Bombay Bar Association દ્વારા આજે એક નિવેદન જારી કરવમાં આવ્યું છે. જેમાં આ સમગ્ર ઘટના અંગે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.
બી. આર. ગવઈ
તાજતેરમાં જ સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા બી. આર. ગવઈ પર એક વકીલ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ‘સનાતન કા અપમાન નહીં સહેંગે’ના નારા સાથે એક વકીલે ચીફ જસ્ટિસ ગવઈ તરફ જૂતાનો ઘા કર્યો હતો. આ રીતે બી. આર. ગવઈ પર જૂતું ફેંકનાર ઍડ્વોકેટ રાકેશ કિશોરને પકડી પણ પાડવામાં આવ્યો હતો.
જોકે, આ ઘટનાની લોકો ખૂબ જ નિંદા કરી રહ્યા છે. આજે બૉમ્બે બાર અસોસિએશને (Bombay Bar Association) દ્વારા પણ એક નિવેદન જારી કરવમાં આવ્યું છે. જેમાં આ સમગ્ર ઘટના અંગે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT

આ નિવેદનમાં શું જણાવ્યું છે તે શબ્દશ: અહીં પ્રસ્તુત છે.
બૉમ્બે બાર અસોસિએશને (Bombay Bar Association) ૬ઠી ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ ભરઅદાલતમાં ભારતના સન્માનીય મુખ્ય ન્યાયાધીશ શ્રી ભૂષણ આર. ગવઈ પર થયેલા હુમલાની ઘટના અંગે ઊંડો આઘાત અને સ્પષ્ટ નિંદા વ્યક્ત કરીએ છીએ. આ પ્રકારનું નિંદનીય અને અક્ષમ્ય વર્તન કાયદાકીય વ્યવસાયના સભ્ય માટે સંપૂર્ણપણે અશોભનીય છે તેમજ અદાલતમાં જે ગરિમા અને શિષ્ટાચાર જાળવવો જોઈએ તેના પાયા પર પ્રહાર કર્યા સમાન છે. અસોસિએશન આવું કૃત્ય કરનાર વકીલના નિંદનીય કૃત્ય પ્રત્યે તેની નારાજગી દર્શાવે છે. અદાલતની સત્તા કે ન્યાયિક સંસ્થાની ભવ્યતાને નબળી પાડતી આ પ્રકારની વર્તણૂક જરાય યોગ્ય નથી. આ સાથે જ અસોસિએશન માનનીય મુખ્ય ન્યાયાધીશે જે રીતે પરિસ્થિતિને જાળવી લીધી તેની પ્રશંસા કરે છે અને આદર વ્યક્ત કરે છે, જે સર્વોચ્ચ હોદ્દાને લાયક ન્યાયિક કૃપા અને સંયમનું ઉદાહરણ છે. બૉમ્બે બાર અસોસિએશન (Bombay Bar Association) કાનૂની વ્યવસાયના સન્માન, ગૌરવ અને શિસ્તને જાળવી રાખવા માટે તેની અતૂટ પ્રતિબદ્ધતાને દોહરાવે છે. તેમ જ માનનીય મુખ્ય ન્યાયાધીશ, ન્યાયતંત્ર અને કાયદાના શાસનના સમર્થનમાં નિશ્ચિતપણે ઊભું છે. બૉમ્બે બાર અસોસિએશન કાયદા અનુસાર સંબંધિત વકીલ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરે છે.
Bombay Bar Associationની જેમ જ સમગ્ર ઘટના પછી પોતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એક્સ પર લખ્યું હતું કે, ‘આજે સવારે સુપ્રીમ કોર્ટના પરિસરમાં ચીફ જસ્ટિસ પર થયેલા હુમલાથી દરેક ભારતીય નાખુશ છે. આપણા સમાજમાં આવાં નિંદનીય કૃત્યોને કોઈ સ્થાન નથી. આ સ્થિતિમાં પણ ચીફ જસ્ટિસ બી. આર. ગવઈએ જે ધૈર્ય દાખવ્યું છે એની હું સરાહના કરું છું. આ ન્યાયનાં મૂલ્યો પ્રતિ અને આપણા સંવિધાનની ભાવના મજબૂત કરવાની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે.’
મને કોઈ પસ્તાવો નથી
હાલમાં જ વકીલ રાકેશ કિશોરે જણાવ્યું હતું કે, "ન્યાયાધીશોએ તેમની સંવેદનશીલતા પર કામ કરવાની જરૂર છે. લાખો કેસ પેન્ડિંગ પડેલા છે. હું કોઈની માફી માંગવાનો નથી, ન તો મને પસ્તાવો થઇ રહ્યો છે. કારણ કે પસ્તાવો થયા એવું મેં એવું કંઈ જ કર્યું નથી.”


