BMCની ૨૦૧૭ની ચૂંટણી વખતે પણ ૨૨૭ વૉર્ડ જ હતા. આ વખતે પણ સંખ્યા તો ૨૨૭ જ રાખવામાં આવી છે.
પ્રતીકાત્મક તસવીર
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણીઓ થવાની છે ત્યારે એ પહેલાં BMCએ એના ૨૨૭ વૉર્ડ (પ્રભાગ)ની રચનામાં મામૂલી ફેરફાર કર્યા છે અને એ વિશેની માહિતી જાહેર કરી છે. સાથે જ એણે ૪ સપ્ટેમ્બરે બપોરે ૩ વાગ્યા સુધીમાં એ માટે જો કોઈનું સૂચન કે વાંધાવચકા હોય તો એ જણાવવા મુંબઈગરાઓને જણાવ્યું છે. મુંબઈમાં BMCની કુલ ૨૭ ઑફિસમાં આ સૂચનો અને વાંધાવચકા આપી શકાશે.
BMCની ૨૦૧૭ની ચૂંટણી વખતે પણ ૨૨૭ વૉર્ડ જ હતા. આ વખતે પણ સંખ્યા તો ૨૨૭ જ રાખવામાં આવી છે. જોકે કેટલાક વૉર્ડમાં એની ભૌગોલિક રચનામાં ફેરફાર કરવામાં આવ્યો છે. દરેક વૉર્ડમાં સામાન્ય રીતે ૪૫,૦૦૦થી ૬૫,૦૦૦ની લોકસંખ્યા રાખવામાં આવી છે.
ADVERTISEMENT
થાણે
થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC)માં કુલ ૩૩ વૉર્ડ છે અને એમાંથી ૧૩૧ નગરસેવકો ચૂંટી કાઢવામાં આવશે. ૩૨ વૉર્ડમાં દરેકમાં ૪ નગરસેવક ચૂંટાશે, જ્યારે એક વૉર્ડમાં ૩ નગરસેવક ચૂંટવામાં આવશે. TMCએ પણ નાગરિકોને વૉર્ડરચના સંદર્ભનાં સૂચનો અને વાંધાવચકા માટે ૪ સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે.
કલ્યાણ-ડોમ્બિવલી
કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન (KDMC)માં કુલ ૩૧ વૉર્ડ છે અને એમાંથી ૧૨૨ નગરસેવક ચૂંટવાના છે. વૉર્ડ-નંબર ૨૧ અને ૨૫માંથી ૩ નગરસેવક ચૂંટાશે, જ્યારે બાકીના ૨૯ વૉર્ડમાંથી દરેકમાંથી ૪ નગરસેવક ચૂંટાશે. KDMCની કુલ વસ્તી ૧૫,૧૮,૭૬૨ લોકોની છે જેમાંથી ૧,૫૦,૧૭૧ લોકો અનુસૂચિત જાતિના છે, જ્યારે અનુસૂચિત જનજાતિની વસ્તી ૪૨,૫૮૪ લોકોની છે. KDMCએ પણ નાગરિકોને વૉર્ડરચના સંદર્ભેનાં સૂચનો અને વાંધાવચકા મોકલવા માટે ૪ સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે.


