BMCએ રસ્તા પરના શ્વાનોને ખવડાવવા બાબતે, પેટ-ઓનર્સ માટે, હાઉસિંગ સોસાયટીઓ માટે બહાર પાડી નવી ગાઇડલાઇન્સ
પ્રતીકાત્મક તસવીર
BMCએ પેટ-ઓનર્સ, ઍનિમલ ફીડર્સ, હાઉસિંગ સોસાયટીઓ, સ્કૂલો, ટેક પાર્ક્સ અને અન્ય સંસ્થાઓ માટે ગાઇડ-લાઇન્સ બહાર પાડી છે. ઍનિમલ વેલ્ફેર બોર્ડ ઑફ ઇન્ડિયા (AWBI) અને ઍનિમલ બર્થ કન્ટ્રોલ રૂલ્સ ૨૦૨૩ના વિવિધ સર્ક્યુલર તથા સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ BMCએ નવી ગાઇડલાઇન્સ બહાર પાડી છે. એમાં રસ્તા પરના શ્વાનોને ખવડાવવા બાબતે, પેટ ડૉગના લાઇસન્સ બાબતે, સોસાયટીઓની જવાબદારી અને જાહેર જગ્યાઓ પર પ્રાણીઓને કેવી રીતે રાખવાં આ બધા જ મુદ્દા પર નવા નિયમો જણાવવામાં આવ્યા છે. એને કારણે પ્રાણીઓની કાળજી રાખવા માગતા લોકો અને સોસાયટીના લોકો વચ્ચે કોઈ બાબતે મતભેદ નહીં થાય એમ BMCએ જણાવ્યું હતું.
પ્રાણીઓને ખવડાવતા અને એમની કાળજી રાખતા લોકો માટેની ગાઇડલાઇન્સ
ADVERTISEMENT
સ્ટ્રીટ ડૉગ અને કૅટને ખવડાવવું કાયદેસર છે અને કાયદા દ્વારા સંરક્ષિત છે.
બાળકોના એરિયા અને પબ્લિક રસ્તાઓથી દૂર ચોખ્ખી જગ્યા પર અને ડૉગ-કૅટને ખવડાવવા માટે બનાવેલી જગ્યા પર જ એમને ખવડાવવું જોઈએ.
એંઠવાડ કે કાચું માંસ ખવડાવી શકાશે નહીં.
પ્રાણીઓના સ્ટરિલાઇઝેશન અને વૅક્સિનેશન માટે મદદ કરવાની રહેશે.
લોકોની અવરજવર ઓછી હોય એવા સમયે, વહેલી સવારે કે સાંજે પ્રાણીઓને ખવડાવી શકાશે.
હાઉસિંગ સોસાયટી માટેના નિયમો (રેસિડન્ટ્સ વેલ્ફેર અસોસિએશન અને અપાર્ટમેન્ટ ઓનર્સ અસોસિએશન)
સોસાયટી પેટ ઍનિમલ પર પ્રતિબંધ નહીં મૂકી શકે કે એની સાઇઝ પણ નક્કી નહીં કરી શકે. આવા નિયમો નાગરિકના મૂળભૂત હકની વિરુદ્ધ ગણાશે.
સ્ટ્રીટ ઍનિમલને ખવડાવવા પર સોસાયટી રોક નહીં લગાવી શકે. એને બદલે ખવડાવવાનો સમય અને સ્થળ નક્કી કરી શકે છે.
પ્રાણીઓ પર અત્યાચાર, પ્રાણીઓને ખવડાવનારને હેરાન કરવા કે પેટ ઍનિમલને છોડી દેવું એ દંડાત્મક ગુનો ગણાશે.
સોસાયટીઓ ઍનિમલ વેલ્ફેર કમિટીની રચના કરી શકે છે.
પેટ-ઓનર્સ માટેની ગાઇડલાઇન્સ
મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન ઍક્ટ ૧૮૮૮ની કલમ ૧૯૧-બ હેઠળ બધા જ પેટ ડૉગનું રજિસ્ટ્રેશન ફરજિયાત કરાવવાનું રહેશે. લાઇસન્સ વગર પેટ ડૉગ રાખવો ગેરકાયદે ગણાશે.
પેટ-ઓનર્સે પેટને વૅક્સિનેટેડ, ડીવૉર્મ અને સ્ટરાઇલ કરીને ચોખ્ખું રાખવાનું રહેશે.
જાહેર સ્થળો પર પેટને પટ્ટો બાંધીને રાખવું પડશે અને એમના પૉટી કર્યા બાદ એ જગ્યાને પેટ-ઓનર્સે સાફ કરવાની રહેશે.
પેટ્સને લિફ્ટમાં લઈ જવાની છૂટ છે. તેમના માટે અલગ લિફ્ટની વ્યવસ્થા પણ કરી શકાય.
ડૉગીના હિંસક વર્તનની નોંધ લેવામાં આવશે તેમ જ ૧૮ વર્ષથી નાનાં બાળકો ડૉગ સાથે એકલાં નહીં જઈ શકે.
ડૉગ્સ અને કૅટ્સને સોસાયટીના પરિસરમાંથી કાઢી શકશે નહીં. એમને સ્ટરિલાઇઝ અને વૅક્સિનેટ કરીને ત્યાં જ રહેવા દેવામાં આવશે.
સંસ્થાઓએ પ્રાણીઓને પાણી, ફૂડ અને રહેવાની વ્યવસ્થા કરી આપવાની રહેશે.
સ્ટાફે પ્રાણીઓ પર અત્યાચાર કર્યા વગર એમને ટ્રેઇનિંગ આપવાની રહેશે.
કૅમ્પસમાં જો પ્રાણીઓ રહેતાં હોય તો એ અંગેની સૂચના આપવાની રહેશે.
કોઈ પણ સૂચના કે ફરિયાદ તથા લાઇસન્સ માટે BMCના ડૉગ કન્ટ્રોલ યુનિટની હેલ્પલાઇન -૯૬૩૫૮ ૩૯૮૮૮ નંબર પર સંપર્ક કરી શકાશે તેમ જ https://vhd.mcgm.gov.in/ વેબસાઇટ પર ફરિયાદ નોંધાવી શકાશે.

