બીકેસીની સભામાં સિક્યૉરિટી માટે ડેપ્યુટી કરાયો હોવાનો દાવો કર્યા બાદ પોલીસને શંકા જતાં તપાસ કરી તો તેની પાસેથી પિસ્ટલ અને ચાર કારતૂસ મળી
વીવીઆઇપી એન્ટ્રી માટેના બોગસ આઇડીની સ્ટ્રૅપથી પીએમ મોદીની સભામાં હુમલો ટળ્યો
મુંબઈ : વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગુરુવારે બીકેસીમાં આવેલા એમએમઆરડીએ ગ્રાઉન્ડ્સમાં સિક્યૉરિટી સંભાળતા નૅશનલ સિક્યૉરિટી ગાર્ડ્સ (એનએસજી)ના કમાન્ડોના બોગસ આઇડેન્ટિટી કાર્ડ દ્વારા વીવીઆઇપી એન્ટ્રી ગેટથી અંદર જવાનો પ્રયાસ કરી રહેલા એક આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. આરોપી પાસેથી એનએસજી કમાન્ડોનું બોગસ આઇડી કાર્ડ હાથ લાગવાની સાથે તેની જડતી લેવાતાં એક વિદેશી બ્રૅન્ડની પિસ્તોલ અને ચાર કારતૂસ મળી આવતાં પોલીસ ચોંકી ઊઠી હતી. આ ઘટના પરથી પીએમ મોદીને કોઈ મારવાનો પ્રયાસ તો નથી કરી રહ્યુંને? એવો સવાલ ઊભો થયો છે. આ સ્થળે પોલીસે બોગસ આઇડી કાર્ડથી સભાના સ્થળે પ્રવેશી રહેલી અન્ય એક વ્યક્તિની પણ ધરપકડ કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગુરુવારે બીકેસીમાં આયોજિત જાહેર સભામાં તેમની સુરક્ષા સંભાળતા એનએસજી કમાન્ડોના બોગસ આઇડેન્ટિટી કાર્ડથી ઘાતક હથિયાર સાથે પ્રવેશ કરવાની ઘટના બની હતી. પોલીસે આ મામલામાં બે આરોપીની ધરપકડ કરી હતી. એમાંથી એક પાસેથી વિદેશી બ્રૅન્ડની એક પિસ્તોલ અને ચાર કારતૂસ મળી હતી.
ADVERTISEMENT
બાંદરા-કુર્લા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ આપેલી માહિતી મુજબ વડા પ્રધાન નરેન્દ્ર મોદી બીકેસીના ગ્રાઉન્ડમાં પહોંચ્યા એના દોઢ કલાક પહેલાં બે શંકાસ્પદ વ્યક્તિએ બોગસ કાર્ડના આધારે સભામાં વીવીઆઇપી ગેટથી પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. આમાંથી નવી મુંબઈમાં રહેતો ૩૫ વર્ષનો રામેશ્વર મિશ્રા વીવીઆઇપી ગેટ પાસે શંકાસ્પદ રીતે આંટા મારતો જોવા મળ્યો હતો. બાદમાં તે ગેટ પાસે પહોંચ્યો ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને રોક્યો હતો. તે આર્મીના ગાર્ડ્સ રેજિમેન્ટનો કમાન્ડો હોવાનું કહ્યું હતું. પીએમની સભા માટે તેને અહીં ડેપ્યુટ કરવામાં આવ્યો હોવાનું કહેતાં પોલીસે તેનું આઇડેન્ટિટી કાર્ડ ચકાસતાં એ બોગસ હોવાનું જણાયું હતું. તેના કાર્ડમાં એનએસજી ગાર્ડ અને કાર્ડના સ્ટ્રૅપ પર દિલ્હી પોલીસ લખવામાં આવ્યું હતું. આથી પોલીસે શંકાના આધારે તેની ધરપકડ કરીને જડતી લીધી હતી. પૂછપરછમાં રામેશ્વર મિશ્રાએ દાવો કર્યો હતો કે તે એનએસજીનો ભૂતપૂર્વ કમાન્ડો છે અને સભામાં તે સ્ટેજ નજીક બેસવા માગતો હતો એટલે વીવીઆઇપી ગેટ પરથી અંદર જવાનો પ્રયાસ કરતો હતો. પોલીસ તેના આ દાવાની તપાસ કરી રહી છે.
બીકેસી પોલીસ સ્ટેશનના અન્ય એક અધિકારીના જણાવ્યા મુજબ પીએમ મોદીની જાહેર સભામાં ભિવંડીમાં રહેતા કટરામ ચંદ્રગાર્ડ કાવડ નામના ૩૯ વર્ષના યુવકે પણ બોગસ આઇડેન્ટિટી કાર્ડની મદદથી વીવીઆઇપી ગેટથી પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેની જડતી લેતાં તેની પાસેથી એક પિસ્તોલ અને ચાર જીવંત કારતૂસ મળી હતી.

