દારૂ પીતી વખતે બન્ને મિત્ર વચ્ચે ઝઘડો થતાં ગુસ્સામાં આવીને એકે બીજાને છરી મારી દીધી: મૃતદેહને બે ભાગમાં કાપીને ધડ જુહુ બીચ પર ફેંકી દીધું, શરીરનો બીજો હિસ્સો હજી નથી મળ્યો
પ્રતીકાત્મક તસવીર
જુહુ બીચ પર સોમવાર સવારે એક અજાણ્યા પુરુષનું ધડ પ્લાસ્ટિકની બૅગમાં મળતાં ચકચાર મચી ગઈ હતી. સાંતાક્રુઝ પોલીસ-સ્ટેશનની હદમાં થયેલી આ ઘટનામાં પોલીસે હત્યાના ગુનાની તપાસ શરૂ કરી હતી. તપાસ દરમ્યાન જાણવા મળ્યું હતું કે ૩૦ વર્ષના વાહિદ અલી શેખ ઉર્ફે મિટ્ટુએ તેના મિત્ર અશોક ગૌડની છરી મારીને હત્યા કરી હતી. આરોપીએ ઝઘડાને કારણે હત્યા કર્યા બાદ મૃતદેહને બે ભાગમાં કાપીને ધડને જુહુ બીચ પર ફેંકી દીધું હતું. આ સમગ્ર ઘટના ૨૯ અને ૩૦ જાન્યુઆરીની વચ્ચે બની હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું.
ધડ મળતાં પોલીસ હરકતમાં આવી
ADVERTISEMENT
સાંતાક્રુઝ પોલીસ-સ્ટેશનનના એક અધિકારીએ કહ્યું હતું કે ‘આ ભયાનક ગુનો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે સોમવારે સવારે જુહુ બીચ પર પૅટ્રોલિંગ દરમ્યાન એક પોલીસ-કૉન્સ્ટેબલે પ્લાસ્ટિકની બૅગમાં બંધાયેલું ધડ જોયું હતું. તાત્કાલિક ઘટનાસ્થળે પંચનામું કરી ધડને પોસ્ટમૉર્ટમ માટે મોકલ્યું હતું. મૃતદેહની હાલત જોઈને પ્રાથમિક રીતે જ સ્પષ્ટ થઈ ગયું હતું કે હત્યા થોડા દિવસ પહેલાં કરવામાં આવી હતી. ઘટનાસ્થળની આસપાસના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજ અને મોબાઇલ ટાવરના લોકેશનનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ ટેક્નિકલ પુરાવાના આધારે તપાસનો દોર ઘાટકોપરના રહેવાસી અને ગાર્મેન્ટના વેપારી વાહિદ અલી શેખ સુધી પહોંચ્યો હતો. અંતે તેની ધરપકડ કરીને પૂછપરછ કરતાં તેણે ગુનો કબૂલ કર્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે અશોક ગૌડ તેનો મિત્ર હતો.’
દારૂ બાદ ઝઘડો અને ક્રૂર હત્યા
પોલીસના જણાવ્યા મુજબ ૨૯ જાન્યુઆરીએ રાતે મલાડના માલવણી વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં બન્ને મિત્રો દારૂ પી રહ્યા હતા. એ દરમ્યાન કોઈ મુદ્દે બન્ને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. ગુસ્સામાં આવીને આરોપીએ અશોકને છરી મારીને તેની હત્યા કરી હતી. બાદમાં પુરાવા નષ્ટ કરવા માટે મૃતદેહને બે ભાગમાં કાપીને ધડને પ્લાસ્ટિકની બૅગમાં ભરીને ૩૦ જાન્યુઆરીએ જુહુ બીચ પર ફેંકી દીધું હતું. અશોકના શરીરના બાકીના ભાગની શોધ હજી ચાલુ છે.


