મુખ્ય પમ્પિંગ સ્ટેશનની સાથે મહાલક્ષ્મી, પી. ડિમેલો રોડ, વડાલા અને ચૂનાભઠ્ઠીમાં નાનાં પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવશે

પમ્પિંગ સ્ટેશન
શહેરને જળબંબાકાર થતું રોકવા માટે બીએમસી મિની પમ્પિંગ સ્ટેશન્સ શરૂ કરી રહી છે અને એ માટે મહાલક્ષ્મી, પી. ડિમેલો રોડ, વડાલા અને ચૂનાભઠ્ઠી એમ ચાર વિસ્તારમાં એણે મિની પમ્પિંગ સ્ટેશન પર કામ શરૂ કર્યું છે. ગાંધી માર્કેટ અને હિન્દમાતા ખાતે આવાં બે મિની પમ્પિંગ સ્ટેશન છેલ્લા ચોમાસાથી કાર્યરત છે.
શહેરમાં ભારે વરસાદ કે ભરતીના સમયે નાળામાંથી વધારાનું પાણી ખેંચીને સમુદ્રમાં ઠાલવવા માટે શહેરમાં લવગ્રોવ, ક્લિલૅન્ડ બંદર, હાજી અલી, ઇર્લા, બ્રિટાનિયા અને ગઝદરબંધ એમ ૬ સ્થળોએ મોટાં પમ્પિંગ સ્ટેશન છે. અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાતી હોવાથી તથા અનેક સ્થળોએ જમા થયેલું પાણી ખાલી કરવા મોટાં પમ્પિંગ સ્ટેશન ઊભાં કરવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બીએમસીએ મિની પમ્પિંગ સ્ટેશન બનાવવાનો નિર્ણય કર્યો છે.
પમ્પિંગ સ્ટેશનનો મૂળ હેતુ નીચાણવાળા વિસ્તારોમાંથી વરસાદના પાણીને લીધે ગટરમાં ભેગાં થયેલાં પૂરનાં પાણીને બહાર કાઢવાનો છે. ગુરુત્વાકર્ષણ બળને કારણે નીચાણવાળા વિસ્તારોમાં ભરાયેલાં વરસાદનાં પાણી ઊંચે આવી શકતાં ન હોવાથી પમ્પની સહાયથી ભરાયેલાં પાણીને તરત દૂર કરી શકાશે, એમ જણાવતાં એસડબ્લ્યુડી વિભાગના ડેપ્યુટી ચીફ એન્જિનિયર પ્રકાશ સવાર્દેકરે વધુમાં ઉમેર્યું હતું કે આ આખી યોજના સંબંધિત વિસ્તારની વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા, વૉટર પમ્પિંગની ક્ષમતા, ભારે વરસાદના બનાવ, હાઈ અને લો ટાઇડ (ભરતી અને ઓટ) વખતે પાણીનું સ્તર તથા બૃહન્મુંબઈ સ્ટૉર્મ વૉટર ડિસ્પોઝલ સિસ્ટમ રિપોર્ટ પર આધારિત છે.
ચૂનાભઠ્ઠીમાં પૂરનાં પાણીને કારણે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ટ્રાફિક જૅમની સ્થિતિ સર્જાય છે, આથી બીએમસી નીચાણવાળાં સ્થળોએ પુલ અને ચેમ્બર બનાવીને વરસાદના પાણીને રાહુલનગર નાળામાં ઠાલવવાની યોજના ધરાવે છે. આ ઉપરાંત પ્રતિ કલાક ૧૦૦૦ ક્યુબિક મીટર પાણીની ક્ષમતા ધરાવતો એક પમ્પ, પ્રતિ કલાક ૩૦૦૦ લિટરની ક્ષમતા ધરાવતા ત્રણ અને ૫૦૦ ક્યુબિક મીટર કાઢવાની ક્ષમતાના ત્રણ પમ્પ આ વિસ્તારમાં તહેનાત કરવા માગે છે.
આ જ પ્રકારે ભાયખલા-ઈસ્ટમાં ભરાતાં પાણી કાઢવા માટે બીએમસી મહાલક્ષ્મી રેલવે-ટ્રૅક નજીક ૩૦૦૦ લિટરની ક્ષમતા ધરાવતા આઠ હાઈ કૅપેસિટી પાઇપની વ્યવસ્થા કરશે. આ ઉપરાંત કૉન્ટ્રૅક્ટર્સ સાથે ચોમાસાના ચાર મહિના માટે વૉર્ડ સ્તરે કુલ ૯૨.૭૦ કરોડ રૂપિયાના ખર્ચે ૩૮૦ હંગામી પાઇપની વ્યવસ્થા કરવા માટે કૉન્ટ્રૅક્ટ કરાયા છે.
પ્રકાશ સવાર્દેકરે જણાવ્યું હતું કે વર્ક ઑર્ડર આપી દેવાયા છે અને ચોમાસું બેસતાં પહેલાં અમે શક્ય એટલું કામ પૂરું કરવાની કોશિશ કરીશું. જોકે ચોમાસું બેસતાં પહેલાં આ પમ્પિંગ સ્ટેશન પૂર્ણપણે કાર્યાન્વિત થવા શક્ય નથી.
બીએમસીએ શહેરમાં પૂરનાં પાણી ભરાવાનાં કુલ ૩૮૬ સ્થળો શોધી કાઢ્યાં છે. આમાંથી ૨૬૫માં વિવિધ કાર્યો પૂર્ણ થવાને આરે છે. બાકીનાં ૫૩ પૂરનાં સ્થળોનું કામ ચોમાસા પહેલાં પૂર્ણ થવાની સંભાવના છે, જ્યારે ૧૧ સ્થળોએ વરસાદ પછી કામ હાથ ધરાશે. ૧૪ સ્થળો માટે જરૂરી કામ આયોજન તબક્કામાં છે, જ્યારે બાકીનાં ૪૩ સ્થળો સરકારી અથવા ખાનગી મિલકતોનાં છે.