BMCએ આ મેસેજને અફવા ગણીને એના પર વિશ્વાસ ન કરવા જણાવ્યું હતું
વાઇરલ થયેલો મેસેજ
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના વૉટર પ્યુરિફિકેશન પ્લાન્ટમાં ખામી સર્જાવાને કારણે મુંબઈમાં ફિલ્ટર થયા વગરનું પાણી આવી રહ્યું છે એટલે પાણી ઉકાળીને પીવું અને સાવચેતી રાખવી એવો મેસેજ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. BMCના લોગો સાથે આવી માહિતી છપાઈ હોવાથી અનેક લોકોએ આ વાત સાચી માની હતી અને BMCને અશુદ્ધ પાણી બદલ ફરિયાદ પણ કરી હતી. જોકે BMCએ આ મેસેજને અફવા ગણીને એના પર વિશ્વાસ ન કરવા જણાવ્યું હતું.
BMCના વૉટર એન્જિનિયરિંગ વિભાગે સ્પષ્ટતા કરી હતી કે વાઇરલ થયેલો મેસેજ ખોટો અને ભ્રામક છે. આ સંદર્ભમાં BMCએ માહિતી આપી હતી કે ‘દરરોજ મુંબઈવાસીઓને ૪૧૦૦ મિલ્યન લીટર પાણી પૂરું પાડવામાં આવે છે. પાણી પૂરું પાડતી વખતે પાણીનું શુદ્ધીકરણ વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO) અને IS 10500-2012 દ્વારા પ્રમાણિત ધોરણો અનુસાર કરવામાં આવે છે. ત્યાર બાદ મુંબઈવાસીઓને શુદ્ધ, જંતુમુક્ત અને સ્વચ્છ પાણી પૂરું પાડવામાં આવે છે. તેથી આવી કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરવો.’
