચ કર્યા વગર જ આ જનહિતની અરજી કરી દીધી હોવાનું જણાય છે. આમ કહીને એ જનહિતની અરજી ફગાવી દીધી હતી.
ADVERTISEMENT
ધારાવીના વિસ્થાપિતો માટે મુલુંડ, ભાંડુપ અને વિક્રોલીના મીઠાના અગરની ૨૫૫.૩૬ એકર જમીન સેન્ટ્રલ ગવર્નમેન્ટ પાસેથી રાજ્ય સરકારને ટ્રાન્સફર કરવામાં આવી હતી એના સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા ૨૦૨૪ની ૭ અને ૩૦ સપ્ટેમ્બરના બે ગવર્નમેન્ટ રેઝોલ્યુશનને ઍડ્વોકેટ અને સોશ્યલ ઍક્ટિવિસ્ટ સાગર દેવરેએ પડકાર્યા હતા. તેમણે દલીલ કરી હતી કે આમ કરવાથી દરિયાકિનારાની નાજુક ઇકોસિસ્ટમને નુકસાન થશે. વળી તેમણે ૨૦૧૨માં મિિનસ્ટ્રી ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા બહાર પાડવામાં આવેલું ઑફિસ મેમોરન્ડમ પણ દર્શાવ્યું હતું જે મુજબ મીઠાના અગરનો બીજા કોઈ પણ હેતુ માટે ઉપયોગ ન કરવાનું જણાવ્યું હતું. દેવરે દ્વારા એવી પણ દલીલ કરવામાં આવી હતી કે એ વિસ્તાર કોસ્ટલ ઝોન ઑથોરિટી (CRZ) હેઠળ આવે છે અને એને વેટલૅન્ડ તરીકે જ જાળવવામાં આવે.
જોકે આની સામે ઍડિશનલ સૉલિસિટર જનરલ અનિલ સિંહે કહ્યું હતું કે ‘૨૦૧૭ના સુધારા વખતે મીઠાના અગરને વેટલૅન્ડની વ્યાખ્યામાંથી બાકાત રાખવાનો સુધારો કરવામાં આવ્યો હતો. સાથે જ મીઠાના અગરની જમીન રાજ્ય સરકારને ટ્રાન્સફર કરતી વખતે એવી શરત રાખવામાં આવી હતી કે એનો ઉપયોગ કરતી વખતે પર્યાવરણને લગતી બધી પરવાનગી મેળવાશે.’

